Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

હાઇકોર્ટમાં કાંતિ રામજીના ID પ્રુફમાં ચેડાં કરી સોગંદનામાનો મામલો : એડવોકેટે ખસી જવા કરેલી માંગણી કોર્ટે નકારી

આજીવન કેદની સજા પામેલા કેદીઓને રાહત આપવાના મામલે કાંતિ રામજીની અરજીમાં સંજય પંડિત પક્ષકાર બનેલા : કાંતિ રામજીએ કોર્ટ સમક્ષ ખડા થઇ કહ્યું 'હું કંઇ જાણતો નથી' : અનિરૂધ્ધસિંહ જાડેજાના એડવોકેટ આશિષ ડગલીએ આ અરજીમાં પક્ષકાર બનેલા સંજય પંડિત ખોટી અરજીઓ કરી ખંડણી પડાવવા ટેવાયેલા હોવાની કરી કોર્ટ સમક્ષ રજૂઆત : હાઇકોર્ટમાં ચર્ચાસ્પદ બનેલા મામલામાં હવે શું(?) સૌની નજર

રાજકોટ તા. ૭ : ગુજરાત હાઇકોર્ટમાં એક જ મુદ્દે જુદી જુદી કોર્ટમાં જુદા-જુદા નામે થયેલી અરજીમાં કાંતિ રામજી નામના અરજદાર કોણ ? તે મામલે ઘેરૃં સસ્પેન્સ સર્જાયા બાદ જ્યારે જેતપુરમાં સામાન્ય કડીયા કામ કરતા કાંતિભાઇ રામજીભાઇ કોર્ટ સમક્ષ ખડા થયા ત્યારે સૌ કોઇ ચોંકી ઉઠયા હતા. જે અરજી તેમના નામે કરવામાં આવી હતી તેવી વિશે તેઓ અજ્ઞાત હતા. એટલું જ નહિ તેમના નામે સોગંદનામામાં જોડવામાં આવેલા આઇડી પ્રુફમાં ફોટો પણ કોઇ અજાણી વ્યકિતનો ચીપકાવી દેવામાં આવ્યાનું સપાટી પર આવતા કાયદાના જાણકારોમાં હલચલ મચી જવા પામી છે. આ કેસ સાથે જોડાયેલા એડવોકેટ ભૂષણ ઓઝાએ કોર્ટ સમક્ષ આ મામલામાંથી ખસી જવા કરેલી માંગણી કોર્ટે નકારતા હવે શું(?) તે તરફ સૌની ઉત્કંઠા ભરી મીટ મંડાઇ છે.

દોઢેક વર્ષ પહેલા હત્યાના આરોપી અનિરૂધ્ધસિંહ જાડેજાના આજીવન કેદની સજા ગેરકાયદે રદ્દ કરવામાં આવી હોવાના મુદ્દે કાંતિ રામજી સોલંકીના નામે દાદ માંગવામાં આવી હતી. પાછળથી આજીવન સજા ભોગવી રહેલા કેટલાક લોકોને રાહત આપવા માટે સંજય પંડિત નામના અરજદારે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. આ પહેલા કાંતિલાલ રામજીના નામે થયેલા અરજીમાં તેઓ દોઢેક વર્ષ પહેલા પક્ષકાર તરીકે જોડાયા હતા. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અરજદાર કાંતિલાલ રામજી સોલંકીને રજૂ કરવા જણાવ્યું ત્યારે દોડધામ મચી જવા પામી હતી. કોર્ટના ત્રણ-ત્રણ હુકમ છતાં અરજદાર હાજર થયા ન હતા. કાંતિલાલના વકીલ મારફત પણ નોટીસ પાઠવવામાં આવી હતી. વકીલે મોકલેલી નોટીસ પણ પરત આવી હતી અને આ જગ્યા પર તેવી કોઇ વ્યકિત રહેતી નથી તેવું જણાવવામાં આવ્યું હતું.

પેચીદા બનેલા આ મામલામાં ગરમાવો ત્યારે આવ્યો જ્યારે અનિરૂધ્ધસિંહ જાડેજાના એડવોકેટ આશિષ ડગલીએ કોર્ટ સમક્ષ એક સીડી રજુ કરી સંજય પંડિત કોર્ટને ગેરમાર્ગે દોરી લોકો પાસેથી ખંડણી ઉઘરાવવા ટેવાયેલા હોવાનું ઘટસ્પોટ કર્યો. બંને પક્ષે કોર્ટે દલીલો સાંભળ્યા બાદ અસલી અરજદાર કોણ તે અંગે તપાસ કરવા જણાવતા કાંતિ રામજી નામની કડીયા કામ કરતી સામાન્ય વ્યકિતને એટવોકેટ ડગલી મારફત કોર્ટ સમક્ષ ખડા કરવામાં આવતા સૌ કોઇ ચોંકી ઉઠયા હતા. કાંતિલાલ રામજીએ કોર્ટમાં જણાવ્યું હતું કે અનિરૂધ્ધસિંહ જાડેજા કોણ ? આજીવન કેદનો મામલો શું ? એ બાબતે પોતે કશું જાણતો નથી. હું કડીયા કામ કરનારો સામાન્ય માણસ છું. ત્યારબાદ એવી હકીકત બહાર આવી કે કાંતિ રામજીના આઇડી પ્રુફ સાથે ચેડા કરી તેનો ગેરકાયદે ઉપયોગ કરી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજી સાથે જે આઇડી પ્રુફ રજુ કરવામાં આવ્યું હતું તે આઇડી પ્રુફ તો કાંતિ રામજીનું હતું પણ તેની જગ્યા ફોટો અન્ય કોઇ વ્યકિતનો ચીપકાવી દઇ સોગંદનામા કરવામાં આવ્યા હતા. આમ, કોર્ટ સમક્ષ ચેડા કરેલા પેપર્સ રજૂ કરવાનો ગંભીર મામલો ઉપસ્થિત થયો છે.

જસ્ટીસ સોનિયાબેન ગોકાણીની કોર્ટમાં મદદનિશ પબ્લીક પ્રોસીકયુટરે કોર્ટનું ધ્યાન દોર્યું કે કાંતિલાલ રામજી નામનો અરજદાર જ નથી સંજય પંડિત નામનો અરજદાર છે. ત્યારે આ સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. પાછળથી અનિરૂધ્ધસિંહના એડવોકેટ આશિષ ડગલીએ ખરા કાંતિલાલ રામને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. હવે કાંતિ રામજીની અરજી અને પાછળથી તેમાં પક્ષકાર તરીકે જોડાયેલા રાજકોટના સંજય પંડિત નામના અરજદારના મામલામાંથી ખસી જવા એડવોકેટ ભૂષણ ઓઝાએ માંગણી કરી છે પણ કોર્ટે કેસમાંથી ખસવાની મંજુરી આપી નથી. આમ, સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન અને જાહેરહિતની અરજીના મામલે કેસ રસપ્રદ બની ચર્ચાના ચકડોળે ચડયો છે. ઉલ્લેખનીય છે કે સંજય પંડિત અગાઉ મંડળી ઉભી કરી સભ્યોના નાણાની લાખોની ઉચાપતના મામલે જેલના સળીયા ગણી ચૂકયા છે. હવે તેઓ ખોટી અરજીઓ કરી કોર્ટને ગેરમાર્ગે દોરી લોકો પાસેથી ખંડણી પડાવવા ટેવાયેલા હોવાની રજૂઆત એડવોકેટ ડગલી મારફત કરવામાં આવી છે.

(12:58 pm IST)