Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રાજકોટ જેલની દિવાલ ભેદી મધરાત્રે સેલો ટેપ વિંટેલો દડો પડયોઃ બે મોબાઈલ, બે ચાર્જર, ૨૦૦ ગ્રામ તમાકુ, ૪ મસાલા કોના ?

રાજકોટ, તા. ૭ :. રાજકોટની સેન્ટ્રલ જેલ છાશવારે કોઈને કોઈ ઘટના માટે છાપે ચડતી હોય છે. કોઈ વખત કેદી બાખડયા હોય તો કોઈ વખત જેલની અંદર બેઠેલા કેદીએ ટેલીફોનિક ધમકી આપી હોય તેવી ફરીયાદ નોંધાઈ હોય ! આજે જેલ ફરી છાપાના મથાળામાં ચમકી છે. રાત્રે ૩.૩૦ વાગ્યા આસપાસ ઉંચી તોતીંગ જેલની દિવાલ ટપી એક દડા જેવો પદાર્થ જેલના કમ્પાઉન્ડમાં પડયો હતો. જેને લઈને જેલ ચર્ચામાં આવી છે.

સૌ કોઈ જાણે છે કે જેલમા રાખવામાં આવેલા કેદીઓ માટે એક સમયપત્રક નક્કી કરવામાં આવ્યુ હોય છે અને તેમને મળતી ખાનપાનની વસ્તુઓ પણ સીમીત અને ચોક્કસ માત્રામાં જ 'એલાઉ' જેલના નિયમો મુજબ કરવામાં આવતી હોય છે, પરંતુ તમાકુ અને મસાલાના બંધાણીઓ પોતાની જરૂરીયાત સંતોષવા નવી નવી તરકીબો અજમાવતા હોય છે કયારેક તેઓ સફળ થતા હોય છે તો કયારેક તેઓ અને તેમના મદદગારો નિષ્ફળ જતા હોય છે. ગઈકાલે મધરાત્રે જેલ કમ્પાઉન્ડમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવી રહેલા હરપાલસિંહ સોલંકી જેલની અંદર રાઉન્ડમાં હતા ત્યારે સેલો ટેપ વિંટાળેલા દડાનો ઘા આવ્યો હતો. આ દડો તેમણે તુરંત હસ્તગત કરી નાઈટ અમલદાર બળદેવભાઈ રાવળને સોંપ્યો હતો. સવારે જેલ ખુલવાના સમયે આ દડો તેમણે અધિકારી સમક્ષ રજૂ કરી સૌની વચ્ચે ખોલ્યો ત્યારે અંદરથી સેમસંગ કંપનીનો સ્લીમ પીઆઈએસ મોબાઈલ, જી-૫ કંપનીનો રેડ એન્ડ બ્લેક કંપનીનો મોબાઈલ, બે ચાર્જર, ૨૦૦ ગ્રામ બુધાલાલ તમાકુ અને તમાકાવાળા ૪ મસાલા નીકળી પડતા પ્રતિબંધીત વસ્તુ તરીકે કબ્જે કરી એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

આ અંગે જેલર કે.એમ. સાધુએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરીયાદ નોંધાવી આ વસ્તુઓ જેલમાં રહેલા તેના સંલગ્ન કેદીને પહોંચાડવાની કોશિષ કરનાર અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવતા ગુન્હો નોંધી તપાસ પીએસઆઈ એમ.બી. ગોસ્વામીએ હાથ ધરી છે.

(3:28 pm IST)