Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

હીરાસર એરપોર્ટ તરફથી વોકળાના પાણીને અન્યત્ર વાળવા પંચાયત જીપીએસ સર્વે કરશે

વિનુભાઇની અધ્યક્ષતામાં સમિતિની બેઠક મળીઃ સ્વ.નાનુભાઇને શ્રધ્ધાંજલી : જિલ્લાના તળાવો-ચેકડેમોની મરામત અને ઉંડા ઉતારવા સર્વે થશે

રાજકોટ, તા., ૬: જિલ્લા પંચાયતની સિંચાઇ અને સહકાર સમિતિની બેઠક આજે સવારે પંચાયત ખાતે મળેલ. બેઠકનો એજન્ડા બહાર પડી ગયા પછી અધ્યક્ષ નાનજીભાઇ ડોડિયાનું અવસાન થતા બેઠકના પ્રારંભે તેમને શ્રધ્ધાંજલી અર્પી કાર્યકારી અધ્યક્ષ તરીકે વિનુભાઇ ધડુકને જવાબદારી સોંપવામાં આવી હતી. આજની બેઠકમાં હિરાસર એરપોર્ટના વોકળાના પાણી તેમજ ચેકડેમો અને તળાવોને લગતા નિર્ણયો કરવામાં આવ્યા હતા.

હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટ તૈયાર થાય ત્યારે વોંકળાનું પાણી તેમાં આવવાની સંભાવના ટાળવા તેને અત્યારથી જ અલગ દિશામાં વાળવા ગ્લોબલ પોઝીસનીંગ સીસ્ટમથી સર્વે કરવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં  આવેલ તમામ ચેકડેમો અને તળાવોની તપાસ કરી મરામત કરવા તેમજ ઉંડા ઉતારવા માટેની આગળની કાર્યવાહી કરવાનું ઠરાવાયું હતું. ગોંડલની શકિત મજુર મંડળીએ નિયમ મુજબ કરાર અને સિકયુરીટી ડીપોઝીટની કામગીરી ન કરતા તેને બ્લેક લીસ્ટમાં મુકવાનું નક્કી થયું હતું. મુદત વધારાના અમુક કામો મંજુર થયા હતા. પેટા નિયમ સુધારાની દરખાસ્તમાં પુરતી વિગત ન હોવાથી તે પેન્ડીંગ રાખવામાં આવેલ. હવે પછીની બેઠકમાં એજન્ડા મુજબ જરૂરી તમામ કાગળો સાથે રાખવા અધ્યક્ષે અધિકારીશ્રી માકડીયા અને તેમના સાથીદારોને ટકોર કરી હતી.

સિંચાઇ વિભાગમાં સ્ટાફની સખત ઘટ પુરી કરી મહેકમ મુજબ સ્ટાફ ફાળવવા સરકારને અનુરોધ કરતો ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યો હતો.

બેઠકમાં પુર્વ કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયા, સિંચાઇના સભ્યો પરસોતમભાઇ લુણાગરીયા, મનોજ બાલધા અને હેતલબેન ગોહેલ ઉપસ્થિત રહયા હતા.

(3:43 pm IST)