Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

સિવિલ હોસ્પિટલમાં દસ દિવસમાં ત્રીજી વખત એકનો એક ખિસ્સાકાતરૂ ઝડપાયો

સિકયુરીટીએ દરેક વખતે રંગેહાથ પકડીને પોલીસને સોંપ્યોઃ ગત રાતે ફરીથી ઝપટે ચડ્યો

રાજકોટ તા. ૭: સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત ગત રાતે ટ્રોમા કેર સેન્ટરમાં દર્દીના સગાનું ખિસ્સુ કપાઇ ગયું હતું. સિવિલના સિકયુરીટી ગાર્ડએ ખિસ્સા કાતરૂને ઝડપી લઇ પોલીસને સોંપ્યો છે. આ એ જ ખિસ્સા કાતરૂ છે જેણે છેલ્લા દસ દિવસમાં સતત ત્રીજી વખત સિવિલ હોસ્પિટલમાં જ દર્દીના સગાના બ્લેડથી ખિસ્સા કાપ્યા છે. દરેક વખતે સિકયુરીટીએ આ શખ્સને પકડીને પોલીસને સોંપ્યો હતો. પરંતુ કડક કાર્યવાહીના અભાવે આ શખ્સ ફરી ફરીને એકને એક સ્થળે કસબ અજમાવવા પહોંચી જાય છે.

સિવિલના ટ્રોમાકેર સેન્ટરમાં રાજસ્થાનના સુજલગઢના પ્રતાપસિંહ દાખલ છે. તેના ભાઇ કરણીસિંહ ઇમર્જન્સી વોર્ડ સામેના પાર્કિંગમાં રાત્રીના સમયે સુતા હતાં. તે વખતે બ્લેડથી તેના ટ્રેક પેન્ટમાં કાપો મારી રોકડા રૂ. ૫૦૦ બઠ્ઠાવી લીધા હતાં. પ્રતાપસિંહ જાગી જતાં તેણે દેકારો કરતાં નાઇટ રાઉન્ડમાં રહેલા સિકયુરીટીના ભીમાભાઇ આહિર, રેશ્માબેન સર્વદી, ધર્મેશભાઇ નકુમ અને સિકંદરભાઇ શેખે મળી તપાસ કરતાં અગાઉ બે વખત ખિસ્સા કાપતા રંગેહાથ પકડાઇ ગયેલો શખ્સ જ ફરીથી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં મળી આવતાં તેને દબોચી લઇ તલાશી લેતાં ચોરેલી રકમ મળી આવી હતી. જેનું ખિસ્સુ કપાયું તેની પાસે બીજા ખિસ્સામાં રૂ. ૪૭૭૧ રૂપિયા હતાં. જે બચી ગયા હતાં.

ખિસ્સા કાપતા પકડાયેલા શખ્સે પોતાનું નામ ગુલાબશા અલીશા હોવાનું જણાવ્યું હતું. સિકયુરીટીએ ૧૦૦ નંબરમાં ફોન કરી આ શખ્સને પોલીસને સોંપ્યો હતો. અગાઉ પણ આ શખ્સ બે વખત સિવિલમાં જ ખિસ્સા કાપતા ઝડપાયો હતો. ત્રીજી વખત તે કોઇપણ જાતના ભય વગર ફરીથી ખિસ્સા કાપવા આવતાં સિકયુરીટીના હાથે પકડાયો છે. પોલીસ આકરી કાર્યવાહી કરે તે જરૂરી છે.

(3:26 pm IST)