Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પારેવડી ચોકમાં રિક્ષાચાલક જયેશની લુખ્ખાગીરીઃ 'આ મારો ઇલાકો છે, ઉભો રે તારી હવા કાઢી નાંખુ...કહી દુકાનમાં આતંક

મહિલાઓ શેરડીનો રસ પીવા આવતી હોઇ ગાળો બોલવાની ના પાડતાં ગૂંડાગીરી પર ઉતરી આવ્યો : સુખસાગર સિઝન સ્ટોરવાળા ભરવાડ યુવાન સંજય મકવાણાને માર મારી તોડફોડ કરીઃ જયેશ બોરીચા તથા ચામડીયા ખાટકીવાસના મહમદ ઉર્ફ મમદો, તેના ભાઇ સહિતને શોધતી બી-ડિવીઝન પોલીસઃ વેપારીઓમાં ભારે રોષઃ પોલીસ કમિશનરને રજૂઆત કરશે

રાજકોટ તા. ૭: પારેવડી ચોકમાં સિઝન સ્ટોર અને રસનો ચીચોડો ધરાવતાં ભરવાડ યુવાનની દૂકાન પાસે ઉભો રહી રિક્ષાચાલક બોરીચા શખ્સ ગાળો બોલતો હોઇ તેને બહેનો પણ રસ પીવા આવતી હોઇ ગાળો નહિ બોલવાનું કહેતાં તેણે 'આ મારો ઇલાકો છે, તારી હવા હમણા કાઢી નાંખું' કહી ફોન કરી ચામડીયા ખાટકીવાસમાંથી બીજા શખ્સોને બોલાવી આતંક મચાવી ભરવાડ યુવાનને ધોકા-પાઇપથી અને ઢીકા-પાટુનો માર મારતાં દેકારો મચી ગયો હતો. મુળ હડમીયાનો રિક્ષાચાલક બોરીચા શખ્સ આ રોડ પર સતત દાદાગીરી કરતો હોવાનો આક્ષેપ વેપારી યુવાને કર્યો છે.

પોલીસે પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટી-૧માં રહેતાં અને પારેવડી ચોક ખાતે ચારેક વર્ષથી સુખસાગર સિઝન સ્ટોર નામે ધંધો કરતાં સંજય કિશોરભાઇ મકવાણા (ઉ.૨૪) નામના ભરવાડ યુવાનની ફરિયાદ પરથી મોરબી રોડ ચામડીયા ખાટકીવાસના મહમદ ઉર્ફ મમદો, તેના બે ભાઇઓ, જયેશ બોરીચા તથા બે-ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૪૨૭, ૫૦૪, ૧૩૫ (૧) મુજબ રાયોટનો ગુનો નોંધ્યો છે.

સંજયએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું  પારેવડી ચોકમાં સિઝન સ્ટોરની સાથે સાથે હાલમાં શેરડીના રસનો ચીચોડો પણ ચલાવુ છું. બપોરે બે વાગ્યા આસપાસ હું તથા ચીચોડાનો કારીગર અજય માંડવીયા અમારી દૂકાને હતા ત્યારે રિક્ષાવાળો અજય બોરીચા બીજા કોઇ રિક્ષાવાળા સાથે ત્યાં ઉભા રહેવા બાબતે બોલાચાલી કરતો હતો. જેમાં જયેશ બોરીચા ગાળો બોલતો હોઇ જેથી મેં તેને 'તમે અહિયા ગાળો ન બોલો, અમારે મહિલા ગ્રાહકો પણ રસ પીવા આવતા  હોય છે' તેમ કહેતાં અજયએ 'આ ઇલાકો મારો છે, હું દરરોજ અહિ જ ઉભો રહુ છું, તમારે કાંઇ હવા હોય તો ઉભા રહો હમણા અમારા માણસોને બોલાવું' તેમ કહી તેણે ફોન કર્યો હતો.

મેં પણ મારા પિતા કિશોરભાઇને ફોન કરી બનાવની જાણ કરી હતી. પાંચેક મિનીટ પછી ખાટકીવાસનો મહમદ ઉર્ફ મમદો અને તેના બે ભાઇઓ તથા બીજા બે-ત્રણ જણા આવી ગયા હતાં. જયેશે રિક્ષામાંથી લાકડી કાઢી મમદાને આપી દીધી હતી. મમદાએ આવી મને વાંસામાં બે ઘા ફટકાર્યા હતાં. જયેશે મને ધક્કો મારી પછાડી દેતાં હું સ્ટોરની અંદરની સાઇડ પડી ગયો હતો.

ત્યાં અજાણ્યાએ પાણીની ડોલ ઉપાડી ઘા કરતાં ડોલની અંદરના કાચના બધા ગ્લાસ ફુટી ગયા હતાં. કોઇએ કેશ કાઉન્ટર ખેંચીને પછાડી દીધું હતું. ત્યાં મારા પિતા આવી ગયા હતાં. એ પછી હું, મારા પિતા અને કારીગર અજયે મળી સામનો કરતાં અને પાછળ દોડતા એ બધા 'હમણા પાછા આવીએ છીએ' તેવી ધમકી આપી ભાગી ગયા હતાં. થોડીવાર પછી મારો ભાઇ હાર્દિક આવતાં અમે સો નંબરમાં ફોન કર્યો હતો અને ગાડી બોલાવી હતી. જયેશે બોલાવેલા શખ્સોમાં બે ત્રણ જણાએ મોઢે રૂમાલ બાંધેલા હતાં. એક જણા પાસે પાઇપ અને એક જણા પાસે બુઠી તલવાર પણ હતી. મને પાઇપથી પણ ડાબા હાથમાં ઘા ફટકારાયો હતો.

સંજયની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. સંજય મકવાણાએ કહ્યું હતું કે ઘણા સમયથી જયેશ આ રોડ પર વેપારીઓને હેરાન કરે છે. તેના વિરૂધ્ધ વેપારીઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા જવાના છે.

(3:54 pm IST)