Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

કાલે મહિલા દિન

નારી સંસ્કૃતિની આધાર શીલા

સંયુકત રાષ્ટ્ર સંઘે જયારે મહિલા દિવસ મનાવવાનો નિર્ણય લીધો ત્યારે તેઓએ તેની સાથે ત્રણ શબ્દોનું એક સ્લોગન આપેલ હતુ. 'સમાનતા, પ્રગતિ તથા શાંતિ!' તેનો ભાવ એ છે કે નારીને આજના સમાજમાં જે બરાબરનો દરજજો નથી આપવામાં આવતો તે આપવામાં આવે અને દેશ સમાજ તથા વિશ્વની પ્રગતિમાં તથા શાંતિ સ્થાપવામાં તેમનું પણ યોગદાન રહે.

પ્રકૃતિની જેમ નારીમાં સ્વાભાવિક સંસ્કાર જેવા કે દયા, સહનશીલતા, ધૈર્યતા, ઉદારતા અને દાતાપન હોય છે. જેવી રીતે પ્રકૃતિ પોતાની અસીમ સંપદાથી વિશ્વને સંપન્ન કરે છે. તેવી રીતે નારી પોતાના દરેક કાર્યથી પરિવારમાં ઉન્નતિ અને સંપન્નતા લાવવા પ્રયત્ન કરે છે. ઉદાહરણ તરીકે પ્રકૃતિના પાણીના ચક્રને લઇએ તો.. સમુદ્રનું પાણી જયારે સુર્યની ગરમીથી વાદળા બની, ખેતરો અને પહાડો, મેદાનોમાં વરસે છે. તો જડ ચેતન બધાં જ પ્રકૃતિની આ દેનથી ખીલી ઉઠે છે. બસ એજ રીતે નારી પણ અનેક પરિસ્થિતીઓને ગમે તે રીતે સહન કરી પરિવારના સદસ્યોને પ્રેમ, સરળતા, મમતાથી હર્ષિત રાખવાનો પ્રયાસ કરે છે. તેના આ ગુણ રૂપી મોતીઓથી ઘરને સુરક્ષિત રાખે છે. અનેક એવી નારી ચરિત્રોથી ઇતિહાસ ગૌરવાંકિત થયો છે.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ અંગ્રેજો વિરૂધ્ધ સાહસ અને વીરતાનો પરીચય આપ્યો. અહલ્યાબાઇએ નિમિત્ત ભાવ ધારણ કરી પોતાની રાજયની બાગડોર સફળતાપૂર્વક સંભાળી. માતા જીજાબાઇએ સુપુત્ર વીર શિવાજીને બાલ્યકાળથી જ નિર્ભયતા, વિરતાનો પાઠ ભણાવી ચરિત્રવાન બનાવ્યા. સરોજીની નાયડુએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવી. માં મહાલસાએ પોતાના દરેક બાળકોને આત્મજ્ઞાનના પાઠ ભણાવી અલૌકિક માર્ગની તરફ અગ્રેસર કર્યા. અંતઃ નારીના અંતરમનમાં શકિતઓનો અજસ્ત્ર સ્ત્રોત છે.

માતૃ શકિત સેવાની જીવંત પ્રતિમા છે, તેના સ્નેહનો કોઇ પારવાર નથી. પોતાના હિત કે પોતાના સ્વાર્થને તે મહત્વ આપતી નથી. તે પોતાના પરિવારના હિત માટે બલીદાન આપી દે છે. તે જાણે કે જાગતી જયોત બનીને પુરા પીરવારને નિઃસ્વાર્થ સેવાથી પ્રકાશી રહી છે.

- બ્ર.કુ. ભારતીદીદી (રાજકોટ, ફોન ૦૨૮૧- ૨૩૭૫૪૮૮)

(4:07 pm IST)