Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

કોરોનાનો ફૂંફાડો : રાજકોટમાં વધુ એક મોત - એક પોઝિટિવ

શહેરનાં અક્ષરમાર્ગ કૈલાશપાર્કમાં રહેતા જસુમતીબેન(ઉ.વ-૮૮)નું સિવિલ હોસ્પિટલ કોવિડ-૧૯માં મોતઃ રૈયારોડનાં શાંતિનિકેતન પાર્કમાં વડોદરાના દામનગરથી આવેલા ૪૧ વર્ષીય પુરૂષ કોરોના સંક્રમિત : ક્રાઇસ્ટ હોસ્પિટલની હોસ્ટેલમાં રહેતી ૨૩ વર્ષીય યુવતિ કોરોના પોઝિટિવ આવતા આ કેસ જિલ્લામાં ગણાયો : રાજકોટ શહેરમાં ૩ અને જીલ્લામાં ૧ સહિત કુલ ૪ મોત થયાઃ કોરોના પોઝિટિવના શહેરમાં ૮૭ અને જીલ્લામાં ૩૬ સહિત કુલ ૧૨૫ કેસ નોંધાયા

શાંતિ નિકેતન પાર્ક અને ધરમનગર વિસ્તારના ૨૫ મકાનો સીલ : પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ ૧૪ લોકોને સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઇન હેઠળ રખાયા : રાજકોટ : આજરોજ શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલ શાંતિ નિકેતન પાર્ક શેરી નં. ૧માં રહેતા અને વડોદરા જિલ્લાના દામનગરથી આવેલા ૪૧ વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તેઓ દામનગરમાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા હતા. આ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા આઠ લોકોને સમરસ હોસ્ટેલ ખાતે કોરોન્ટાઇન હેઠળ રખાયા છે તથા શાંતિ નિકેતન સોસાયટીના ૧૨ ઘરની કલ્સ્ટર કોરોન્ટાઇન હેઠળ રખાયા છે. તેમજ ગઇકાલે ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાણાવટી ચોકથી આગળ આવેલ ધરમનગર વિસ્તારમાં ૬૦ વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દર્દી ૧૦ દિવસ પહેલા અમદાવાદથી આવ્યા હતા. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા ૬ લોકોને સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમજ આ વિસ્તારના ૧૩ મકાનોના ૭૩ લોકોને કલ્સ્ટર કોરોન્ટાઇન કરાયા છે.

રાજકોટ,તા.૬: શહેરમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો વછે. ગઇકાલે મોડી સાંજે ધરમનગર વિસ્તારમાં એક રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે કોરોનાના કારણે ૮૮ વર્ષીય એક વૃધ્ધાનું મોત થયુ છે. જયારે શહેરમાં એક પુરૂષ અને જિલ્લામાં યુવતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે શહેરમાં ૩ અને જિલ્લામાં ૧ સહિત કુલ ૪ મૃત્યુ થયા છે. જ્યારે કોરોના પોઝીટીવના શહેરમાં ૮૭ અને જિલ્લામાં ૩૬ સહિત કુલ ૧૨૫ કેસ નોંધાયા છે.

આ અંગે આરોગ્ય તંત્રના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના અક્ષર માર્ગ પર આવેલ કૈલાશ પાર્કમાં રહેતા ૮૮ વર્ષના જશુમતિબેન વિષ્ણુનું રાત્રે સિવિલ હોસ્પિટલ કોવિડ-૧૯માં મોત થયું હતું. જશુમતિબેન અમદાવાદ કાંકરિયા હોસ્પિટલમાં પગનું ઓપરેશન કરાવ્યા બાદ રાજકોટ ૨૫ મેના શિવ હોસ્પિટલમાં દાખલ થયા હતા. અમદાવાદ ડોકટર સ્ટાફને કોરોના પોઝિટિવ આવતા ત્યાંથી રાજકોટ શિવ હોસ્પિટલમાં જશુમતિબેન પગની સારવાર માટે દાખલ થયા હતા. તે દરમિયાન જશુમતિબેનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા ૨૭ મેના રિપોર્ટ કરાવ્યો હતો. જે ૨૮મીએ પોઝિટિવ જાહેર થયો હતો. જેનું ગતરાત્રે મોત નિપજ્યું છે.

આજરોજ શહેરના રૈયા રોડ વિસ્તારમાં શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા અને વડોદરા જિલ્લાના ડભોઇ નજીક દામનગરથી આવેલ સમીરભાઇ હસમુખભાઇ બારોટ (ઉ.વ.૪૧)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  કોરોના પોઝિટિવ સમીરભાઇ બારોટ તા. ૨ જુનના રોજ વડોદરા પાસેના દામનગર ગામથી રાજકોટ આવેલ. પ્રાથમિક તપાસમાં તેઓ દામનગર ગામના કોરોના પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. તેમને શરદી તેમજ સામાન્ય તાવ આવતા તેઓએ ખાનગી તબીબ પાસેથી સારવાર મેળવેલ પરંતુ તબિયતમાં કોઇ સુધારો ન જણાતા તા. ૫ જૂનના રોજ પી.ડી.યુ. હોસ્પિટલમાં દાખલ થયેલ જ્યાં તેમનો રીપોર્ટ પોઝિટિવ આવેલ.

આ ઉપરાંત ૨૩ વર્ષીય ભારતીબેન કારેલીયા (ઉ.વ.૨૩)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. આ દર્દી ક્રાઇસ્ટ હોસ્પિટલના હોસ્ટેલમાં રહેતા હોય ત્યારે આ કેસ જિલ્લામાં નોંધાયો છે.

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૮૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ૭૬ સાજા અને ૩ મોત થયા છે. હાલ હોસ્પિટલમાં ૮ દર્દી સારવાર હેઠળ છે.

(2:57 pm IST)