Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

દૂધ સાગર રોડ પર કોંગી કોર્પોરેટરના ભાઇ મુખ્તારે એકટીવા ચાલકને ઉલાળ્યા બાદ કારમાં અપહરણ કરી ઢોર માર માર્યો

ભવાનીનગરનો મયુર ચોૈહાણ એકટીવા હંકારીને જતો'તો ત્યારે બનાવઃ સાઇડમાં કેમ નથી ચલાવતો? કહી ગાળો દઇ ઢીકા પાટા લાફા મારી ચુનારાવાડ ચોક પાસે કારમાંથી ધક્કો દઇ ઉતારી મુકયોઃ થોરાળા પોલીસે મુખ્તાર અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૭: શહેરના દૂધ સાગર રોડ પર ડાભી હોટેલ નજીક એકટીવા હંકારીને જતાં ભવાનીનગરના યુવાનને પાછળથી કારની ટક્કર મારી અકસ્માત સર્જી માથે જતાં કાર ચાલક કોર્પોરેટરના ભાઇએ એકટીવા ચાલકને 'સાઇડમાં કેમ નથી ચલાવતો?' કહી ગાળો દઇ કારમાં અપહરણ કરી રસ્તામાં ઢીકા-પાટુ-જાપટો મારી ચુનારાવાડ ચોકમાં કારમાંથી ધક્કો દઇ ઉતારી મુકતાં થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે પોલીસે રામનાથપરા જુની જેલ પાસે ભવાનીનગર મેઇન રોડ પર રહેતાં અને પરાબજારમાં પ્લાસ્ટીકની ચીજવસ્તુની દૂકાનમાં કામ કરતાં મયુર ભગવાનજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૪) ની ફરિયાદ પરથી દૂધની ડેરી પાસે રહેતાં મુખ્તાર હબીબભાઇ તથા તેની સાથેના અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૨૭૯, ૩૩૭, ૩૬૩, ૩૨૩, ૫૦૪, ૧૧૪, એમવીએકટ ૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મયુરે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે સાંજે ચારેક વાગ્યે એકટીવા જીજે૦૩એલએફ-૯૦૪૩ હંકારીને દૂધ સાગર રોડ પર ડાભી હોટેલ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મુખ્તાર અને અજાણ્યો કાળા કલરની કારમાં પાછળથી સ્પીડથી આવ્યા હતાં અને એકટીવાને ટક્કર મારતાં પોતે એકટીવા સહિત ફંગોળાઇ જતાં હાથે-પગે ઇજા થઇ હતી. એ પછી કાર ઉભી રહી હતી અને તેમાંથી બે શખ્સે ઉતરીને 'સાઇડમાં કેમ ગાડી ચલાવતો નથી' કહી પોતાને ગાળો ભાંડી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.

મયુરે વધુમાં જણાવ્યું હતું કે તેને ગાળો દેવાની ના પાડતાં બંને ઉશ્કેરાઇ ગયા હતાં અને બળજબરીથી કારમાં ખેંચી અપહરણ કરી આગળ લઇ જઇ રસ્તામાં જાપટો મારી હતી. એ પછી ચુનારાવાડ ચોકમાં કારમાંથી ધક્કો મારી ઉતારી દઇ બંને ભાગી ગયા હતાં. માથાકુટ વખતે કાર ચાલકે તું મને ઓળખતો નથી, હું મુખ્તાર હબીબ છું એવી ઓળખ આપી હતી.

મયુરના પિતાજી સહિતે તપાસ કરતાં મુખ્તાર એ ડેરી વિસ્તારના કોંગી કોર્પોરેટર મકબુલભાઇનો ભાઇ હોવાનું તેઓને જાણવા મળ્યું હતું. પીએસઆઇ કે. કે. પરમાર અને દર્શનભાઇએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(3:18 pm IST)