Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

મે.ગોવિંદજી મનજી કંપનીને સ્ટોકને થયેલ નુકશાન બદલ વીમા કંપનીએ ચુકવવા પડશે રૂપિયા સાડા સાત લાખ

ગ્રાહકે વેઠવી પડેલ માનસિક યાતના બદલ ૮ હજારનો ખર્ચ મંજુર : ૩૦ દિ'માં રકમ આપવા આદેશ

રાજકોટ તા.૭ : કેસની હકીકત જોતા જીનીંગ એન્ડ ટ્રેડીંગના ધંધા સાથે જોડાયેલ જાણીતી એવી મેસર્સ ગોવિંદજી મનજી કંપની દ્વારા કોટન, શંકર કપાસ, તલ જેવી વિવિધ ખેત પેદાશોના સ્ટોકનો વીમો લીધેલ હતો. આ સ્ટોક રાજકોટથી ૧૮ કીમી દૂર તરઘડી ખાતે આવેલ ગોડાઉનમાં રાખેલ હતો. તા. ૧-૬-૧૭ના રોજ સાંજના સમયે અચનાક વરસાદ પડતા હવામાન બદલાતા જોરદાર પવન સાથે વરસાદ પડયો હતો. પરિણામે ગોડાઉનના છાપરા ઉડી જતા વરસાદના પાણીથી સ્ટોકને રૂ. ૬,૮૮,૬૮પનુ નુકશાન થયેલ. સ્ટોકના નુકશાન વળતર માટે લીધેલ સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશ્યલ પેરીલ્સ પોલીસી અંતર્ગત વીમાધારકે કલેઇમ દાખલ કર્યો હતો.

કલેમ અનુસંધાને વીમા કંપની દ્વારા સર્વેયરની નિમણુંક કરાઇ સર્વેયર દ્વારા સ્થળ મુલાકાત કરી સ્ટોકના નુકશાનની આકારણી કરાઇ હતી. વધુ જોરદાર પવનનો વંટોળ અને વરસાદને કારણે નુકશાન થયા અંગે વિમાધારકના દાવા અનુસંધાને સર્વેયર દ્વારા ઇન્ડીયન મેટ્રોલોજીકલ ડીપા.નો રીપોર્ટ મેળવવામાં આવ્યો અને જણાવાયુ કે ઇન્ડીયન મેટ્રોલોજીકલ ડીપા.  રીપોર્ટ મુજબ વીમાધારકે દર્શાવેલ તારીખે પવન અને વરસાદ થયેલ નથી તેથી કલેમ ચુકવી શકાય નહી. વધુમાં એમ પણ કહેવાયુ કે વીમાધારકનું ગોડાઉન સાઇલેન્ટ યુનિટ છે અને મેન્ટેન નથી તેથી જે નુકશાન થયુ તે વીમાધારકની બેદરકારી છે. એટલે વીમો ચુકવી શકાય નહી.

સર્વેયરના રિપોર્ટને આગળ ધરી વીમા કંપનીએ પણ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેર્યા અને વિમો ચુકવવાની ના કહી. વીમા કંપનીના આ વલણ સામે વીમાધારકે કંપનીને પત્ર લખી હકીકતલક્ષી બાબતો જણાવી વિનંતી કરે કે નુકશાન વળતરનો વિમો આપે. વિમાધારકે ઇન્ડીયન મેટ્રોલોજીકલ ડીપા.નો રીપોર્ટ મેળવ્યો અને તેમા ડીપા. દ્વારા જણાવાયુ કે બનાવનુ સ્થળ રાજકોટથી ૧૮ કીમી દૂર છે અને બનાવના સ્થળ અવલોકન કે મુલ્યાંકનની વ્યવસ્થા ડીપા. પાસે નથી. વીમાધારકે વિનંતીપત્રથી વિમા કંપનીને અવગત કરી તેમ છતા વીમા કંપનીએ પોતાનો નિર્ણય બદલ્યો નહી.

સબબ વીમા કંપનીના અવા જડ વલણથી નારાણ જઇ વીમાધારક મેમર્સ ગોવિંદજી મનજી કંપની દ્વારા પોતાના અધિકૃત વ્યકિત હિતેશભાઇ દતાણી મારફત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (મેઇન) રાજકોટ સમક્ષ ગ્રાહક સુરક્ષા ધારા તળે ફરીયાદ દાખલ કરી. સદર હું ફરીયાદ બાદ પણ વીમા કંપની પોતાના નિર્ણય પર અફર રહી અને પોતાના જવાબ રજૂ કરવા વીમા કંપનીએ જણાવ્યુ કે ગ્રાહકની ફરીયાદ હકીકત વિરૂધ્ધ છે અને ગ્રાહકએ પોતાનુ ગોડાઉન મેઇન્ટેન ન કરેલ હોવાને કારણે પોતાની બેદરકારીથી નુકશાન થયુ છે. એટલુ જ નહી પરંતુ બનાવના દિવસે માત્ર ઝરમર વરસાદ પડયો છે અને ગોડાઉનના છાપરા જુના પુરાણા અને સહજે પહેલેથી તુટેલા ખલી ગયેલ હોવાને લીધે પાણી ગોડાઉનમાં પડેલ અને એ રીતે સ્ટોકને નુકશાન થયુ છે તેથી પોલીસીની શરતો મુજબ આવુ નુકશાન ચૂકવી શકાય નહી. રજૂ થયેલ ફરીયાદના જવાબ વાંધા, સોગંદનામા, પુરાવા, લેખીત દલીલો વગેરે ધ્યાને લેતા મૌખીક દલીલ અંતર્ગત ફરીયાદીના વકીલ દ્વારા ઉઠાવવામાં આવેલ મહત્વના મુદ્દાઓ જેવા કે વીમા કંપનીએ વીમો ચુકવી ન શકાય તે માટે પોલીસીની કોઇ શરતનો ઉલ્લેખ વગર નિર્ણય કરેલ છે. એટલુ જ નહી પરંતુ સર્વેયર દ્વારા પણ સમગ્રલક્ષી દ્રષ્ટિકોણથી સર્વે કરાયો નથી તેવુ જણાવેલ.

ફરીયાદીના વકીલ દ્વારા મૌખીક દલીલ દરમિયાન પોલીસીની શરત નં. ૬ના શબ્દો સ્ટોર્મ, સાયકલોન, ટાયફૂન, ટેમ્પેસ્ટ, હરીકેન, ટોર્નેડો વગેરેનો અર્થ લો ડીકશનરીમાંથી નામદાર ફોરમને વાંચી સંભળાવવામાં આવેલ એટલુ જ નહી પરંતુ લો ડીક્ષનરી ફોરમ સમક્ષ રજૂ રાખવામાં આવેલ. નામદાર ફોરમ દ્વારા આ સઘળી હકીકતોને ધ્યાને લઇ પ્રત્યેક પુરાવાની વિસ્તૃત છણાવટ ધ્યાને લઇ અને મુખ્યતઃ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડીપા.નો વીમાધારકે મેળવેલ રીપોર્ટ ધ્યાને લઇ પોતાનો ચુકાદો આપતા જણાવાયુ છે આ રીપોર્ટ ખામીયુકત છે અને આવા ખામીયુકત રિપોર્ટને આધારે નુકશાન વળતર ન ચુકવવુ એ વીમા કંપનીની સેવાની ખામી કહેવાય. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ એમ.પી.શેઠ અને સભ્યશ્રી જાગૃતીબેન રાવલની બેંચ દ્વારા ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપતા ઠરાવાયુ કે નુકશાન વળતરના વીમાની રકમ રૂ. ૬,૮૮,૬૮૫ વાર્ષિક ૬ ટકા વ્યાજ સાથે રૂ. ૫૦૦૦ ગ્રાહકે વેઠવી પડેલ માનસિક યાતના બદલ અને રૂ. ૩૦૦૦ ફરીયાદ ખર્ચ મંજુર કરાઇ છે અને આ કામના સામેવાળા વીમા કંપની દ્વારા ચૂકાદાની તા. થી દિવસ ૩૦માં સદરહું રકમ ચુકવી આપવી. આ કામમાં ફરીયાદી વતી વિદ્વાન એડવોકેટ ગજેન્દ્ર એમ. જાની (મો. ૯૯૦૯૭ ૮૫૬૫૧) રોકાયા હતા.

(12:01 pm IST)