Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

આજી રીંગ રોડ પર રાત્રે ત્રણ મજૂરોને લૂંટના ઇરાદે ત્રણ શખ્સોએ ધોકાવી છરી પણ હૂલાવી

રાધામીરા ઇન્ડસ્ટ્રીમાંથી રાકેશ, અરવિંદ અને ગોવિંદ રાત્રે સાડા અગિયારેક વાગ્યે ઘરે જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં આંતરી રોકડ-મોબાઇલ પડાવવા પ્રયાસઃ દેકારો થતાં ત્રણેય લૂંટારા ભાગ્યા

રાજકોટ તા. ૭: આજી રીંગ રોડ પર જય સિયારામ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે રાત્રીના સાડા અગિયારેક વાગ્યે ત્રણ લૂંટારૂઓએ કારખાનેથી છુટીને ઘર તરફ જઇ રહેલા ત્રણ કારીગર યુવાનોને આંતરી રોકડ-મોબાઇલ જે હોય તે આપી દેવા કહી ધોલધપાટ કરી છરીથી ઘાયલ કરતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

આજીડેમ ચોકડીથી આગળ કોઠારીયા ચોકડી તરફ રાધા મીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા કારખાનામાં કામ કરતો રાકેશ દિનેશભાઇ ચોૈહાણ (ઉ.૧૯), અરવિંદ રાજેશભાઇ ચોૈહાણ (ઉ.૧૭) તથા ગોવિંદ ભરતભાઇ તવક (ઉ.૧૮) રાત્રીના સાડા અગિયારેક વાગ્યે કારખાનેથી કામ પુરૂ કરી ઘર તરફ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં જય સિયારામ ઇન્ડસ્ટ્રીઝ પાસે ત્રણેયને બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ત્રણેયને આંતરી પૈસા, ફોન જે હોય તે આપી દેવા કહી ઝપાઝપી કરતાં આ ત્રણેય કારીગરોએ પણ સામનો કરતાં ત્રણેયને ઢીકા-પાટુ મારી છરીથી ઘાયલ કરી દીધા હતાં.

ત્રણેય કારીગરોએ દેકારો કરતાં બીજા લોકો દોડી આવતાં ત્રણેય શખ્સો ભાગી ગયા હતાં. રાકેશને પગે, અરવિંદને હાથમાં અને ગોવિંદને છાતીમાં છરીના છરકા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે થોરાળા પોલીસને જાણ કરતાં એએસઆઇ મગનભાઇ પાંડવે રાકેશ ચોૈહાણની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે. ત્રણ શખ્સોએ વાત કરવા મોબાઇલ માંગતા ન આપતાં મારકુટ કર્યાનું અને છરીથી હુમલો કરી પોતાને તથા સાહેદોને ઘાયલ કર્યાનું ફરિયાદમાં નોંધાયું છે.

(3:29 pm IST)