Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સંત હોય કે શ્રાવક દરેકે સદા પ્રસન્ન ચિત રહેવું જોઈએઃ પૂ.નમ્રમુનિ મ.સા.

શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન ખાતે પ્રવચનઃ ભાવીકોએ મોટી સંખ્યામાં લાભ લીધો : મનહર પ્લોટ સંઘમાં બીરાજમાન ગોં.સં.ના ૭૯ વર્ષની ઉંમર અને ૫૯ વર્ષના સંયમ પર્યાયધારી સાધ્વી રત્ના પૂ.પ્રભાબાઈ મ.સ.ને ગુરૂદેવે દર્શન આપ્યા

રાજકોટ,તા.૭: ધર્મનગરી રાજકોટ પરમ ભાગ્યશાળી શ્રી રોયલ પાર્ક સ્થા.જૈન મોટા સંદ્યમાં ઐતિહાસિક સમૂહ ચાતુર્માસમાં મહા મૂલો લાભ આપવા પધારેલા રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.રાજકોટના વિવિધ ક્ષેત્રોની સ્પર્શના કરી ધર્મની આહલેખ જગાડી રહ્યાં છે તે અંતર્ગત આજરોજ તા.૭ ને ગુરુવારના રોજ રાજકોટ પારસધામ - શ્રી ઉવસગહરં સાધના ભવન ખાતે પ્રવચનનું આયોજન થયેલ.

જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સાહેબે શ્રી ઉવસગહરં સ્ત્રોતથી મંગલાચરણ કરાવેલ.રાજકોટના જ વતની નૂતન દીક્ષીત પૂ.જિનવરાજી મ.સ.એ કહ્યું કે નાદુરસ્ત આરોગ્ય સમયે ઉપચારાર્થે નિષ્ણાંત ડોકટર પાસે જઈએ છીએ પરંતુ દવા તો મેડીકલ સ્ટોરમાથી લેવી પડે છે તેવી જ રીતે મોક્ષ માર્ગ પ્રભુએ બતાવેલ છે સાથોસાથ ભવરોગ દૂર કરવા માટે સદ્ ગુરુ પાસે જવું જોઈએ.૬ વર્ષના બાળક ચિં.વિધાન મલયભાઈ કોઠારીએ શ્રી દશ વૈકાલિક સૂત્રની ગાથાનું સ્મરણ કરાવતા સૌ આશ્યર્યચકિત થઈ ગયેલ. ચિ.વિધિન નાગરીક બેંકવાળા નિલેશભાઈ શાહનો દોહીત્ર થાય છે. રાજકોટના પનોતા પુત્ર રત્ન પૂ.વિનમ્ર મુનિ મ.સાહેબે જણાવ્યું કે જેવા બીજ વાવો તેવા જ ફળ મળે.કારેલાના બીજ વાવીને કેરીની અપેક્ષા ન રખાય.તેઓએ વધુમાં કહ્યું કે સફળતાનાં બે પ્રકાર છે સામાન્ય અને શ્રેષ્ઠ. જે અન્યને કાંઈક આપે છે ,અર્પણ કરે છે તેને શ્રેષ્ઠ સફળતા મળે છે.વિનય એ ધર્મનું મૂળ છે.ઉ.સૂત્ર અ.૨૯ ના માધ્યમથી સેવા - સુશુષાની સુંદર રીતે છણાવટ કરેલ.

પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે ફરમાવ્યુ કે સંત હોય કે શ્રાવક સદા પ્રસન્નચિત હોવા જોઈએ. પ્રભુને પ્રાર્થના કરો કે હે નાથ ! મારે તારા જેવું હસમુખુ બનવું છે.પ્રભુનું સમવશરણ સદા ભાવિકોથી ભરેલું હોય છે તેમા પરમાત્માનો ચહેરો એકદમ હસતો હોય છે.જે થયું તે થયું,ભૂતકાળ ને યાદ કરીને દુઃખી ન થાવ અને અન્યને દુઃ ખી ન કરો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ઉવસગહરં સાધના ભવન એ પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા. પ્રેરિત સૌ પ્રથમ ધાર્મિક સંકુલ છે. દોઢ દાયકા પહેલાં ઉવસગહરં સાધના ભવનનું નિર્માણ થયેલું છે.રાજકોટ ધર્મ સંકુલ બાદ પારસધામ, પાવનધામ,પરમધામ, પવિત્ર ધામ વગેરેનું નિર્માણ થયેલું છે.આવતી કાલે સવારના ૭ૅં૧૫ થી ૮ૅં૧૫ પ્રવચનનું આયોજન શ્રી ઉવસગહરં સાધના ભવન ખાતે રાખેલ છે.

શ્રી ઉવસગહરં સાધના ભવનમાં  ચાતુર્માસ એવમ્ આયંબિલ ઓળી દરમ્યાન પૂ.સાધુ - સાધ્વીજીઓની પાવન નિશ્રામાં ધર્મ આરાધના,સંબોધિ સત્સંગ, જિનવાણી સ્વાધ્યાય ગ્રુપ, અર્હમ યુવા સેવા ગ્રુપ, લુક એન લર્ન જૈન જ્ઞાન ધામ - પાઠશાળા, બ્લડ ડોનેશન કેમ્પ, પસ્તીથી પરોપકાર, ઉનાળામાં વિવિધ સ્થળોએ છાશ કેન્દ્ર, ડાયાલિસીસ દર્દીઓને કિટ વીતરણ, જૈન માઈનોરીટી કેમ્પ - મા અમૃતમ કેમ્પનું આયોજન, જરૂરીયાતમંદ સાધર્મિક પરીવારોને જીવન ઉપયોગી ચીજ - વસ્તુઓનું વીતરણ, જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય, સોહમ મહિલા મંડળ, ઉવસગહરં ભકિત ગ્રુપ, આરોગ્ય લક્ષી યોગાનું આયોજન તથા તહેવારોમાં રાહત દરે મીઠાઈ - ફરસાણનું વીતરણ વગેરે ધાર્મિક, સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ થી ઉવસગહરં સાધના ભવન ધમધમી રહ્યું છે.(૩૦.૬)

(4:30 pm IST)