Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

નવલનગરમાં વંડી ઠેંકી બાજુના ઘરમાં જઇ રહેલા ચોટીયાને ટપારતાં નિતીનભાઇને છરીના ઘા ઝીંકાયા

જયદિપ ઉર્ફ ચોટીયાને જેની સાથે માથાકુટ થઇ હતી તેના ફળીયામાં જવા માટે તે નિતીનભાઇના ઘરની વંડી ઠેંકી રહ્યો હતોઃ ઉંઘી રહેલા નિતીનભાઇ જાગી જતાં પડકારતાં હુમલો કરી ભાગી ગયો

રાજકોટ તા. ૭: નવલનગર શેરી નં. ૧૮માં રહેતાં અને એસિડ-ફિનાઇલ વેંચી ગુજરાન ચલાવતાં નિતીનભાઇ વિનુભાઇ પુતનીયા (ઉ.વ.૪૦) રાતે સાડા બારેક વાગ્યે ઘરના ફળીયામાં સુતા હતાં ત્યારે એક શખ્સે વંડી ઠેંકતા અવાજ થતાં નિતીનભાઇ જાગી જતાં તેણે કોણ છે? શું કામ વંડી ઠેંકી છે? કહી પડકારો કરી ટપારતાં એ શખ્સ છરીથી હુમલો કરી પેટ-પડખામાં ઘા ઝીંકી ભાગી જતાં ગંભીર ઇજા થતાં નિતીનભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

નિતીનભાઇના કહેવા મુજબ રાતે પોતે ફળીયામાં સુતા હતાં ત્યારે એક શખ્સ ઘરની વંડી ઠેંકી બાજુના ઘરના ફળીયામાં જવા પ્રયાસ કરતો હોઇ પોતે જાગી જતાં તેને ટપાર્યો હતો. આથી તેણે ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરી છરીથી હુમલો કરી દીધો હતો. આ શખ્સ જયદિપ ઉર્ફ ચોટીયો હોવાનું પડોશીએ કહ્યું હતું. તેને પડોશી સાથે માથાકુટ ચાલતી હોઇ એ ઘરના ફળીયામાં જવા તે પ્રયાસ કરતો હતો. માલવીયાનગર પોલીસ મથકના હેડકોન્સ. દિલીપસિંહ જાદવે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(1:04 pm IST)