Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

રાજકોટથી દિલ્હીની ફલાઇટમાં બેસે એ પહેલા દંપતિએ ૩ વર્ષની દિકરી ગુમાવી

એરપોર્ટ પર પહોંચ્યા ત્યાં દિકરીને ઉલ્ટી થઇઃ હોસ્પિટલે ખસેડાઇ પરંતુ દમ તોડી દીધોઃ મુળ દિલ્હીના એ.જી.ના કર્મચારી અને પત્નિ ઘટનાને પગલે શોકમાં ગરક

રાજકોટ તા. ૭: શહેરના એ. જી. સ્ટાફ કવાર્ટરમાં રહેતાં અને એ.જી. ઓફિસમાં ફરજ બજાવતાં યુવાન ગત સાંજે પોતાના પત્નિ અને ત્રણ વર્ષની પુત્રી સાથે એરપોર્ટ પરથી દિલ્હીની ફલાઇટમાં બેસે એ પહેલા દિકરીની તબિયત બગડતાં અને તેનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ એ. જી. સ્ટાફ કવાર્ટર નં. ૫૯ બ્લોક નં. ૮માં રહેતાં એ. જી.ના કર્મચારી દેવરાજ જગેશકુમાર મુળ દિલ્હીના વતની હોઇ તેના પત્નિ અને પુત્રી લક્ષીતા (ઉ.૩) દિલ્હી રહે છે. વેકેશનમાં બંને અહિ રાજકોટ આવ્યા હતાં. ગઇકાલે પરત દિલ્હી જવું હોઇ દેવરાજભાઇ પત્નિ-પુત્રીને લઇ એરપોર્ટ પહોંચ્યા હતાં. પણ અહિ દિકરી લક્ષીતાને ઉલ્ટી થતાં અને તેણી બેભાન થઇ જતાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. પરંતું આ બાળકીએ દમ તોડી દતાં દંપતિ શોકમાં ગરક થઇ ગયું હતું.

હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોત્તર અને ધીરેનભાઇ ગઢવીએ જાણ કરતાં ગાંધીગ્રામના એએસઆઇ પી.એન. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૧૦)

(12:39 pm IST)