Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

મહિલા દિને ગૃહિણીઓ સૂકો - ભીનો કચરો અલગ કરેઃ પ્લાસ્ટીક ઝભલાનો ત્યાગ કરેઃ ડો. દર્શિતા શાહ

સેલ્ફી વિથ સેગ્રીગેશનનો નવો અભિગમ દર્શાવતા ડે.મેયર

રાજકોટ તા. ૭ : ડે.મેયર ડો. દર્શીતાબેન શાહે જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વ તા.૮ મી માર્ચનો દિવસ 'વિશ્વ મહિલા દિન' તરીકે મનાવે છે. મારી દ્રષ્ટિએ નારીત્વનાં મહાત્મયને સમજવાનો અને સામાજીક જાગૃતિ માટે તેનો પ્રચાર-પ્રસાર કરવાનો આ અદકેરો અવસર ગણાય. શકિત સ્વરૂપા નારીનો આદર કરવાની જન માનસિકતા કેળવવાના આ પાવન પ્રસંગે આપણે સૌ એટલી અપેક્ષા રાખીએ કે, લોકો માત્ર વ્યવહારથી જ નહી પરંતુ વૈચારિક રીતે પણ મહિલાને આદર આપે.

મહિલા દિન નિમિતે ખાસ રાજકોટ શહેરની તમામ મહિલાઓને અપીલ કરું છું કે આપણા રાજકોટને દેશનું સ્વચ્છ નંબર ૧ શહેર બનાવીએ સુકો અને ભીનો કચરો અલગ અલગ ટોપલીમાં રાખીએ, જાહેર માર્ગો ઉપર કચરો કે હેઠવાળ ફેકીએ નહિ, પ્લાસ્ટીકના ઝબલાનો ઉપયોગ ટાળીએ અને પર્યાવરણને બચાવવા માટે આજના ટેકનોલોજી યુગમાં મહિલાઓને 'સેલ્ફી વિથ સેગ્રીગેશન'ના અભિગમ સાથે મહિલાઓ સ્વચ્છતા મિશનમાં મહત્ત્।મ જાગૃતતા દાખવવા વધુ ને વધુ આગળ આવે તે માટે અપીલ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહિલાઓના આર્થિક સશકિતકરણ માટે મહિલાલક્ષી યોજનાઓને વિશેષ પ્રાધન્ય આપ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટમાં મહિલાઓલાક્ષી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે જેમકે મહિલાઓ માટે માર્કેટમાં યુરીનલની જોગવાઈ, નવા મહિલા એકટીવીટી સેન્ટરો, મહિલા સ્વરોજગાર માટે ગ્રામ હાટનું આયોજન, નવા મહિલા સ્વીમીંગ પુલ, વિગેરે જેવી યોજનાઓ મહિલાઓ માટે મુકવામાં આવેલ છે.

ડો. દર્શીતાબેને અંતમાં જણાવ્યું છે કે, દેશની પ્રગતિમાં મહિલાઓનું યોગદાન અમુલ્ય રહ્યું છે અને રહેશે. મહિલા સશકિતકરણ તથા નારીત્વના માહત્મય વગર કોઈપણ દેશની પ્રગતિ શકય નથી ત્યારે આજના મહિલા દિવસ તથા શકિતપર્વને દિવસે તમામ મહિલાને હાર્દિક શુભેચ્છા પાઠવું છું.

(4:07 pm IST)