Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સ્લમ કવાર્ટર રામાપીર મંદિરમાં વાલ્મિકી યુવાનની ક્રુર હત્યા

જામનગર રોડ સાંઢીયા પુલ પાસે રહેતાં પિતા વિહોણા ૨૦ વર્ષના રાહુલ પરમારની હત્યાથી વિધવા માતા અને બહેન નોધારાઃ વહેલી સવારે બનાવ : મિત્ર લાલુ ઉર્ફ કમલેશ પરમારે ભરઉંઘમાં જ છરીના ઘા ઝીંકી પતાવી દીધોઃ અગાઉ રાહુલે મારકુટ કરી હોઇ ગત રાત્રે ફરીથી બંને વચ્ચે બોલાચાલી થઇ ને વાત હત્યા સુધી પહોંચીઃ પોતે ફસાય નહિ એટલે રોહિત ગડિયલનું ખોટુ નામ આપી દીધું'તું!!

 હત્યાનો ભોગ બનનાર રાહુલનું મકાન, જે અગાઉ રોહિત ગડિયલે સળગાવ્યું હતું :ક્રુર હત્યા  :  જામનગર રોડ સાંઢીયા પુલ પાસેના સ્લમ કવાર્ટરમાં રહેતાં રાહુલ હરિશભાઇ પરમાર (વાલ્મિકી)ને ઘર નજીક રામાપીર મંદિરના પટાંગણમાં જ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેતાં ચકચાર મચી ગઇ છે. તસ્વીરમાં મંદિરના પટાંગણમાં પડેલો રાહુલનો લોહીલુહાણ મૃતદેહ, વચ્ચે તેનો ફાઇલ ફોટો, આક્રંદ કરતી જનેતા જસુબેન તથા ઘટના સ્થળે આસપાસના રહેવાસીઓ અને તપાસાર્થે પહોંચેલા એડી. ડીસીપી શ્રી હર્ષદ મહેતા, એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. શાપરા તથા પ્ર.નગરનો સ્ટાફ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭: હાદસો કા શહર બની ગયેલા રંગીલા રાજકોટમાં વધુ એક લોથ ઢળી છે. જામનગર રોડ પર સાંઢીયા પુલ નજીક સ્લમ કવાર્ટરમાં રહેતાં ૨૦ વર્ષના વાલ્મિકી યુવાનને રામાપીર મંદિરના પટાંગણમાં સુતો હતો ત્યારે વહેલી સવારે ભરઉંઘમાં તેના જ મિત્ર પરસાણાનગરના વાલ્મિકી શખ્સે છરીના ચારેક ઘા ઝીંકી  ક્રુરતાથી રહેંસી નાંખતા અરેરાટી વ્યાપી ગઇ છે. હત્યાનો ભોગ બનનાર અને હત્યા કરનાર બંને મિત્રો છે, ભોગ બનનારે અગાઉ આ મિત્ર સાથે નજીવી વાતે ઝઘડો કરી મારકુટ કરી હતી. ગત રાત્રે બંને ભેગા થયા બાદ ફરીથી ઝઘડો થતાં વાત હત્યા સુધી પહોંચી ગયાનું પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે.

જાણવા મળ્યા મુજબ સ્લમ કવાર્ટર નં. ૮ સામે આવેલા રામાપીર મંદિરના પટાંગણમાં રાહુલ હરિશભાઇ પરમાર (વાલ્મિકી) (ઉ.૨૦-રહે. કવાર્ટર નં. ૨૦)ની હત્યા કરાયેલી લાશ પડી હોવાની જાણ થતાં રહેવાસીઓ ઉમટી પડ્યા હતાં. પોલીસને જાણ થતાં એડી. ડીસીપી હર્ષદ મહેતા, એસીપી બી. બી. રાઠોડ, પ્ર.નગરના ઇન્ચાર્જ પી.આઇ. પી. બી. શાપરા, પીએસઆઇ એમ. જે. રાઠોડ, સંજયભાઇ દવે, વિરભદ્રસિંહ, મોહસીન ખાન, હેમેન્દ્રભાઇ, દેવશીભાઇ રબારી, જયદિપભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર રાહુલ પરમાર   રાત્રીના મોડે સુધી રખડવાની ટેવ ધરાવતો હતો. તેની બહેન ચાંદની (ઉ.૧૭)ની તબિયત ખરાબ હોઇ તેણીને સાથે લઇ માતા જસુબેન ગઇકાલે રાત્રે સીએલએફ કવાર્ટરમાં રહેતાં પોતાના ભાઇ રમેશભાઇ રામજીભાઇ પઢીયારને ત્યાં સુવા ગયા હતાં. સવારે તેમને દિકરાની હત્યા થયાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. તેના આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.

રાહુલની હત્યા સ્લમ કવાર્ટર વિસ્તારના જ રોહિત બાબુભાઇ ગડિયલ સહિત ત્રણ શખ્સોએ કર્યાનું પ્રાથમિક તપાસમાં પરસાણાનગરના કમલેશ ઉર્ફ લાલુ કાળુભાઇ પરમારે વહેતું કર્યુ હતું. અગાઉ રોહિતે રાહુલના ઘરને આગ ચાંપી હોઇ તે કારણે રોહિતે હત્યા કર્યાનું સોૈએ માની લીધુ હતું. પરંતુ પોલીસને આવી વિગતો જાહેર કરનાર કમલેશ ઉર્ફ લાલુ પરમાર પોતે જ શંકાસ્પદ જણાતાં તેને ઉઠાવી લઇ વિશીષ્ટ ઢબે પુછતાછ શરૂ કરતાં આ હત્યામાં રોહિત હડિયલ કયાંય સામેલ નહિ હોવાનું અને હત્યા ખુદ કમલેશ ઉર્ફ લાલુએ જ કર્યાનું સ્પષ્ટ થતાં આ બારામાં હત્યાનો ભોગ બનેલા રાહુલના માતા જસુબેન હરિશભાઇ પરમાર (ઉ.૪૦)ની ફરિયાદ પરથી આઇપીસી ૩૦૨, ૧૩૫  મુજબ હત્યાનો ગુનો નોંધી કમલેશ ઉર્ફ લાલુને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી છે.

લાલુએ એવી સ્ટોરી વહેતી કરી હતી કે રાત્રીના રોહિત પરમાર અને તેના મિત્રો લાલો બટુકભાઇ શિંગાળા, રમેશ શીંગાળા, ચંદ્રકાંત ઉર્ફ રઘુ સહિતના કવાર્ટર નં. ૮ની સામે આવેલા રામાપીરના મંદિરના પટાંગણમાં બેસી વાતોના ગપાટા મારતાં હતાં. મોડી રાત્રે ત્રણેક વાગ્યા પછી બે મિત્રો દારૂ લેવા જઇ રહ્યાનું કહીને નીકળી ગયા બાદ બાકીના મિત્રો પણ નીકળી ગયા હતાં.

બીજી તરફ રાહુલ પરમાર મંદિરના પટાંગણમાં જ બેસી રહ્યો હતો. ત્યારબાદ રોહિત બટુકભાઇ ગડીયલ અને બીજા બે શખ્સો આવ્યા હતાં. આ બધાએ દારૂ પીધેલી હાલતમાં જુના મનદુઃખને લીધે ગાળાગાળી કરી રાહુલની હત્યા નિપજાવી હતી. રાહુલ અને રોહિત વચ્ચે જુનુ મનદુઃખ હોઇ પ્રથમ દ્રષ્ટીએ પોલીસને પણ આ કારણ સાચુ લાગ્યું હતું અને રોહિત હડિયલને શંકાસ્પદ ગણી શોધખોળ શરૂ કરી હતી.

જો કે કમલેશ ઉર્ફ કાળુ પરમાર ક્રોસ પુછપરછમાં ખોટો પડતાં તેની ઉંડાણપુર્વક પુછપરછ થતાં હત્યા બીજા કોઇએ નહિ પણ તેણે જ કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. પોતે ફસાઇ ન જાય એ માટે રોહિત હડિયલનું નામ વહેતુ કરી દીધાનું તેણે કબુલ્યું હતું. એડી. ડીસીપી શ્રી હર્ષદ મહેતાની રાહબરીમાં પી.આઇ. શાપરા, પીએસઆઇ એમ. જે. રાઠોડ સહિતનો સ્ટાફ વિશેષ તપાસ કરે છે.

આરોપી કમલેશ ઉર્ફ લાલુએ હાલ એવી કબુલાત આપી છે કે અગાઉ પોતાને રાહુલ પરમારે મારકુટ કરી હોઇ તેના પર ગુસ્સો હતો. ગત રાત્રે ફરીથી તેણે પોતાને પોતાની સાથે ઝઘડો કરતાં વધુ ગુસ્સે ભરાયો હતો. વહેલી સવારે સાડાત્રણ પોણાચાર વચ્ચે રાહુલ મંદિરના પટાંગણમાં સુતો હતો ત્યારે ઘરઉંઘમાં જ તેના પર પોતે છરીથી તૂટી પડ્યો હતો. હત્યા પાછળ બીજુ કોઇ કારણ છે કે કેમ? તે અંગે વિશેષ તપાસ થઇ રહી છે.

રાહુલ વિધવા માતાનો એક જ પુત્રઃ પિતાની જગ્યાએ ૧૫ દિ' પછી મ્યુ. કોર્પોરેશનમાં નોકરી મળવાની હતી

. હત્યાનો ભોગ બનેલો રાહુલ તેના વિધવા માતા જસુબેન અને નાની બહેન ચાંદનીનો આધારસ્તંભ હતો. તેના પિતા હરિશભાઇ માધવજીભાઇ પરમાર અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કામદાર હતાં. ત્રણેક વર્ષ પહેલા તેમનું મૃત્યુ થયું હતું. તેની જગ્યાએ હવે રાહુલને નોકરી મળવાની હતી. પંદરેક દિવસમાં જ ઓર્ડર નીકળવાનો હતો. આ માટે જરૂરી પોલીસ રિપોર્ટ સહિત મેળવવા તેણે અરજી પણ કરી દીધી હતી. ત્યાં તેની હત્યા થઇ જતાં વિધવા માતા અને બહેન નોધારા થઇ ગયા છે.

એક વર્ષ પહેલા રોહિતે ગડીયલે રાહુલ પરમારનું ઘર સળગાવ્યું હોઇ તેના પર શંકા દ્રઢ બની હતી

. હત્યાનો ભોગ બનનાર રાહુલ પરમારની હત્યા કરનાર રોહિત ગડિયલે કહી હોવાની વાત વહેતી થઇ જતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. એક વર્ષ પહેલા બંને વચ્ચે નજીવી વાતે ઝઘડો થતાં રોહિતે રાહુલનું મકાન સળગાવી નાંખ્યું હતું. આ કારણે તેના પર શંકા દ્રઢ બની હતી. જો કે પોલીસ તપાસમાં હત્યા રોહિતે નહિ પણ કમલેશ ઉર્ફ લાલુ પરમારે કર્યાનું સ્પષ્ટ થઇ ગયું છે.

(4:21 pm IST)
  • આવતા ૭૨ કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી access_time 12:33 pm IST

  • શેરબજારમાં જોરદાર શરૂઆત: સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારેનો ઉછાળો: મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ વધારો:બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, ઑયલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી:સેન્સેક્સ 238 અંક વધીને 35417ના સ્તરે: નિફ્ટી 71 અંક વધીને 10756ની સપાટીએ access_time 10:45 am IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST