Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

કીટ વિતરણ કરતા સેવાભાવીઓ કોરોનાના સાઇલન્ટ કેરીયર બનતા તંત્ર ચોંકયું: પાસ વગરના વાહનો થશે કબ્જે

પોલીસ કે સરકારી તંત્ર દ્વારા લેવામાં આવતા કોઇ પણ પગલા પ્રજાકીય હિતમાં જ હોય છેઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા

રાજકોટ, તા., ૭: લોકડાઉન દરમિયાન  ભોજન અને રાશન કીટ વિતરણ કરવા દોડતી સેવાભાવી સંસ્થાઓ અને કાર્યકરોના વાહનો જો પાસ નહિ હોય તો કબ્જે કરવામાં આવશે તેવું કડક વલણ રાજયભરની પોલીસે અખ્યાર કર્યુ છે. અમદાવાદ અને વડોદરામાં  જાહેર વિતરણ વ્યવસ્થામાં કાર્યરત આવી સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા કેટલાક લોકો કોરોના વાયરસના સાઇલન્ટ કેરીયર  બન્યાના કિસ્સા સપાટી પર આવતા સમગ્ર તંત્ર ચોંકી ઉઠયું છે અને ચેકીંગ દરમિયાન જરા પણ કચાશ રાખતું નથી.

 રાજકોટમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન જ યોગ્ય કારણ વગર ઘરમાંથી રસ્તે નિકળેલી ૯ર૩ થી વધુ વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૬૦૦ થી વધુ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા. દરમિયાન ગઇકાલે ડીસીપી ઝોન-ર દ્વારા અખબારી યાદી દ્વારા  જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલી સંસ્થાઓ અને તેના વાહનો પાસે જો સરકારી તંત્ર દ્વારા ઇસ્યુ કરાયેલા પાસ નહિ હોય તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.

આ બારામાં ડીસીપી જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, પોલીસ કે સરકારી તંત્ર દ્વારા લેવામાં આવતા કોઇ પણ પગલા પ્રજાકીય હિતમાં જ લેવામાં આવે છે. કોરોનાથી બચવા જાહેર થયેલી ગાઇડ લાઇનને લોકો અનુસરતા નથી. માસ્ક કે સેનીટાઇઝરનો ઉપયોગ કરતા નથી. જેને લઇને બિમારી ફેલાવવાની શકયતા વધી જાય છે.  અમદાવાદ અને વડોદરામાં કેટલાક કાર્યકરોને કોરોનાના લક્ષણો લાગુ પડતા તેઓ રોગના સાઇલન્ટ કેરીયર બન્યાના અહેવાલો સપાટી પર આવ્યા છે. આ અહેવાલોને ધ્યાને રાખી તકેદારી લેવી અત્યંત જરૂરી બની ગઇ છે. માટે કડક ચેકીંગ ઝુંબેશ અને વાહન  ડીટેઇનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રપ માર્ચથી જાહેર કરવામાં આવેલા ર૧ દિવસના લોકડાઉન પીરીયડ વચ્ચે જરૂરીયાતમંદો અને શ્રમીકોની હાલત રોજગાર ધંધા બંધ થવાના કારણે કફોડી બની હતી. બે ટાઇમના જમવાના પણ ફાંફા થઇ જતા હતા. આ વચ્ચે સરકારી તંત્ર અને અનેક સેવાભાવી સંસ્થાઓએ રાશનની કીટ અને જમવાનું ઉપલબ્ધ બનાવવાનો સેવાયજ્ઞ પ્રજવલીત કર્યો છે. રાજયભરમાં સરકારી તંત્ર ઉપરાંત અસંખ્ય સેવાકીય સંસ્થાઓ અને એનજીઓ દ્વારા ભોજન અને રાશનનું વિતરણ કરવામાં આવી રહયું છે. આવી સેવાભાવી સંસ્થાઓ માટે સરકારી વિભાગ દ્વારા આવાગમન સરળ બને તે માટે ચોક્કસ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે સ્થિતિ વધુ ગંભીર બનતા આવી સંસ્થાઓ અને તેમના વાહનોની ચકાસણી પણ પોલીસ દ્વારા વધુ તેજ બનાવવામાં આવી છે.

(4:33 pm IST)