Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

નારી તું ના હારી

વિશ્વ મહિલા દિનની પૂર્વ સંધ્યાએ વાંચો એક રાજકોટની નારીની કથા

 

સ્ત્રીના જુદા- જુદા રૂપોની પૂજા વિશ્વમાં થાય છે. વિશ્વ મહિલા દિવસની ઉજવણીના પરિપેક્ષમાં એક વાત રાજકોટની નારીની...

ટાંચા સાધનો, આર્થીક સંકડામણ અને તબિયતની અનિશ્ચિતતા વચ્ચે પતિનો વારસાગત, ખર્ચાળ અને જીવલેણ રોગ...

હા, આજે આપણે રાજકોટના નારીરત્નની વાત કરવી છે. સોનલ સાકરીયાની જે પતિના હીમોફીલિયા નામના રોગને કારણે બીજા ૫૫૭ જેટલા હીમોફીલિયાના દર્દીઓ માટે દાદી, મા, બહેન કે ભાભી બની ગયા છે.

વાતની શરૂઆત સંયુકત કુટુંબમાં ચાર ભાઈઓ વચ્ચે જન્મેલી અકેની એક, લાડકોડમાં ઉછરેલી ૧૮ વર્ષની સોનલના પ્રણય સંબંધની સર્વાત સાલ ૧૯૯૧થી થઈ. તેમના પતિ પરેશ સાકરીયા કે જે હીમોફિલીયા નામની વારસાગત બીમારી ધરાવે છે. જે વાત સોનલને તેઓએ ચોખ્ખું સમજાવેલ, પરંતુ સોનલે પરેશને કહેલ કે મારો પ્રેમ તારી ખૂબી માટે છે એટલો જ તારી આ લોહીના જામવાની ખામી માટે પણ છે. આંતરજ્ઞાતિય લગ્ન, લાડકી દીકરીનું ભવિષ્ય વગેરે જોતા આ લગ્નનો વિરોધ થયો. પરંતુ તેઓએ નકકી કરી બધા સમજાવટ કરવાવાળાને કહેલ કે હું નોર્મલ વ્યકિત સાથે લગ્ન કરું અને પછી તેને કોઈ બીમારી થાય તો છોડી શકું? કે મને બીમારી થાય અને તે મને છોડીદે, તો કેવું લાગે? અંતે લગ્ન અને એક સુખી છતાં સંઘર્ષ ભર્યું દામ્પત્ય જીવન ચાલુ થયું. પરેશના રકતસ્ત્રાવ વખતે એની સારવાર, સંભાળ તેમજ કારખાનામાં મદદ કરી તેથી ખર્ચાળ સારવારમાં આર્થિક રાહત રહે.

સમય સાથે પ્રભુકૃપાથી ૨ બાળકોનો જન્મ અને તે બાળકોનું ભણતર તેમજ પરવરીશનો પડકાર ઉપાડયો. હીમોફીલિયા સોસાયટી રાજકોટમાં સક્રિય સેવા આપવાની ચાલુ કરી. સૌરાષ્ટ્રના દર્દીઓની મા અને મોટી બહેનની જેમ ગમે તે સંજોગોમાં હસતા સેવા કરવા લાગી અને એની સેવાની સુુવાસ અને તેનું હીમોફીલિયા માટેના સમર્પણની નોંધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવાણી.

ફરી પડકાર...

૨૦૧૩માં આંતરાષ્ટ્રીય ટ્રેનિંગ અને પશ્ચિમ ભારતના હીમોફીલિયા ફેડરેશનના વુમન ગ્રુપ ચેરમેનની જવાબદારી પહેલીવાર કેવડાવાડીથી સીંધુ દિલ્હી મિટિંગમાં જાવું, ભાષાની સમસ્યા, પરંતુ બધાને મહાત કરી અને એટલું સુંદર કામ કર્યું કે ૨૦૧૬માં રાષ્ટ્રીય સંસ્થા હીમોફીલિયા ફેડરેશનના વુમન ગ્રુપના ચેરપરસન તરીકે વરણી થઈ. આખા દેશના હીમોફીલિયાના દર્દીઓ, બહેનો, માતાના રાહબર થાય.

આ ઉપરાંત આપણને આ શકિતને સલામ કરવાનું મન થાય. કારણકે કોઈપણ હોસ્પિટલમાં દર્દી હોય, કેમ્પ હોય, બહેનોના આર્થિક સ્વતંત્રની વાત હોય સોનલબેનતો પહેલા જ હોય. સરકાર પાસે આ પ્રકારના દર્દીઓને મદદ માટેની માંગણીમાં અગ્રેસર રહી સમગ્ર ગુજરાતમાં મોંઘાં ભાવના ઈન્જેકશન ઉપલબ્ધ કરાવ્યા. અશોક ગોંધીયા હીમોફીલિયા કેર સેન્ટર ખાતે યોગ, એરોબિકસ અને હીમોફીલિયાના દર્દીઓ માટે ઉત્થાન પ્રવૃતિઓ હંમેશા માટે ચાલુ કરી.

એક અગ્નિપરીક્ષા...

પરેશને ફેફસા, કિડની, મગજ તેમજ શરીરના દરેક અંગો અને સ્નાયુમાં રકતસ્ત્રાવ ૩૪ દિવસ સીસીયુમાં, મશીન દ્વારા શ્વાસ (વેન્ટિલેટર) અને દર ૫ કલાકે ૩,૨૦,૦૦૦ રૂ.ના ઈન્જેકશનની જરૂરિયાત વિશ્વના નિષ્ણાત ડોકટર્સને મેઈલથી રિપોર્ટ મોકલતા સર્વે આશ્ચર્યચકિત અને પરેશની હયાતી અંગે શંકા... પણ આજે પણ પરેશ સોનલની સાથે જ છે. આ ખરેખર એક ચમત્કાર છે જાણે કે સાવિત્રી સત્યવાનની વાત પોતાના પતિની ગંભીર માંદગી વખતે રાત દિવસ ઊંઘ વગર સતત ભગવાનને પ્રાર્થના અને નિરાશ થાય ત્યારે આંસુ આઈસીસીયુ આંસુ અને આશા વચ્ચે આ જિંદગીના ઝંઝાવાત માંથી પરેશને કાંઠે લાવ્યો. કુલ ૬૪ દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ ઘેર અને બાકીની સારવાર ૨ વર્ષ પોતે જાણે ડોકટર હોય તેમ આપી.

આ આખી સફળતાનું શ્રેય સોનલ ડો.ગૌરાંગ બુચ (શુભમ હોસ્પિટલ), સોસાયટીના એડવાઈઝર કિરણભાઈ અવશિયા, રાજકોટ હીમોફીલિયા સોસાયટી, ઓશક ગોંધીયા મેમોરિયલ ટ્રસ્ટ, કુટુંબીજનોને આપે છે.

આ વુમન્સ ડે- ૨૦૧૮ના રોજ તેઓ બધી જ નારીને કહે છે ''આગળ આવો, તમે કોમળ જરૂર છો, કમજોર નથી... અને હમેંશા તમામ સ્થાનથી ઉપર વિશ્વ નિહાળો...'' વિશ્વ મહિલા દિવસની શુભેચ્છા.

અશોક ગોંધીયા, મેમોરીયલ ટ્રસ્ટ રાજકોટ, મો.૯૪૦૮૩ ૧૧૧૨૭

(4:06 pm IST)