Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

નાણાવટી ચોક જાસલ કોમ્પલેક્ષમાં લોહાણા વેપારી નિકુંજ પર ચાર શખ્સોનો હુમલો

ઉપરના ભાગે હોસ્પિટલમાં કામ કરતાં મિલન રાઠોડ, તેના કાકાના દિકરા નિરંજન સહિત ચાર જણા વિરૂધ્ધ ફરિયાદઃ જુના મનદુઃખને લીધે ડખ્ખો

રાજકોટ તા. ૭: ગાંધીગ્રામ નાણાવટી ચોક રાધીકા પાર્ક-૧માં રહેતાં અને જાસલ કોમ્પલેક્ષમાં જલારામ એજન્સી નામે ધંધો કરતાં નિકુંજ મથુરભાઇ ઉનડકટ (ઉ.૩૦) નામના લોહાણા યુવાન પર તેની દૂકાન નજીક જ મિલન જીતુભાઇ રાઠોડ તથા નિરંજન મહેશભાઇ રાઠોડ તથા બે અજાણ્યાએ અગાઉના મનદુઃખનો ખાર રાખી છરીથી હુમલો કરી ઢીકા-પાટુનો માર મારતાં દેકારો મચી ગયો હતો.

બનાવ અંગે પોલીસે નિકુંજની ફરિયાદ પરથી મિલન સહિત ચારેય સામે ગુનો નોંધ્યો છે. નિકુંજના કહેવા મુજબ પોતે પરિવારજનો સાથે રહે છે અને જાસલ કોમ્પલેક્ષમાં દુકાન ધરાવે છે. ગત રાત્રે સવા નવેક વાગ્યે પોતે દૂકાને હતો ત્યારે  ઉપરના ભાગે આવેલી રૂટ્સ હોસ્પિટલમાં નોકરી કરતો મિલન રાઠોડ અને તેનો કાકાનો દિકરો નિરંજન તથા બીજા બે જણા આવ્યા હતાં અને ઝઘડો શરૂ કર્યો હતો. નિરંજને  'તે કેમ અગાઉ મિલન સાથે માથાકુટ કરી હતી?' કહી ગાળો દઇ ઝપાઝપી શરૂ કરી હતી. તેની સાથે મિલન સહિતનાએ પણ મારકુટ કરી હતી. ટેબલ પર પડેલી દોરી કાપવાની છરીથી નિરંજને હુમલો કરી ડાબા હાથે ઇજા કરી હતી. તેમજ કમર પટ્ટાથી માર માર્યો હતો.

ઝઘડો થતાં બાજુની દુકાનવાળા દિલીપભાઇ સહિતના આવી જતાં તેણે બધાને છોડાવ્યા હતાં. લોકો ભેગા થતાં હુમલો કરનારા ભાગી ગયા હતાં. પી.એસ.આઇ. ઓ. જે. ચિહલાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૦)

(12:38 pm IST)