Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

સુરતમાં ગોલ્ડમાં રોકાણના નામે છેતરપીંડી કરી ફરાર થયેલું દંપતિ રાજકોટથી ઝડપાયું

તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જી.એસ. ગઢવીની બાતમી પરથી મુળ વિસાવદર પંથકના અજય લાખાણી અને જલ્પાની ધરપકડ

રાજકોટઃ સુરતમાં ઓફિસ ખોલી ગોલ્ડમાં રોકાણના નામે ઠગાઇ કર્યા બાદ ભાગીને રાજકોટમાં ભાડેથી રહેતાં મુળ વિસાવદર પંથકના દંપતિને રાજકોટ તાલુકા પોલીસે પકડી લઇ સુરત પોલીસને જાણ કરી છે. રજની બટુકભાઇ લાખાણી (ઉ.૨૬-રહે. જે.કે. સાગર બ્લોક, ૮૦ ફુટ રોડ રાજકોટ) તથા તેની પત્નિ જલ્પા રજની લાખાણી (ઉ.૨૬) હાલ રાજકોટમાં તેના ભાડાના ઘરે હોવાની બાતમી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જી.એસ. ગઢવીને મળતાં બંનેને પકડી લીધા છે.

રજની મુળ જુનાગઢના વિસાવદર તાબેના સરસાઇ ગામનો છે. અજયએ સુરતમાં તાજેતરમાં પેલેડીયમ મોલ ખાતે ઓફિસ નં. ૨૦૮૦ ભાડે રાખી તેમાં ગોલ્ડ તથા વિદેશી કરન્સીનો ધંધો ચાલુ કર્યો હતો. અલગ-અલગ વ્યકિતઓ પાસેથી પૈસા લઇ તેઓને ચેક તથા પ્રોમીશરી નોટ આપી પૈસા પોતાની પત્નિ અને માતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં. આ કામમાં અજયની પત્નિ જલ્પા પણ લોકોને વિશ્વાસમાં લઇ ફોન કરી ગોલ્ડમાં નાણા રોકવા અને વિદેશી કરન્સી મેળવવા લલચાવતી હતી. આ રીતે પતિ-પત્નિએ અનેક લોકો સાથે છેતરપીંડી કરી હતી અને સુરતમાં ગુનો નોંધાતા રાજકોટ ભાગી આવ્યા હતાં અને ભાડેથી રહેતાં હતાં.

પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએઅસાઇ જી.એસ. ગઢવી, પીએસઆઇ એન. ડી. ડામોર, એઅસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, કોન્સ. નગીનભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા, હિરેનભાઇ આહિર સહિતની ટીમે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

(3:54 pm IST)