Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

કેન્દ્ર સરકારના નામે ઠગાઇના કોૈભાંડમાં ૬ પકડાયાઃ એકલા રાજકોટમાં જ ભોગ બનનારાની સંખ્યા ૪૭

ચાર મહિના પહેલા વિવેક અને સંદિપે મળી આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર સુરક્ષા પરિષદ (ગ્લોબલ હ્યુમન રાઇટ્સ કાઉન્સીલ)ના નામે કંપની બનાવી ઓફિસો ખોલીઃ ખેડૂતોને સભ્ય બનાવી અડધા ભાવે ટ્રેકટરની લાલચ આપી અનેક લોકોના નાણા ખંખેરી લીધા : એડી. ડીસીપી હર્ષદ મહેતાની રાહબરીમાં યુનિવર્સિટી અને એસઓજીની ટીમોએ મુંબઇના સંદિપ શર્મા, બરોડાના વિવેક દવે, પાટણના મુકુંદ પરમાર, અમદાવાદનો મહેશ ભાટીયા, ગાંધીનગરની અરૂણા નાઇ અને રાજકોટની મહેશ્વરી ઉર્ફ પ્રવિણા અગ્નિહોત્રીની ધરપકડઃ મસમોટા કોૈભાંડના મુળ સુધી પહોંચવા પોલીસની કવાયત : મુખ્ય ઓફિસ અમદાવાદમાં અને રાજકોટ, બરોડા, કચ્છ, આણંદ, ગાંધીનગરમાં બ્રાંચ ખોલી'તી

રાજકોટ તા. ૭: સાધુ વાસવાણી રોડ પર  આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ(ગ્લોબલ હ્યુમન રાઇટ્સ કાઉન્સીલ)ના નામે ઓફિસ ખોલી ખેડૂતોને અડધી કિમતે ટ્રેકટર તથા ખેતી વિષયક સાધનો અને પશુઓ આપવાની લોભામણી જાહેરાતો કરી ફોર્મ ભરવાના નામે ૨-૨ હજાર વસુલ કરી તેમજ બાદમાં અડધા પૈસા તમે આપો, અડધા કેન્દ્ર સરકાર સબસીડી તરીકે ચુકવશે...તેવુ જણાવી ખેડૂતો પાસેથી બબ્બે - અઢી લાખની રોકડ વસુલી લઇ ટ્રેકટર નહિ આપી ઓફિસને તાળા મારી ભાગી જવાના કોૈભાંડમાં યુનિવર્સિટી પોલીસ મથકમાં બે ગુના નોંધાતા પોલીસ કમિશ્નરએ ઠગ ટોળકીને ઝડપી લેવા ટીમો કામે લગાડી હતી. દરમિયાન મુંબઇ, બરોડા, પાટણ, ગાંધીનગર, રાજકોટના ચાર શખ્સો અને બે મહિલાને ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ એકલા રાજકોટમાં જ આ ટોળકીએ ૪૭ જેટલા લોકો પાસેથી નાણા ઉઘરાવી લીધા હતાં. તમામની રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

રાજકોટમાં રૂ. ૨,૯૧,૦૦૦ની ઠગાઇઅને રૂ. ૧ લાખની ઠગાઇના બે ગુના યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયા છે. જેમાં છેતરાયેલા ખેડૂતો પૈકીના લોધીકાના દેવડા ગામે રહેતાં ગીરધરભાઇ વીરજીભાઇ કાછડીયા (ઉ.૫૩) નામના લેઉવા પટેલ ખેડૂતની ફરિયાદ પરથી રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર શ્યામલ વેટ્રીકસ દૂકાન નં. એફ-૧૫માં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના ઓફિસ ખોલનાર મહેશ્વરીબેન અગ્નિહોત્રી, અમદાવાદ બ્રાંચના ગુજરાત પ્રેસિડેન્ટ વિવેક દવે, મહેસાણાની ઓફિસના મુકુંદ પરમાર, અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ અરૂણાબેન કાંતિ નાઇ, અમદાવાદના પ્રેસીડેન્ટ મહેશ રમેશભાઇ ભાટીયા, ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ ડિરેકટર સંદિપ બેનીપ્રસાદ શર્મા અને ડિરેકટર દેવેન્દ્ર કૈલાશચંદ્ર જૈન તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો. તેની સાથે ૨,૯૨,૦૦૦ની ઠગાઇ થઇ હતી. જ્યારે ગોંડલના વેજાગામના ગોૈશાળાના સંચાલક પ્રશંાંતભાઇ સિંધવ સાથે ૧ લાખની ઠગાઇ થયાનો ગુનો નોંધાયો હતો.

એસઓજી અને યુનિવર્સિટી પોલીસની જુદી-જુદી ટીમોએ દરોડા પાડ્યા હતાં. જેમાં રાજકોટ ખાતેથી એક મહિલા મળી આવી હતી. તેની પુછતાછ શરૂ થઇ છે. બીજી તરફ અમદાવાદ નજીકથી બરોડા હરણી રોડ પર સુરમ્ય બંગલો નં. ૫૯માં રહેતાં વિવેક અરવિંદભાઇ દવે (ઉ.૪૨), મુંબઇ વિરાર વેસ્ટ તિરૂપતીનગર ફેઝ-૨ વિહાર એપાર્ટમેન્ટમાં રહેતાં મુળ રાજસ્થાનના સંદિપ બેનીપ્રસાદ શર્મા (ઉ.૩૪), પાટણના ધીણોજ ગામના મુકુંદ મોહનભાઇ પરમાર (ઉ.૫૧), અમદાવાદ સરદારનગર સિંધી કોલોનીમાં રહેતાં મહેશ રમેશલાલ ભાટીયા (ઉ.૪૮), ગાંધીનગર સેકટર-૨૦ મકાન  નં. ૬૯/૪માં રહેતાં મુળ અનવરપુર (પાટણ)ની અરૂણા કાંતિભાઇ નાઇ (ઉ.૨૩) અને રાજકોટ કાલાવડ રોડ નિલ દા ઢાબા પાસે સદ્દગુરૂ કોલોનીમાં રહેતી મહેશ્વરી ઉર્ફ પ્રવિણા ગિરીશભાઇ અગ્નિહોત્રી (ઉ.૩૪)ની ધરપકડ કરી છે. 

રાજકોટમાં જ્યુબીલી ચોક પાલવ હોટેલ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની મિટીંગ હતી ત્યાં મુકુંદ પરમારે હાજર રહી ખેડૂતોને સ્કીમો સમજાવી હતી. વિવેક દવે અમદાવાદની ઓફિસમાં ગુજરાત પ્રેસિડેન્ટના હોદ્દાથી બેસતો હતો. જ્યારે સંદિપ શર્મા ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ ડિરેકટરનો હોદ્દો દર્શાવીને ઓફિસમાં બેસતો હતો. આ ટોળકીના અન્ય એક સાગ્રીત દેવેન્દ્ર જૈનની શોધખોળ હાથ ધરી છે. 

પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ બહાર આવ્યું છે કે આ ટોળકીએ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા, આણંદ, કચ્છ સહિતના શહેરોમાં ઓફિસો ખોલી હતી. મુખ્ય ઓફિસ અમદાવાદમાં રાખી હતી. રાજકોટમાં ઙ્કબે ફરિયાદ દાખલ થઇ છે. આ ઉપરાંત બીજા ૪૫ લોકો પણ ભોગ બન્યાનું બહાર આવી રહ્યું છે. ખેડૂતોને કેન્દ્ર સરકારના નામે છેતરનારી આ ટોળકીના મુળ સુધી પહોંચવા પોલીસ કમર કસી રહી છે. ઙ્ખટોળકીનો મુખ્ય સુત્રધાર સંદિપ શર્મા અને વિવેક દવે છે. આ બંનેએ જ પોતે સમાજ સેવા કરવા ઇચ્છે છે તેવું નામ દર્શાવી કંપની ખોલી હતી અને પાછળથી ગોરખધંધા શરૂ કરી દીધા હતાં. રાજકોટની મહિલા મહેશ્વરી ઉર્ફ પ્રવિણાને દસ હજારના પગારથી કામે રખાઇ હતી. જ્યારે અરૂણાને પણ પગારદાર તરીકે અમદાવાદની ઓફિસની વાઇસ પ્રેસિડેન્ટ બનાવાઇ હતી.  મુકુંદ પરમારને મહેસાણાની ઓફિસ સોંપાઇ હતી.  ઙ્ખડીસીપી હર્ષદ મહેતાની સીધી દેખરેખ હેઠળ યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પી.એસ.આઇ. બી. જે. કડછા, હરેશભાઇ પરમાર, લક્ષમણભાઇ મહાજન, યોગેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ ચુડાસમા, અમીનભાઇ, રવિરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ જાડેજા, એસઓજીના પી.એસ.આઇ. એચ. એમ. રાણા, અનિલસિંહ ગોહિલ, જયંતિભાઇ સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે.

સમાજ સેવક તરીકેની છાપ ઉભી કરતું નામ નોન પ્રોફિટેબલ કંપનીનું રાખ્યું!...ને ધંધા શરૂ કર્યા છેતરપીંડીના

. એડી. ડીસીપી શ્રી હર્ષદ મહેતાની રાહબરીમાં સમગ્ર કોૈભાંડની તપાસ ચાલી રહી છે. આરોપીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ પહેલેથી જ ઠગાઇના હેતુથી સમાજ સેવક તરીકેની છાપ ઉભી કરતી નોન પ્રોફિટેબલ કંપનીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. નામ જોતાં આ કંપની ખરેખર સમાજ સેવા કરતી હશે તેવી પ્રથમ દ્રષ્ટીએ છાપ ઉભી કરવાનો હેતુ હતો. પરંતુ બાદમાં આ ટોળકીએ છેતરપીંડીના ધંધા શરૂ કરી દીધા હતાં.

મહેશ અને સંદિપનો કોન્ટેકટ સોશિયલ મિડીયાથી થયોઃ ડિસેમ્બરથી કંપની શરૂ કરી

. તપાસમાં ખુલ્યા મુજબ સંદિપ શર્મા અને વિવેક દવે પહેલેથી મિત્રો છે. સંદિપનો મહેશ સાથે ફેસબૂક મારફત કોન્ટેકટ થયો હતો. એ વખતે સંદિપે પોતે અને વિવેક સમાજ સેવાને લગતી નોન પ્રોફિટેબલ કંપની ચલાવે છે તેવી વાત કરી સાથે જોડાવાનું કહેતાં મહેશ પણ આ કંપનીમાં જોડાયો હતો. ગત ડિસેમ્બર માસથી કંપની શરૂ કરી હતી.

બાંધકામનો ધંધો, પ્રાઇવેટ નોકરી અને બેકાર હતાં તેને કંપનીમાં જોડાતાં જ મોટા હોદ્દા મળી ગયા

. પોલીસે જે સાત જણા સામે એફઆઇઆર દાખલ કરી છે. તેમાંથી છ હાથમાં આવી ગયા છે. એક હજુ ફરાર છે. પકડાયેલાઓમાં વિવેક દવે પ્રાઇવેટ નોકરી કરે છે, સંદિપ શર્મા બાંધકામનું કામ કરે છે. જ્યારે મુકુંદ અને મહેશ પાસે હાલમાં કોઇ ધંધો નહોતો. આ બધાએ ભેગા મળી કંપની શરૂ કર્યા બાદ ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ, ગુજરાત પ્રેસિડેન્ટ, ડિરેકટર જેવા હોદ્દા અપનાવ્યા હતાં અને આવા આઇ કાર્ડ પણ બનાવ્યા હતાં. આ કાર્ડ પણ પોલીસે કબ્જે લીધા છે.

ડીસીપી અને ચાર પી.આઇ. દ્વારા પકડાયેલા તમામની પુછપરછ

. કેન્દ્ર સરકારના નામે ટોળકી ઠગાઇ કરી રહી હોવાનું સામે આવ્યું હોઇ પોલીસ આ કોૈભાંડમાં જીણામાં જીણી તપાસ કરી રહી છે. એડી. ડીસીપી હર્ષદ મહેતાની રાહબરીમાં પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પી.આઇ. વી. વી. ઓડેદરા, પી.આઇ. એમ. બી. કાતરીયા અને પી.આઇ. એચ.આર. ભાટુ દ્વારા પકડાયેલા તમામની અલગ-અલગ મુદ્દે પુછતાછ કરવામાં આવી હતી. રાજકોટમાં ૪૭ લોકો છેતરાયાનું હાલ સામે આવ્યું છે. અન્ય જીલ્લાઓમાં પણ આ ટોળકીએ કેટલાને શિકાર બનાવ્યા? તે અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે.

મહેશ્વરીને ૧૦ હજારના પગારથી રાજકોટની જવાબદારી સોંપાઇ'તી

. રાજકોટની જે યુવતિ મહેશ્વરી ઉર્ફ પ્રવિણાની ધરપકડ થઇ છે તેણીએ કહ્યું હતું કે પોતે નોકરીની જાહેરાત વાંચીને વિવેક દવેને મળી હતી. તેણે મેમ્બરશીપનું ફોર્મ ભરાવી રાજકોટ બ્રાંચની પ્રેસિડેન્ટનો હોદ્દો આપી દીધો હતો અને ૧૦ હજારનો માસિક પગાર નક્કી કરી દીધો હતો.

(4:13 pm IST)