Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ઓપ્પો-વિવોએ મંજૂરી વગર માર્ગો ઉપર બોર્ડ ખડકી દીધા

પૂર્વ મંજૂરી વગર સમગ્ર શહેરમાં બોર્ડ લગાડી દીધા : કોર્પો.ના અધિકારીઓ જાણી જોઈને આંખો બંધ કરી લ્યે છે? : જીડીસીઆરના નિયમોનો ખુલ્લેઆમ ઉલાળીયો : કરોડો રૂપિયા કોર્પો.ની તિજોરીના બદલે કોના ગજવામાં જાય છે?, શું કામ વસૂલાત થતી નથી : વિરોધમાં વશરામભાઈ સાગઠીયાના કાલે મ્યુ. કોર્પોરેશનની કચેરીમાં ધરણા

રાજકોટ, તા. ૭ : મોબાઈની કંપનીઓ ઓપ્પો અને વિવોએ શહેરભરમાં મંજૂરી વગર માર્ગો ઉપર પોતાની કંપનીના મસમોટા બોર્ડ લગાવી દીધા હોવાનો આક્ષેપ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રી વશરામભાઈ સાગઠીયા (મો.૯૮૨૫૧ ૬૫૧૯૧)એ આક્ષેપ કર્યો છે. જીડીસીઆરના કોઈ નિયમોનું પાલન થતુ ન હોય અને મંજૂરી વગર જ બોર્ડ માર્ગો ઉપર ખડકી દીધાનું તેમણે જણાવેલ. આ મામલે તેઓ આવતીકાલે કોર્પોરેશનની કચેરી ખાતે સવારે ૧૧ વાગ્યાથી ધરણા ઉપર બેસનાર હોવાનું યાદીમાં જણાવેલ છે.

વશરામભાઈની યાદીમાં જણાવાયુ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડીસીઆરના નિયમ મુજબ તમામ પ્રકારના બેનર (સાઈન બોર્ડ) મૂકવાના હોય છે. જેમાં પ્રથમ શરત જોતા કોર્પોરેશનની પૂર્વ મંજૂરી હોવી જોઈએ. જે આજ દિવસ સુધી ઓપ્પો - વિવો દ્વારા નિયમના ઉલાળીયા કર્યા છે. પૂર્વ મંજૂરી વગર બોર્ડ લગાડી દીધા છે છેલ્લા બે વર્ષથી આખુ રાજકોટ ઓપ્પો - વિવોના બેનરથી ભરી દીધેલ છે.

ઓપ્પો - વિવોએ જે બોર્ડ લગાડ્યા છે તે જીડીસીઆરના નિયમ વિરૂદ્ધ છે. દા. ત. ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર વધારેમાં વધારે ૨૦-૪૦ ફૂટનું બોર્ડ લગાડી શકાય પરંતુ આ બે કંપનીઓએ આખા રાજકોટમાં નાના રોડ ઉપર પણ ૨૦-૪૦ના અને મોટા રોડ ઉપર ૫૦-૫૦ અને ૪૦-૪૦ના મોટા બેનરો મારી જીડીઆરસીના નિયમનો ખુલ્લેઆમ ભંગ કરેલ છે. કોઈ કહેવાવાળુ નથી અને કોર્પોરેશનના ૮ થી ૯ કરોડ રૂપિયા ડુબાડ્યા છે. જે રાજકોટની જનતાના પૈસા છે. કોના ઈશારે કોર્પોરેશનના અધિકારીઓ પગલા લેતા નથી તેજ સમજાતુ નથી.

શ્રી સાગઠીયાએ જણાવેલ કે રાજકોટમાં ઓપ્પો - વિવો ઉપર જેનો હાથ છે તેવા મોટાગજાના રાજકારણી છે એ સમજી લેવુ જોઈએ કે અંતે તો પ્રજા જ મહાન છે. આજ લોકોએ તમને મોટા બનાવ્યા છે તેવા રાજકોટની પ્રજાના પૈસા શા માટે વસૂલ કરવા નથી દેતા હવે સુધરો તો સારૂ નહિંતર અમારે ના છૂટકે તેમના સંબંધો ખુલ્લા પાડવા પડશે અને રાજકોટની પ્રજા તમને ઓળખી જશે ત્યારે તમારે નીચે જોવા જેવુ થશે તો મહેરબાની કરી રાજકોટ પ્રજાને ૮ થી ૯ કરોડ રૂપિયાની રકમનો ફાયદો કરાવો.

જીડીસીઆરના નિયમ મુજબ મંજૂરી વગર કોઈ બોર્ડ લગાડ્યુ હોય તે બોર્ડના દંડ સાથે (પેનલ્ટી) સાથે રકમ વસૂલવી જોઈએ અમારી માંગણીના હિસાબે કોર્પોરેશને અમુક જગ્યાએ બોર્ડના પૈસા વસૂલ કરવાનું બેથી ત્રણ જગ્યાએ શરૂ કર્યુ છે. પરંતુ ૨૭૫ ઉપર જગ્યાએ બોર્ડ લાગેલા છે તેનું શું? તેવો વેધક સવાલ વશરામભાઈએ શાસક પક્ષને કર્યો છે.

(4:22 pm IST)