Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 10 પહોંચ્યો :જાહેરહિત માટે યાદી જાહેર કરતું મનપા

દર્દીઓની ઓળખ જાહેર થવાથી વધુ સાવચેત રહેવા સાથે કોરોનાને પ્રસરતો અટકાવવામાં સહાયતા મળશે : મ્યુનિ,કમિશનર ઉદિત અગ્રવાલ : સામાજિક ભેદભાવ અહીં કરવા તાકીદ : દંડને પાત્ર અપરાધ છે

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાના રોગચાળાને વૈશ્વિક મહામારી જાહેર કરેલી છે. ભારતમાં કોરોનાના સંક્રમણને પ્રસરતો અટકાવવા કેન્દ્ર સરકારશ્રીએ એપિડેમીક ડિસીઝ એકટ, 1887 અનુસાર  આવશ્યક પગલાં લેવા રાજ્યોને આપેલ આદેશ અને રાજ્ય સરકારશ્રીએ આપેલી સૂચના અનુસાર આજે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર  ઉદિત અગ્રવાલે રાજકોટ શહેરમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામ વિશાળ જાહેર હિતમાં પ્રસિધ્ધ કરવાનો નિર્ણય કર્યો છે. આજે આ અનુસંધાને કમિશનરશ્રીએ એક ઓર્ડર ઇસ્યુ કર્યો છે જેમાં જણાવાયા અનુસાર લોકો કોરોના પોઝિટિવ દર્દીઓની ઓળખ જાહેર થવાથી વધુ સાવચેત રહી શકશે અને કોરોનાને પ્રસરતો અટકાવવામાં સહાયતા પ્રાપ્ત થશે.

 

               કમિશનર ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, કોરોનાના પોઝિટિવ દર્દીની ઓળખ જાહેર થવાથી નાગરિકોને એ પણ ખ્યાલ આવશે કે તેઓ જે તે દર્દીના સંપર્કમાં આવ્યા છે કે કેમ, તેમજ જો કોઈ પ્રકારે સંપર્ક થયો હોય તો તાત્કાલિક આવશ્યક તબીબી પગલાં લઇ શકાય.

             કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે,દર્દીઓના નામ વિશાળ જાહેર હિતમાં લોકોની જાણમાં મુકવામાં આવતા લોકો પોતે જ ઓથોરિટીને માહિતી આપી શકશે અને પોતાને પણ આઇસોલેટ કરી શકશે.

              સાથોસાથ કમિશનરશ્રીએ જાહેર જનતાને એ બાબતે પણ વાકેફ કરેલ છે કે, કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર થયા બાદ તેઓની સાથે કે તેમના પરિવારના સભ્યો સાથે કોઈપણ પ્રકારનો સામાજિક ભેદભાવ આઈ.પી.સી.ની કલમ 188 અને એપિડેમીક ડિસીઝ એકટ,1897 ની જોગવાઈઓ અનુસાર દંડને પાત્ર અપરાધ બને છે.

(8:53 pm IST)