Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

આયુષ્યમાન કાર્ડનું સર્વર ઠપ્પઃ આરોગ્ય કેન્દ્રમાં દેકારો

રવિવારે મેગા કેમ્પમાં સર્વર ડાઉન થશે તો અફડા-તફડી થશેઃ ગાંધીનગર-દિલ્હી સુધી રજૂઆતોઃ ૧૦મીએ તંત્રને એલર્ટ રાખવા વિનંતી

રાજકોટ, તા. ૭ :. શહેરમાં માં અમૃતમ - માં વાત્સલ્ય અને આયુષ્યમાન કાર્ડ વિતરણનો મેગા કેમ્પ આગામી રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનાર છે તે પૂર્વે જ આજે આરોગ્ય કેન્દ્રમાં સર્વર ડાઉન થતા આયુષ્યમાન કાર્ડ વિતરણ અટકી જતા જબરો દેકારો બોલી ગયો હતો જેથી તંત્રવાહકોનાં જીવ તાળવે ચોંટયા હતા કેમ કે જો રવિવારે મેગા કેમ્પમાં આવુ થાય તો ભારે અફડા-તફડી મચી જાય.

આ અંગે કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે નંદનવન ખાતેના આરોગ્ય કેન્દ્રમાં ૧ થી ૧ાા કલાક સુધી સર્વર ઠપ્પ થઈ જતા લાઈનમાં ઉભેલા અરજદારોમાં જબરો દેકારો બોલી ગયો હતો.

જો કે સિવીલ હોસ્પીટલ સહિત અન્ય ૪ સ્થળોએ સર્વર ચાલુ હોય ત્યાં હેલ્થ કાર્ડની કામગીરી ચાલુ રહી હતી.

દરમિયાન આજે આ પ્રકારે સર્વર ઠપ્પ થતા તંત્ર વાહકોના જીવ તાળવે ચોંટયા હતા કેમ કે આગામી તા. ૧૦મીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આયુષ્યમાન, અમૃતમ, વાત્સલ્ય કાર્ડમાં ૧૪ હજાર લાભાર્થીઓને એક જ દિવસમાં કાર્ડ વિતરણની કામગીરી પૂર્ણ કરવાની છે માટે જો આ કેમ્પમાં સર્વર ઠપ્પ થશે તો જબરી અફડા-તફડી મચી જવાની અને તંત્રની આબરૂ જવાનો ભય છે.

આથી આ બાબતે તંત્રવાહકો ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆતો કરી છે અને ૧૦મીએ તંત્રને એલર્ટ રાખવા વિનંતી કરી છે જેથી સર્વર ડાઉન ન થાય.(૨-૨૧)

 

(3:35 pm IST)