Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

પંચાયત ચોક પાસે ઉપલેટાના હિતેષ પરમારે વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી

વ્યાજે લીધેલા ૨૦ હજારના ૭૦ હજાર ચૂકવ્યા છતા વધુ ૫૦ હજારની જીજ્ઞેશ સોનાગરા ઉઘરાણી કરતો હોવાનો આક્ષેપ

રાજકોટ,તા.૭: યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પંચાયત ચોક પાસે ઉપલેટાના રાજપૂત યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ ઉપલેટાનો વતની હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પંચાયત ચોકમાં રહેતા હિતેષ મનસુખભાઇ પરમાર (ઉવ.૨૭)એ રાત્રે યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હિતેષ પરમારે જણાવ્યું હતું કે, પોતે બે ભાઇ અને એક બહેનમાં વચેટ છે. અને એસ્ટ્રોન ચોકમાં આવેલ સોની કંપનીમાં નોકરી કરે છે. છ મહિના પહેલા પોતે જીજ્ઞેશ સોનાગરા પાસેથી રૂ. ૨૦ હજાર વ્યાજે લીધા હતા. અને પોતે વ્યાજ સહિત ૭૦ હજાર ચુકવી દીધા છતા જીજ્ઞેશ ૫૦ હજારની ઉઘરાણી કરી ધમકી આપતા પગલુ ભર્યું અંગે યુનિવર્સિટી પોલીસ મથકનાં હેડકોન્સ ઇકબાલભાઇ મોરવાડીયા અને રાઇટર પ્રદિપભાઇ કોટડે તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)