Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ નં. ૧૧માં આગ ભભૂકીઃ સિકયુરીટીની ટીમે સાધનોની મદદથી બુઝાવીઃ ૨૭ દર્દી હતાં

વાયરીંગમાં શોર્ટ સરકિટથી આગઃ દર્દીઓને હેમખેમ બહાર કાઢી બીજા વોર્ડમાં શિફટ કરાયા

રાજકોટ તા. ૭: શહેરની સિવિલ હોસ્પિટલમાં માનસિક વિભાગના દર્દીઓના વોર્ડ સામે આવેલા વોર્ડ નં. ૧૧માં કે જે હાલમાં કોવિડ વોર્ડ છે તેમાં સવારે સાડા દસેક વાગ્યે એકાએક વાયરીંગમાં શોર્ટ સરકિટ થતાં આગ ભભૂકતાં ભય ફેલાઇ ગયો હતો. સિકયુરીટીની ટીમે વોર્ડમાં જ ઉપલબ્ધ આગ બુઝાવવાના સાધનોનો ઉપયોગ કરી તુરત જ આગ કાબુમાં લીધી હતી. ગભરાયેલા દર્દીઓએ સહી સલામત રીતે બહાર કાઢી લેવાયા હતાં.

જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં આવેલા કોવિડ સેન્ટરમાં પાંચેય માળ દર્દીઓથી હાઉસફુલ હોઇ હોસ્પિટલના બીજા વિભાગોના વોર્ડને પણ કોવિડ વોર્ડમાં તબદીલ કરવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં. ૧૧ કે જે માનસિક વિભાગના વોર્ડની સામે આવેલો છે તેમાં સવારે એકાએક વાયરીંગમાં શોર્ટ સરકિટ થતાં આગ લાગી હતાં. ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડતાં અહિ દાખલ કોરોના ૨૭ જેટલા દર્દીઓમાં અને ફરજ પરના સ્ટાફમાં દેકારો મચી ગયો હતો.

સિકયુરીટીના જવાનો હાજર હોઇ અને આગ લાગે તો ઉપલબ્ધ સાધનોનો કઇ રીતે ઉપયોગ કરવો તેની તાલિમ પણ લીધેલી હોઇ આ વોર્ડમાં હાજર સિકયુરીટી જવાનોએ તુર્ત જ આગ બુઝાવવાના સાધનોનો ઉપયોગ શરૂ કરી આગને આગળ વધતી અટકાવી બુઝાવી નાંખી હતી. એ સાથે જ દાખલ દર્દીઓને સહી સલામત રીતે બહાર પણ કાઢી લીધા હતાં. આ તમામ દર્દીઓને બાજુના અન્ય વોર્ડમાં શિફટ કરવામાં આવ્યા હતાં.

તબિબી અધિક્ષકશ્રીને જાણ થતા તાબડતોબ વોર્ડમાં શોર્ટ સરકિટ થયેલુ વાયરીંગ દૂર કરાવી નવું વાયરીંગ કામ ચાલુ કરાવ્યું હતું. સદ્દનસિબે આગ તુરત કાબુમાં આવી ગઇ હોઇ કોઇ જાનહાની થઇ નહોતી.

(1:04 pm IST)