Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

લગ્ન પ્રસંગમાં લાઉડ સ્પીકર ઘોડીયા પર પડતાં ૬ મહિનાની માસુમ હાર્વીના પ્રાણ નીકળી ગયા

એક તરફ દાંડીયા રાસની તૈયારી થઇ રહી હતી, ત્યાં બીજી તરફ બાળકીનો જીવ ગયો : બજરંગવાડીના પરિમલભાઇ પરમાર કાકાના દિકરાના લગ્ન પ્રસંગમાં રામનાથપરામાં મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિની વાડીમાં હતાં ત્યારે બનાવઃ દરજી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૭: કાળનું તેડુ કયારે અને કેવી રીતે તેમજ કયાંથી આવી જાય તેની ખબર પડતી નથી. બજરંગવાડીના દરજી પરિવારની ૬ માસ અને ૬ દિવસની વય ધરાવતી ફૂલડા જેવી બાળા સાથે આવુ જ કંઇક બની ગયું છે. આ પરિવાર રામનાથપરાની વાડીમાં લગ્ન પ્રસંગમાં ગયો હોઇ ત્યાં આ બાળકીને જે ઘોડીયામાં સુવડાવી હતી તે ઘોડીયા પર મોટુ લાઉડ સ્પીકર પડતાં બાળકીને ગંભીર ઇજા થતાં પ્રાણ નીકળતાં લગ્નની ખુશીનો માહોલ માતમમાં પરિણમ્યો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ બજરંગવાડી-૫માં રહેતાં અને દરજી કામ કરી ગુજરાન ચલાવતાં પરિમલભાઇ નિતીનભાઇ પરમારના કાકાના દિકરા મહેશભાઇના લગ્ન હોઇ આ પ્રસંગ માટે રામનાથપરામાં આવેલી મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિની વાડી રાખવામાં આવી હતી. જ્યાં સોમવારે સાંજે દાંડીયા રાસનો કાર્યક્રમ હોઇ પરિમલભાઇ, તેના પત્નિ કિર્તીબેન પોતાની ૬ માસ ૬ દિવસની વયની પુત્રી હાર્વિ તથા સાત વર્ષના પુત્ર તથા અન્ય કુટુંબીજનો સાથે ગયા હતાં.

જ્યાં માતાએ માસુમ દિકરી હાર્વીને ઘોડીયામાં સુવડાવી રાખી હતી. બહારથી સાઉન્ડ સિસ્ટમ મંગાવી હોઇ તેના માણસો સાઉન્ડનું વાયરીંગ કરી રહ્યા હતાં. તેણે એક સ્પીકરની ઉપર બીજુ મોટુ સ્પીકર રાખતાં એ સ્પીકર અચાનક બાજુના લાકડાના ઘોડીયા પર પડતાં ઘોડીયુ તૂટી જતાં તેમાં હાર્વીને સુવડાવાઇ હોઇ તે દબાઇ જતાં ગંભીર ઇજા થતાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તબિબે તેણીને મૃત જાહેર કરતાં જ કલ્પાંત સર્જાયો હતો. લગ્નની ખુશી ગમગીનીમાં પરિણમી હતી. એ-ડિવીઝનના પીએસઆઇ જે. ડી. વસાવા અને કમલેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.  (૧૪.૫)

(2:36 pm IST)