Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ગોંડલ નજીક રસ્તો ઓળંગી રહેલા રાજકોટના નેપાળી યુવાનનું બે ભાઇઓની નજર સામે મોત

શાપર રહેતાં ભાઇને મળીને પરત આવતા'તા ત્યારે બસનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો

રાજકોટ તા. ૭: ગોંડલ નજીક ખોડિયાર હોટેલ પાસે રાત્રીના પોતાના બે ભાઇઓ સાથે રસ્તો ઓળંગી રહેલો રાજકોટ રહેતો નેપાળી યુવાન બસની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

કાલાવડ રોડ પર જીવરાજ પાર્ક નજીક કસ્તુરી પાર્કમાં રહેતો અને ચોકીદારી કરતો દેવુભાઇ જીતુભાઇ સોની (નેપાળી) (ઉ.૩૬) ગઇકાલે શાપર રહેતાં તેના ભાઇને મળવા માટે અન્ય બે ભાઇઓ શેરસીંગભાઇ અને ધીરૂભાઇ સાથે ગયો હતો. રાત્રે સાડા અગિયારેક વાગ્યે ત્રણેય ભાઇઓ રાજકોટ પરત આવવું હોઇ ખોડિયાર હોટેલ નજીક રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે એક બસનો ચાલક દેવુભાઇને ઠોકરે લઇ ભાગી ગયો હતો.

રોડ પર ફેંકાઇ ગયેલા દેવુભાઇને માથામાં ગંભીર ઇજા થતાં બેભાન થઇ ગયો હતો. તેને તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યો હતો. મૃત્યુ પામનાર પાંચ ભાઇ અને બે બહેનમાં બીજો હતો. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. આ ચારેય સંતાનોએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતર અને ધીરેનભાઇ ગઢવીએ કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(11:54 am IST)