Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

શહેરી વિસ્‍તારોમાં કોંગ્રેસના પંજાને વિસ્‍તારવા થશે મહામંથન!

અર્બન એરીયા કો-ઓર્ડીનેશન કમીટીની બુધવારે સવારે અમદાવાદ ખાતે મળશે પ્રથમ બેઠકઃ ભાજપ સામે પડકાર ખડો કરાશે : પ્રદેશ પ્રમુખના વડપણ હેઠળની ૧ર સભ્‍યોની કમીટી પક્ષની ખામી તથા અમલમાં મુકવા માટેના પગલા માટે પક્ષ વતી કરશે ‘આત્‍મમંથન'' : વિપક્ષી નેતા ધાનાણી આ કમીટીમાંનથી જેથી હાજર રહેશે કે કેમ? તે અંગે પણ ઉત્તેજના જાગી છે

રાજકોટ તા. ૭: ગત વિધાનસભામાં અનેક કોંગી નેતાઓના આશા અને અરમાન રોળી નાખી પક્ષમાં કોંગ્રેસનું શાસન આવતું અટકાવી દેનાર મહાનગરોના મતદારોને કેમ મનાવવા તે માટે હવે લાગે છે કે, કોંગી નેતાઓએ ખરેખર પ્રમાણીત પ્રયાસો આદર્યા છે.

જોકે હવે જોવાનું એ રહે છે કે દર વખત દશેરાના દિવસે જ નહીં દોડતું કોંગ્રેસનું વર્ષોથી સત્તા વિહોણું ઘોડું ર૦૧૯માં દોડશે કે નહીં.  કોંગ્રેસના હોઠેથી શાસનનો પ્‍યાલો ઝુંટવનાર શહેરજનોને કોંગ્રેસ તરફ કેમ વાળવા તે માટે પ્રદેશ પ્રમુખની અધ્‍યક્ષતામાં રચવામાં આવેલ અર્બન કો-ઓર્ડીનેશન કમીટીની બેઠક બુધવાર તા. ૯ ના રોજ સવારે ૯ાા વાગ્‍યે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે મળશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઇ ચાવડાના વડપણ હેઠળ રચાયેલી અર્બન કો-ઓર્ડીનેશન કમીટીની બેઠકમાં રાજકોટના બન્‍ને મુખ્‍ય કોંગી અગ્રણી ડો. હેમાંગ વસાવડા ત્‍થા શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂ ઉપરાંત ધારાસભ્‍યો શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, કદીર પીરજાદા, હીમાંશુ વ્‍યાસ, ઇન્‍દ્રવિજયસિંહ ગોહિલ, ભૂપેન્‍દ્ર સોલંકી ત્‍થા બાબુભાઇ કાપડીયાનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ તાજેતરમાં ઝોનલ પ્રભારી શહેરોના નિરીક્ષક તથા જનમિત્ર કો-ઓર્ડીનેટરોની નિમણુંક કરી છે અને આ નવનિયુકત આગેવાનોએ તેમની કામગીરી પણ આરંભી દીધી છે.

શહેરમાં કોંગ્રેસનું પ્રદર્શન અત્‍યંત માયકાંગલું રહ્યું છે. વર્ષોથી શહેરોમાં કોંગ્રેસ કાઠુ કાઢી શકી નથી અને આ માટે મુખ્‍ય જવાબદાર પરીબળોમાં જુથવાદ, આંતરીક ખેંચતાણ, કાર્યકરોનો અભાવ, અહંમનો ટકરાવ, પ્રદેશ નેતાગીરીમાં જુથવાદની શહેરના સંગઠન ઉપર સીધી અસર, ટાંચા સાધનો, નાણાકીય ભીડ, શહેર કોંગ્રેસના કાયમી કાર્યાલયોનો અભાવ, લોકોના પ્રશ્‍ન યોગ્‍ય લડતની ખામી સહિતના સંખ્‍યાબંધ બાબતોને કારણભૂત માની શકાય.

રાજકોટ શહેરની જ વાત કરીએ તો બુધવારે શનિવારના જે મજબુત ૧૧ સભ્‍યો કોંગ્રેસ માટે સઘન વિચારણા કરનાર છે તેમાં જ બે સભ્‍યો ઇન્‍દ્રનિલભાઇ રાજયગુરૂ ત્‍થા ડો. હેમાંગ વસાવડા શહેરના મુખ્‍ય આગેવાનો છે જો પ્રદેશ નેતા આ બન્‍ને આગેવાનો એક થઇને ભાજપને પડકાર આપવા કટીબધ્‍ધ બને તેવી ફોર્મ્‍યુલા કે સમજાવટ કરાવી શકે તો રાજકોટમાં કોંગ્રેસ ભાજપને મજબુત પડકાર આપી શકે તેમ છે અને ભાજપ સામે લડવા માટેના મુદા કયાંય શોધવા જવા પડે તેમ નથી તેમ રાજકીય તજજ્ઞો સ્‍પષ્‍ટ માને છે.

રાજકોટ શહેરની જેમ જ અન્‍ય મુખ્‍ય શહેરોમાં પણ કોઇ મજબુત કારણો વગર જ યાદવાસ્‍થળી જામેલ છે અને શહેરની વિસ્‍તારમાં જામી ગયેલ યાદવાસ્‍થળના મૂળીયા જો કાપવાનો નિર્ણય લેવામાં આવે તો તે કામગીરી પણ પ્રદેશ કક્ષાએથી જ અત્‍યંત સારી રીતે થઇ શકે તેમ છે.

ટૂંકમાં જોઇએ બુધવારે સવારે સાડા નવ વાગ્‍યે પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની અધ્‍યક્ષતા માટે અર્બન કો-ઓર્ડીનેશન કમીટીની બેઠકમાં વર્ષોથી કોંગ્રેસ શા માટે શહેરી મતદારોનો પ્રેમ અને મત જીતી શકતા નથી તે માટે ગંભીરપણે મહામંથન કરવામાં આવશે.

આ કમીટીમાં શહેરી વિસ્‍તારમાં મજબુતાઇથી રાજકીય  કામગીરી કરનાર કસાયેલા આગેવાનો છે. જે આ બેઠકમાં ર૦૧૯માં શહેરી વિસ્‍તારના લોકો કોંગ્રેસ તરફ ખેંચાય અને કોંગ્રેસ પણ લોકોના પ્રશ્‍ને ઉમદા કામગીરી કરીને પુનઃ વિશ્વાસ કેમ જીતી શકે તે માટે પ્રમાણીત પ્રયાસો કેવી રીતે હાથ ધરવા તે માટે આત્‍મખોજ પણ કરશે અને નકકર આયોજન પણ ઘડી કાઢવામાં આવશે.

(4:22 pm IST)