Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યો માટે લોહાણા મહાજનમાં યુવા અને ફરજનિષ્ઠ પેનલ જરૂરીઃ રમેશભાઈ ધામેચા

લોહાણા મહાજન રાજકોટની ઐતિહાસિક ચૂંટણી માટે પૂર્ણપણે તૈયાર હોવાનું જણાવતા મહાજન ઉપપ્રમુખ : જ્ઞાતિજનોને મતદાનમાં તકલીફ ન પડે તે માટે અમુક વ્યવહારીક ઉકેલની માંગણીઃ બિપીનભાઈ રૂઘાણી, યોગેશભાઈ જસાણી, ડો. નિતિનભાઈ રાડીયા સહિતનાનો ટેકો મેળવતા રમેશભાઈ

રાજકોટ, તા. ૭ :. લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી જુલાઈ મહિનામાં યોજાવાનું લગભગ નક્કી થઈ ગયુ છે ત્યારે આ ઐતિહાસિક ચૂંટણીમાં પ્રમુખપદ માટે ઉમેદવારી કરવાનો દ્રઢ ઈરાદો જાહેર કરનાર હાલના મહાજન ઉપપ્રમુખ અને લડાયક મિજાજના યુવા રઘુવંશી અગ્રણી શ્રી રમેશભાઈ ધામેચાએ (મો. ૯૪૨૯૫ ૬૨૪૦૦) જણાવ્યુ હતું કે આશરે અઢી લાખ જેટલી વસતી ધરાવતા રાજકોટના લોહાણા સમાજનો ઉત્કર્ષ કરવા યુવા અને ફરજનિષ્ઠ પેનલ ચૂંટાઈને આવે તે અત્યંત જરૂરી છે.

વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, રાજકોટ લોહાણા મહાજનના ઈતિહાસમાં કદી ચૂંટણી નથી થઈ ત્યારે આ ઐતિહાસિક ચૂંટણી લડીને તથા જ્ઞાતિજનોનું પૂર્ણપણે સમર્થન મેળવીને અમારી પેનલ ચૂંટાઈ  આવશે. ઉપરાંત જ્ઞાતિજનો જે વિશ્વાસ પેનલમાં મુકશે તે કદી એળે નહીં જાય તેવુ પણ તેઓએ જણાવ્યુ હતુ. તેઓની પેનલ ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર હોવાનું અને ચૂંટણીની આતુરતાપૂર્વક રાહ જોતી હોવાનું પણ તેઓએ કહ્યું હતું.

લોહાણા મહાજન રાજકોટની ચૂંટણીમાં તંત્ર તથા જ્ઞાતિજનોને સરળતા રહે અને મતદાનમાં કંઈ તકલીફ ન પડે તે માટે રમેશભાઈ ધામેચાએ કેટલાક વ્યવહારીક સૂચનો પણ કર્યા છે. સૂચન પ્રમાણે જે ચૂંટણી થાય તે પ્રમુખ પદ સહિત સમગ્ર પેનલની જ ચૂંટણી થાય અને પેનલ ટુ પેનલ જ મત પડે, જેથી ભવિષ્યમાં ચૂંટાયેલી પેનલને જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યોમાં કોઈ અવરોધોનો સામનો ન કરવો પડે. જે ઉમેદવાર પ્રમુખ પદ માટે ફોર્મ ભરે તે ફોર્મ ભરતા સમયે જ  પોતાની સમગ્ર પેનલના (૧૨૧) નામો આપે.

ઉપરાંત તેઓએ સૂચન કર્યુ હતુ કે, સમગ્ર રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં લોહાણા સમાજની વસ્તી વસે છે. જેના કારણે આખા રાજકોટમાં એક જ મતદાન મથક રાખવા કરતા મવડી, દેવપરા વિગેરે દૂરદૂરના વિસ્તારમાં જો મતદાન મથક રાખવામાં આવે તો સરળતા રહે. આ બાબતો સંદર્ભે તંત્ર તથા મહાજન ચૂંટણી પ્રક્રિયા નક્કી કરનાર ટ્રસ્ટના હયાત ટ્રસ્ટીઓ આવતીકાલની મિટીંગમા ગંભીરતાપૂર્વક વિચારે તેવો અનુરોધ કર્યો હતો.

રાજકોટમાં લોહાણા સમાજની આશરે અઢી લાખ જેટલી વસ્તી વસે છે ત્યારે ચૂંટણીમાં અઢાર વર્ષથી ઉપરના જ્ઞાતિજનો મત આપવાના હોય, ઓછામાં ઓછા ૧૫ હજાર મતો ઉપરનું મતદાન થાય તેવી ધારણા બાંધવામાં આવી રહી છે.

આ ચૂંટણી જ્ઞાતિ-સમાજની ચૂંટણી છે, નહીં કે રાજકીય. જેથી આ ચૂંટણી તંદુરસ્ત વાતાવરણમાં, ખેલદિલીપૂર્વક, કોઈપણ જાતના વાદવિવાદ વગર હકારાત્મક રીતે લડાય તેવું સમાજ શ્રેષ્ઠીઓ અને આગેવાનો માની રહ્યા છે. દરમિયાન રમેશભાઈ ધામેચાના સમર્થનમાં અનેક આગેવાનો આગળ આવી રહ્યા છે, જેમાં બિપીનભાઈ રૂઘાણી, યોગેશભાઈ જસાણી, ડો. નિતીનભાઈ રાડીયા, આર્કિટેકટ નિલેશભાઈ ભોજાણી, પ્રદીપભાઈ કોટક, જીમ્મીભાઈ દક્ષિણિ વગેરેનો સમાવેશ થતો હોવાનું રમેશભાઈએ જણાવ્યુ હતું.(

કાલે મહાજન ટ્રસ્ટીઓની મિટીંગ ચૂંટણી પ્રક્રિયા નક્કી કરવા

લોહાણા મહાજન રાજકોટના જે ટ્રસ્ટીઓ હયાત છે (૧૪) તેઓની એક મિટીંગ તા. ૮-૬-૧૮ શુક્રવારના રોજ સવારે ૧૧ વાગ્યે, કેસરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

ચૂંટણી પ્રક્રિયા આ તમામ હયાત ટ્રસ્ટીઓ નકકી કરશે તેવું રાજકોટ લોહાણા મહાજનના હાલના પ્રમુખ કાશ્મીરાબેન નથવાણીએ જણાવ્યું હતું. જ્ઞાતિજનો-અગ્રણીઓ આશા રાખે છે કે કોઈપણ કાવાદાવા રમ્યા વિના લોહાણા સમાજના હિતમાં ટ્રસ્ટીઓ નિર્ભીક રીતે ચૂંટણી પ્રક્રિયા-તારીખો-ચૂંટણી કમિશ્નર વિ.ની જાહેરાત કરશે.(૨-૨૨)

(4:15 pm IST)
  • ઝારખંડ : પોલીસ-નકસલીઓ વચ્ચે ઘર્ષણ : અંધાધુંધ ફાયરિંગ કરાતા બે જવાનો શહીદ access_time 3:48 pm IST

  • શેરબજારમાં જોરદાર શરૂઆત: સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારેનો ઉછાળો: મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ વધારો:બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, ઑયલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી:સેન્સેક્સ 238 અંક વધીને 35417ના સ્તરે: નિફ્ટી 71 અંક વધીને 10756ની સપાટીએ access_time 10:45 am IST

  • મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જાહેર :મહેસાણામાં 14મી જૂન,કડી નગરપાલિકામાં 13મી જૂન,અને ઊંઝા તેમજ વિસનગર નગરપાલિકાની 11મી જૂને ચૂંટણી યોજાશે : પ્રમુખપદ માટે ચૂંટણી અઢી વર્ષના બીજા તબક્કા માટે યોજાશે ચૂંટણી access_time 1:19 am IST