Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

સૌરાષ્ટ્રના હબ રાજકોટમાં ‘’કોવીડ ૧૯’’ લેબમાં રોજના ૨૦ થી વધુ ટેસ્ટ

દિલ્હી સ્થિત આઈ.સી.એમ.આર.ની ગાઈડલાઈન મુજબ લેબોરેટરીનું સેટઅપ અને ટેસ્ટિંગ : આજ સુધીમાં કુલ ૨૦૬ ટેસ્ટ કરાયા :રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના તમામ ટેસ્ટ રાજકોટમા થશે : રોજના ૧૯૦ સુધીની ટેસ્ટ ક્ષમતા

રાજકોટ: કોરોના વાયરસ મહામારીની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વાયરસના સંક્ર્મણને ખાળવા અને તબીબી કક્ષાએ અતિ મહત્વના પગલાંઓ લેવાઈ રહ્યા છે. રાજકોટ ખાતે ૨૫૦ બેડની ખાસ કોવીડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, તેમજ ગત સપ્તાહે તા. ૨૮ માર્ચથી કોરોના વાયરસ ટેસ્ટિંગ માટેની લેબ પણ શરુ કરવામા આવી છે.

રાજકોટ ખાતે પંડિત દીનદયાલ મેડિકલ કોલેજ સ્થિત માઇક્રોબાયોલોજી વિભાગમાં શરુ કરવામાં આવેલી આ લેબમાં આજ સુધીમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના ૨૦૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રોજના ૨૦ થી ૨૨ જેટલા ટેસ્ટ પ્રતિદિન કરવામાં આવી રહ્યાનું કોલેજના ડીન ડો. ગૌરવી ધ્રુવે જણાવ્યું છે.
  સમગ્ર દેશમાં આ લેબનું સેટઅપ દિલ્હી સ્થિત આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે છે. તેમજ ટેસ્ટિંગ માટેની કીટ પણ દિલ્હીથી જ આવે છે. આ ટેસ્ટના પરીક્ષણમાં અંદાજે ૬ કલાક જેટલો સમય અને એક ટેસ્ટનો ખર્ચ લગભગ રુ. ૫ હજાર જેટલી થતો હોય છે જે રાજ્ય સરકાર ચૂકવે છે. રાજકોટ ખાતે કોરોના ટેસ્ટિંગ લેબ શરુ થતા હવે ટેસ્ટિંગ માટે જામનગર કે અમદાવાદ સેમ્પલ નહીં મોકલવા પડે તેથી ટ્રાંસ્પોર્ટેશનનો સમય બચશે પરિણામે રિપોર્ટ વહેલો મળી શકશે અને અન્ય લેબ પરનું ભારણ પણ ઘટશે તેમ ડો. ધ્રુવ જણાવે છે.
  ‘’કોવીડ 19’’ લેબ અને માઈક્રોબાયોલોજી વિભાગના ઇન્ચાર્જ ડો. પ્રકાશ મોદી લેબ વિશે માહિતી આપતા જણાવે છે કે ''કોવિડ 19'' લેબ એટલે કે મોલેક્યુલર લેબ ખાસ સેટઅપ અને પ્રોટેક્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે. આ લેબમાં બાયોસેફ્ટી કેબિનેટ, પી.સી.આર, ડિપ ફ્રિજર, રેફ્રીજરેટર સહીતના સાધનો થકી ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે.  કોરોના વાયરસની ટેસ્ટિંગ પદ્ધતિ સામાન્ય લેબ ટેસ્ટિંગ પ્રોસેસ કરતા અલગ હોઈ છે. વાયરસની સંક્ર્મણની ગંભીરતાને ધ્યાને લઈને અહીં ટેક્નિશ્યનો વિશેષ પર્સનલ પ્રોટેક્ટિવ ઇકવીપમેન્ટ પહેરી વિશેષ સાવચેતી સાથે વર્ક કરે છે.
  ટેસ્ટિંગ પ્રોસેસ વિષે તેઓ જણાવે છે કે, શંકાસ્પદ દર્દીના નાક અને ગળામાંથી ખાસ સળી કે જેને સ્વેબ કહેવામાં આવે છે તેમાં સલાયવા લેવામાં આવે છે જેને વાયરલ ટ્રાન્સપોર્ટ મીડીયમ લિકવિડ ભરેલ ટ્યુબમાં ચોક્કસ તાપમાને મુકવામાં આવે છે. ત્યારબાદ આ લીકવીડ પર લેબોરેટરીમાં ચાર તબબકામાં ટેસ્ટિંગ કરવામાં આવે છે જેમાં પ્રથમ વાયરસને મૃત કરવામાં આવે છે, બીજા તબક્કામાં આર.એન.એ (રિબોન્યુકેલીક એસિડ) છૂટું કરવામાં આવે છે ત્યારબાદ આર.એન.એ.માં રિઝન્ડ મિક્સ કરી તેનું પ્રમાણ વધારવામાં આવે છે અને ત્યારબાદ તેનું આઇડેન્ટિફિકેશન કરવામાં આવે છે. કોરોના પોઝેટીવ છે કે નહિ તે તેના આંક અને ગ્રાફ પરથી નક્કી કરવામાં આવે છે તેમ ડો. મોદીએ જણાવ્યું હતું.
 ‘’કોવીડ 19’’ લેબમાં આ સાથે H1N1 નું આ પૂર્વે ટેસ્ટિંગ કરવામાં આવતું હતું તેમજ હાલ દરેક સેમ્પલના બંને રિપોર્ટ માઈક્રોબાયોલિજી વિભાગના ઇન્ચાર્જ ડો. પ્રકાશ મોદી, મોલીક્યુલર લેબના ઈન્ચાર્જ ડૉ. મનિષ પટની, વાઈરોલોજી લેબના ઈન્ચાર્જ ડૉ. સેજુલ અંટાળા, ડૉ. ભૂમિ રાઠોડ, ડૉ. ખુશ્બુ વાડીયા, ડૉ. અપૂર્વ પાઠક, મનિષભાઈ પટેલ, રાજુભાઈ કાવઠીયા, હિતેશ પરખાની સંયુક્ત ટીમની મદદથી જીવના જોખમે કરવામાં આવતા હોવાનું ડો. ગૌરવી ધ્રુવે ઉમેર્યું હતું.
  રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજકોટ ખાતે અત્યાધુનિક લેબ કોરોના વાયરસના સંભવિત સંક્રમણ સામે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા અને જરૂર પડ્યે ત્રણ શિફ્ટમાં કામ કરી જનસેવાનું કાર્ય કરવાનો સંવેદનશીલ અભિગમ મેડિકલ ટીમે વ્યક્ત કર્યો હતો.

(10:10 pm IST)