Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

તમામ ખાનગી હોસ્પિટલો - દવાખાના માટે કલેકટર દ્વારા પરમીટ અપાશે : જેમાં સ્ટાફના નામ - આધાર નંબર હશે

આરોગ્ય વિભાગે IMAના પ્રમુખોને મૌખિક સૂચના આપ્યા બાદ પાસ કઢાવવા દોડધામ : સ્પેશ્યાલીસ્ટ ડોકટરોનું લીસ્ટ બનાવતું તંત્ર : માનદ સેવા માટે સૂચના અપાશે : લોકડાઉન વધુ કડક બનાવાયું

રાજકોટ તા. ૭ : રાજ્યના આરોગ્ય વિભાગે જે તે વિસ્તારના ઇન્ડીયન મેડીકલ એસો.ના પ્રમુખોને ડોકટરો, નર્સો, પેરામેડીકલ સ્ટાફના પાસ કલેકટરો પાસેથી મેળવી લેવા મૌખીક સૂચના આપ્યા બાદ રાજકોટના ડોકટરોમાં દોડધામ થઇ પડી છે.

રાજકોટમાં ખાનગી હોસ્પિટલો, દવાખાનાના ડોકટરો, નર્સ, અન્ય સ્ટાફના થઇને ૧૦ હજાર પાસ કઢાવવા પડે, જે કલેકટર તંત્ર માટે પણ અઘરૂ બની જાય, આટલા પાસ કાઢતા સહેજે અઠવાડિયુ નીકળે, પરીણામે ગઇકાલે કલેકટર અને ડોકટર આગેવાનોની વચ્ચે યોજાયેલ બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે હોસ્પિટલ - દવાખાના દીઠ કલેકટર દ્વારા એક પરમીટ અપાશે, જેમાં જે તે હોસ્પિટલના તમામ કર્મચારીના નામ - આધાર નંબર હશે અને દરેક સ્ટાફ - નર્સ - ડોકટરે તે પરમીટની નકલ ફરજીયાત સાથે રાખવાની રહેશે.

દરમિયાન કલેકટરશ્રી રૈમ્યા મોહને જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં કદાચ ક્રાઇસીસ ઉભી થાય તો સરકારી તંત્ર દ્વારા બોલાવવામાં આવે તેવા તબક્કે માનદ સેવા આપવા માટે અને સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ આવવા માટે કોણ કોણ સહમત છે, તેવા ડોકટરો - નર્સીંગ સ્ટાફનું લીસ્ટ બનાવાઇ રહ્યું છે, આ બાબતે આઇએમએ સાથે મીટીંગ યોજી હતી.  બીજી બાજુ લોકડાઉન વધુ કડક બનાવાયું છે, પોલીસ દ્વારા ઠેર-ઠેર ચેકીંગ ચાલુ છે, લોકોના વાહનો પણ કબ્જે લેવાઇ રહ્યા છે.

(3:36 pm IST)