Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

જંત્રીનો અમલ નવા વર્ષથી કરો : બમણો ભાવવધારાના કારણે વેપાર-ઉદ્યોગને મુશ્‍કેલી : ફેરવિચારણા કરો : ચેમ્‍બર

રાજકોટ ચેમ્‍બર દ્વારા મુખ્‍યમંત્રીને રજુઆત : સામાન્‍ય માણસોના હિતાર્થે પુનઃ વિચાર જરૂરી

રાજકોટ,તા.૭ : રાજય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત રાજયમાં જંત્રીના ભાવ લગભગ બમણા કરવાની જાહેરાત કરાયેલ અને તેનો તાત્‍કાલીક અમલ કરવા હુકમ કરવામાં આવેલ છે. આ નિણંય જંત્રીનો ભાવ વધારો યોગ્‍ય કહી શકાય. કારણ કે, છેલ્લા ૧૨ વર્ષથી સરકાર દ્વારા જંત્રીનો ભાવ વધારો કરેલ નથી પણ ભાવ બમણા કરવાને બદલે ૨૦% આસપાસ કરવો વ્‍યાજબી ગણી શકાય તેમજ આ ભાવ વધારાના દરનો અમલીકરણ તાત્‍કાલીક કરવાને બદલે નવા વષષથી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

રાજયમાં જંત્રીના બમણા ભાવ વધારાને કારણે સમગ્ર રાજયના વેપાર-ઉદ્યોગકારો તથા આમ જનતાને ખુબ જ હાલાકી પડી શકે તેમ છે. તેમજ જે લોકો નવા સ્‍ટાટઅપની શરૂઆત કરી રહયા હોય તેઓને પણ ઔદ્યોગીક એકમો સ્‍થાપવામાં ખુબ જ મુશ્‍કેલી પડી શકે તેમ છે. સાથો સાથ ‘‘ઘર નું ઘર'' સપનું જોતા સામાન્‍ય લોકોને આટલા મોટા વધારાનો બોજ હાલની વધતી જતી માંઘવારી વચ્‍ચે સહન કરવો અઘરો સાબીત થઈ શકે તેમ છે. તેમજ આ બમણા ભાવ વધારાથી વેપાર-ઉદ્યોગ તથા આમ પ્રજાને પ્રોપટી ટેક્ષમાં પણ વધારાનો માર સહન કરવો પડશે. આમ ગુજરાત સરકારનું આ પગલું સુધારા વધારા સાથે ભાવના દરમાં ઘટાડા સાથે કરવામાં આવે, તો તે સારી વાત ગણી શકાય. તેમજ પુરતો સમય આપવામાં આવે જેથી પાઈપલાઈનમાં રહેલ સોદાઓમાં મુશ્‍કેલીઓ ન પડે અને આમ પ્રજાને ખોટી કનડગત ન થાય. સાથો સાથ નવી જુની શરતના બીન ખેતીના પ્રિમીયમમાં પણ ૫૦%નો ઘટાડો કરવો જરૂરી છે. તેવું લોક મુખે ચર્ચાઈ રહયું છે. તેથી રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા વેપાર-ઉદ્યોગકારો તથા આમ પ્રજાના હિતમાં નિર્ણય લઈ સમગ્ર રાજયમાં જંત્રીના બમણા ભાવ અંગે ફેર વિચારણા કરવા ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:06 pm IST)