Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ગ્રીનલેન્ડ- આજીડેમ ચોકડીએ પે એન્ડ પાર્કિગ બનાવોઃ જયાબેન ડાંગર

બસ તેમજ અન્ય વાહનો માટે પાર્કિગ વ્યવસ્થા ઉભી કરવા એસ્ટેટ કમિટી ચેરમેન દ્વારા મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત

રાજકોટ,તા.૭: શહેરની ભાગોળે સ્થિત ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ખાનગી બસો તેમજ અન્ય પેસેન્જર વાહનોની ખુબ જ અવરજવર રહે છે. આ સ્થળ ખાતે રાજકોટ શહેરમાં પ્રાઈવેટ બસ સેવા પૂરી પાડતી તમામ એજન્સીઓ પોતાની બસનું પાર્કિંગ અણધડ રીતે કરતા હોય છે ત્યારે પે એન્ડ પાર્કિગ બનાવવાએેસ્ટેટ મેનેજમેન્ટ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, આ ચોકડી શહેરની ભાગોળે આવેલી હોવાથી પેસેન્જરોની અવરજવરને લીધે રિક્ષા ધારકો પણ અણધડ રીતે રસ્તા પર દબાણ સર્જતા હોય છે. જેને લીધે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યા રહે છે. આ સમસ્યાના નિવારણ માટે ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ જતા અંદાજે ૫૦૦ મી. સ્થિત રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનો ઓપન પ્લોટ આવેલ છે. ટ્રાફિકની સમસ્યાના યોગ્ય નિરાકરણ માટે આ પ્લોટમાં તમામ બસ ધારકો તેમજ અન્ય વાહનો માટે પાર્કિગની વ્યવસ્થા તેમજ જરૂરી આનુષંગિક વ્યવસ્થા કરવા તેમજ આજીડેમ ચોક પર પણ પ્રાઈવેટ બસો તેમજ પેસેન્જર વાહનોને લીધે ટ્રાફિકની સમસ્યા થવાના કારણે લોકોને અને વાહનધારકોને ટ્રાફિકની હાલાકી ભોગવવી પડતી હોય છે.  આ જગ્યામાં પે એન્ડ પાર્કિગની વ્યવસ્થા કરવા, આ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય કરવા અંતમાં જયાબેનએ જણાવ્યુ હતુ.

(4:24 pm IST)