Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

કેન્દ્ર સરકારના નામે ખેડૂતોને છેતરવાના કોૈભાંડમાં મુંબઇ, બરોડા અને પાટણના ત્રણ શખ્સો પકડાયા

આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર સુરક્ષા પરિષદના નામે ઓફિસો ખોલી ખેડૂતોને સભ્ય બનાવી અડધા ભાવે ટ્રેકટરની લાલચ આપી નાણા ખંખેરી લેતા'તાઃ રાજ્યભરમાં ઓફિસો ખોલી'તી : પાંચ ટીમોએ અલગ-અલગ દરોડા પાડી મુંબઇના સંદિપ શર્મા, બરોડાના વિવેક દવે અને પાટણના મુકુંદ પરમારને અમદાવાદથી દબોચ્યાઃ એક મહિલાની પણ પુછતાછ

રાજકોટ તા. ૭: સાધુ વાસવાણી રોડ પર  આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના નામે ઓફિસ ખોલી ખેડૂતોને અડધી કિમતે ટ્રેકટર તથા ખેતી વિષયક સાધનો અને પશુઓ આપવાની લોભામણી જાહેરાતો કરી ફોર્મ ભરવાના નામે ૨-૨ હજાર વસુલ કરી તેમજ બાદમાં અડધા પૈસા તમે આપો, અડધા કેન્દ્ર સરકાર સબસીડી તરીકે ચુકવશે...તેવુ જણાવી ખેડૂતો પાસેથી બબ્બે - અઢી લાખની રોકડ વસુલી લઇ ટ્રેકટર નહિ આપી ઓફિસને તાળા મારી ભાગી જવાના કોૈભાંડમાં યુનિવર્સિટી પોલીસ મથકમાં બે ગુના નોંધાતા પોલીસ કમિશ્નરએ ઠગ ટોળકીને ઝડપી લેવા પાંચ ટીમો કામે લગાડી હતી. દરમિયાન મુંબઇ, બરોડા, પાટણના ત્રણ શખ્સો હાથમાં આવી જતાં વિશેષ પુછતાછ શરૂ થઇ છે.

રાજકોટમાં રૂ. ૨,૯૧,૦૦૦ની ઠગાઇઅને રૂ. ૧ લાખની ઠગાઇના બે ગુના યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયા છે. જેમાં છેતરાયેલા ખેડૂતો પૈકીના લોધીકાના દેવડા ગામે રહેતાં ગીરધરભાઇ વીરજીભાઇ કાછડીયા (ઉ.૫૩) નામના લેઉવા પટેલ ખેડૂતની ફરિયાદ પરથી રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર શ્યામલ વેટ્રીકસ દૂકાન નં. એફ-૧૫માં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના ઓફિસ ખોલનાર મહેશ્વરીબેન અગ્નિહોત્રી, અમદાવાદ બ્રાંચના ગુજરાત પ્રેસિડેન્ટ વિવેક દવે, મહેસાણાની ઓફિસના મુકુંદ પરમાર, અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ અરૂણાબેન કાંતિ નાઇ, અમદાવાદના પ્રેસીડેન્ટ મહેશ રમેશભાઇ ભાટીયા, ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ ડિરેકટર સંદિપ બેનીપ્રસાદ શર્મા અને ડિરેકટર દેવેન્દ્ર કૈલાશચંદ્ર જૈન તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો. તેની સાથે ૨,૯૨,૦૦૦ની ઠગાઇ થઇ હતી. જ્યારે ગોંડલના વેજાગામના ગોૈશાળાના સંચાલક પ્રશંાંતભાઇ સિંધવ સાથે ૧ લાખની ઠગાઇ થયાનો ગુનો નોંધાયો હતો.

એસઓજી અને યુનિવર્સિટી પોલીસની જુદી-જુદી ટીમોએ દરોડા પાડ્યા હતાં. જેમાં રાજકોટ ખાતેથી એક મહિલા મળી આવી હતી. તેની પુછતાછ શરૂ થઇ છે. બીજી તરફ અમદાવાદ નજીકથી બરોડા હરણી રોડ પર રહેતાં વિવેક અરવિંદભાઇ દવે (ઉ.૪૨), મુંબઇના સંદિપ બેનીપ્રસાદ શર્મા (ઉ.૩૪) અને પાટણના જીણોજ ગામના મુકુંદ મોહનભાઇ પરમાર (ઉ.૫૨) મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં જ્યુબીલી ચોક પાલવ હોટેલ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની મિટીંગ હતી ત્યાં મુકુંદ પરમારે હાજર રહી ખેડૂતોને સ્કીમો સમજાવી હતી. વિવેક દવે અમદાવાદની ઓફિસમાં ગુજરાત પ્રેસિડેન્ટના હોદ્દાથી બેસતો હતો. જ્યારે સંદિપ શર્મા ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ ડિરેકટરનો હોદ્દો દર્શાવીને ઓફિસમાં બેસતો હતો. આ ટોળકીના અન્ય શખ્સોની શોધખોળ થઇ રહી છે.

રાજ્યભરમાં ઓફિસો ખોલી ખેડૂતોને કેન્દ્ર સરકારના નામે છેતરનારી આ ટોળકીના મુળ સુધી પહોંચવા પોલીસ કમર કસી રહી છે. યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પી.એસ.આઇ. બી. જે. કડછા, હરેશભાઇ પરમાર, લક્ષમણભાઇ મહાજન, યોગેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ, અમીનભાઇ, રવિરાજસિંહ, ગિરીરાજસિંહ, એસઓજીના પી.એસ.આઇ. એચ. એમ. રાણા સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે.

(1:11 pm IST)