Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

રતનપર પાસે ફાર્મના સ્વિમીંગપુલમાં ન્હાવા પડેલા પાંચને પોલીસે 'ટાઢા' કર્યા

કુવાડવા પોલીસે પાંચેય પાસેથી દંડ વસુલી સોશ્યલ ડીસ્ટન્સ ભંગની કાર્યવાહી કરી

રાજકોટ,તા. ૭: કોરોના મહામારીમાં વધી રહેલા સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા મીની લોકડાઉન જાહેર કરવામાં આવતા પોલીસ દ્વારા તેની કડક અમલવારી કરાવવામાં આવે છે. ગઇ કાલે કુવાડવાના રતનપર નજીક ફાર્મહાઉસના સ્વિમીંગ પુલમાં ન્હાવા પડેલા પાંચ વ્યકિતને કુવાડવા પોલીસે પકડી કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં જાહેરનામા ભંગના કર્ફયુ ભંગ સહિતના ૧૬૦ કેસ નોંધાયા છે.

કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે, ખાણી પીણીની, ચાની દુકાનો, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ,સ્વીમીંગ પુલ બંધ રાખવા સહિતના અલગ અલગ જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા જાહેરનામાનું કડક પાલન કરાવી રહી છે. જેમાં ગઇ કાલે કુવાડવા પોલીસ મથકના પીઆઇ. એન.એન. ચુડાસમા, તથા એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અરવિંદભાઇ, વિરેન્દ્રસિંહ, મુકેશભાઇ તથા જીઆરડી મનવીરભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે રતનપર ગામ જવાના રસ્તે આવેલ રીડીયન્સ ફાર્મમાં દરોડો પાડી માસ્ક પહેર્યા વગર ફાર્મના સ્વીમીંગ પુલમાં ન્હાવા પડેલા પાંચ વ્યકિતને પકડી લઇ દંડ સહિતની કાર્યવાહી કરી હતી. તેમજ પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી કર્ફયુ ભંગના ૧૧૩, માસ્કના ૨૫, દુકાનના ૧૧ મળી કુલ ૧૬૦ કેસ દાખલ કર્યા છે.

(3:18 pm IST)