Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ગુજરાતના માનવ અધીકાર આમોએ ગંભીર ભૂલ કરી છેઃ ૧૦ જીવીત મહિલાને સતી બનાવી તે ભયંકર બેદરકારીઃ જવાબદારોને સસ્પેન્ડ કરો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા ઉકળી ઉઠયાઃ આગેવાનો સાથે કલેકટરને વિસ્તૃત રજુઆત

ગુજરાત રાજય માનવ અધિકાર આયોગની ભયંકર બેદરકારી સામે મહિલા કોંગ્રેસ આગેવાનો ગાયત્રીબા વાઘેલા, મનીષાબા વાળા વિગેર  કલેકટર કચેરીએ દેખાવો કરી કલેકટરને આવેદન પાઠવ્યું તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૭ : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી ગાયત્રીબા વાઘેલા તથા શહેરના અન્ય કોંગ્રેસ મહિલા આગેવાનોએ રાજકોટ કલેકટરને આવેદન પાઠવી ગુજરાત રાજય માનવ અધિકાર આયોગની ભયંકર બેદરકારીના કારણે ૧૦ જીવિત મહિલાને સતી બનાવવાના કિસ્સાની તપાસ કરી સંયુકત સચિવ તેમજ આયોગનાં જવાબદાર અધિકારીઓને ફરજમાં બેદરકારી સબબ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે આપના માધ્યમથી રાજય સરકારને અમે રજુઆત કરીએ છીએ કે ગુજરાત રાજય માનવ અધિકાર પંચ દ્વારા પોતાનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ૧૦ વર્ષમાં ૧૦ જીવિત મહિલાઓને સતી દર્શાવી સમગ્ર નારી જગતનું અપમાન કરેલ છે અને રાજય સરકારનું તંત્ર કઇ હદે બાબુશાહીથી કામ કરે છે તેનો આ ઉત્તમ નમુનો છે.

જયારે આ સમગ્ર ઘટનાં પ્રકાશમાં આવે છે  ત્યારે આયોગના સંયુકત સચિવશ્રી અમારાથી ભુલ થઇ છે તેઓ હાસ્યાસ્પદ બચાવ કરે છે અને એ બચાવની સામે નારી સશકિતકરણની વાતો કરતી સરકાર વિધાનસભાના રેકોર્ડ ઉપર અમર બનેલા આ પ્રકરણ સંદર્ભે કોઇ જ પગાલ લેતી નથી અને પોતાની ધ્રુતરાષ્ટ્ર નીતી મુજબ કામ કરી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. ત્યારે નીચેના મુદ્દાઓ દ્વારા રાજય સરકાર દ્વારા માનવ અધિકાર પંચના જવાબદાર અધિકારીઓને આ ગંભીર ભૂલ અને ફરજ બેદરકારી સબબ સસ્પેન્ડ કરવામાં આવે અને ઉદાહરણ રૂપ કાર્યવાહીનો દાખલો બેસાડવામાં આવે એવી રજુઆત છે.

ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલા રીપોર્ટના જવાબદાર કર્મચારી અને અહેવાલ તૈયાર કરનાર અધિકારીથી થયેલ ફરજ બેદરકારી (ચૂક) સબંધે  તપાસ થાય અને તેની સામે કાર્યવાહી કરવામાં આવે.

માનવ અધિકારી પંચ છેલ્લા ૧૦ વર્ષમાં જે જીવિત ૧૦ મહિલાઓને સતી તરીકે દર્શાવી છે તે મહિલાઓ દ્વારા પંચ સમક્ષ કયાં પ્રકારની દાદ માંગવામાં આવી હતી અને તે સંદર્ભે પંચ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી હતી તેની સમગ્ર વિગતોની ચકાસણી કરવામાંઆવે અને કયાં કારણોસર આયોગ દ્વારા આ ગંભીર ભુલ આચરવામાં આવી.

સતી પ્રથા વિરૂદ્ધનો કાયદો પસાર થઇ ગયે વર્ષો થયાં હોવા છતા  રાજયના માનવ અધિકાર પંચ હજુ સુધી પોતાના ખાતામાં સતીપ્રથા અંગેનું કોલમ શા માટે હજુ સુધી નિભાવેછે તે અંગેની સ્પષ્ટતા અને ખુલાસો કરવામાં આવે.

માનવ અધિકાર આયોગનાં સંયુકત સચિવ સહિતના જવાબદાર અધિકારીઓએ આટલી મોટી ભૂલ હોવા છતાં પોતે અહેવાલ ચકાસ્યો ન હોય તે રીતે સીધોજ વિધાનસભાનાં પટલ ઉપર રજુ કર્યોહોય તો તેમની સામે પણ ફરજમાં ગંભીર બેદરકારી સબબ કાર્યવાહી કરવામાં આવે તેમ માંગણી આવેદનમાં કરાઇ હતી.

આવેદન દેવામાં શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી મનીષાબા વાળા, કોર્પોરેટરો અને અન્ય આગેવાનો જોડાયા હતા.

(3:49 pm IST)