Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

પેલેસ રોડ ભગવતી ફાસ્ટફુડ હોટલમાં તોડફોડ કરનારા ત્રણ શખ્સો પકડાયા

એ-ડીવીઝન પોલીસે અજય બેડવા, મહેશ બેડવા અને પીયુષ કાથડને દબોચ્યા

રાજકોટ, તા. ૭ પેલેસ રોડ પર આવેલ ભગવતી ફાસ્ટફૂડ હોટલમાં પથ્થરના ઘા કરી તોડફોડ કરનારા ત્રણ શખ્સોને એ-ડીવીઝન પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પેલેસ રોડ પ્રહલાદ પ્લોટ-૧૧માં રહેતા અને ભગવતી ફાસ્ટફૂડ નામે હોટલ ધરાવતા નિરજભાઇ મહેન્દ્રભાઇ ચાવડા (ઉ.વ.ર૮) ત્રણ દિવસ પહેલા મોડીરાત્રે હોટલ બંધ કરીને હોટલની ઉપર પોતાના ઘરે ગયા હતાં અને વોચમેન પદમસીંગ બીર્મલસીંગ લુહાર હોટલના ગેઇટ આગળ બેઠો હતો ત્યારે મોડીરાત્રે બે અલગ-અલગ મોટર સાયકલમાં ત્રણ શખ્સોએ આવી હોટલ પાસે ઉભા રહી પથ્થરના છુટ્ટા ઘા કરી 'તારા શેઠને મારી નાખવો છે' તેમ બોલીને જોરજોરથી ગાળો આપતા હતા અને વોચમેન પદમસીંગને પણ 'તુ અહીંથી ભાગીજા નહીતર પથ્થર તારો સગો નહીં થાય' તેમ કહેતા વોચમેન ત્યાંથી ભાગીને હોટલ માલીક નિરજભાઇને ઉઠાડયા હતા. બાદ નિરજભાઇએ તાકીદે નીચે આવ્યા ત્યારે ત્રણેય શખ્સો ભાગી ગયા હતા અને જોયુ તો હોટલમાં આવેલ કેબીનના ત્રણ કાચ તૂટેલા હતા. આ બનાવ અંગે હોટલ માલીક નિરજભાઇ ચાવડાએ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. ક્રિપાલસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી. સાખરા, હડ કોન્સ. ધીરેનભાઇ, મોહસીનખાન, અંશુમનભાઇ, ક્રિરતસિંહ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન પીએસઆઇ એસ.વી. સાખરા, અંશુમનભાઇ અને કિરતસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ચામુંડાનગર શેરી નં. રના અજય અમરશીભાઇ બેડવા (ઉ.વ.૩૧), વાંકાનેરના ઠીકરીયાળાના મહેશ પાલાભાઇ બેડવા (ઉ.વ.ર૦) અને માંગરોળના કાલેજનો પીયુષ હીરાભાઇ કાથડ (ઉ.વ.ર૧)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:52 pm IST)