Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

દૂધની ડેરી પાસે માથાભારે ઇમ્તિયાઝ ઉર્ફ લાલાનો સાગ્રીતો સાથે મળી પરિણીતા પર ગેંગરેપનો પ્રયાસ

એક મહિનાથી હેરાન કરતો'તોઃ રાત્રે પરિણીતા એકલી હોવાનું જાણી ત્રણ સાગ્રીતો સાથે ઘરમાં ધસી આવ્યોઃ 'મારે તારી સાથે સુવુ છે' કહી ઇમ્તિયાઝે કૂરતો ફાડી નાંખ્યોઃ સાથેના શખ્સો શહેઝાદ, સોહિલ અને એક જાડીયાએ લાફા અને બોથડ પદાર્થથી મારકુટ કરીઃ પલંગ સાથે બાંધવાનો પ્રયાસ કરતાં ભારે ઝપાઝપીઃ પલંગ તૂટી ગયોઃ મહિલાએ ભારે દેકારો મચાવતાં ચારેય ભાગી ગયાઃ ઇમ્તિયાઝ ઉર્ફ લાલો અગાઉ ૧૩૭ પેટી દારૂ, હત્યાની કોશિષ, ગેરકાયદે હથીયાર, ફરજમાં રૂકાવટ સહિતના અનેક ગંભીર ગુના આચરી ચુકયો છેઃ આ વખતે મહિલાની આબરૂ પર હાથ નાંખતા વિસ્તારમાં ફફડાટ

હવસખોરોથી માંડ બચેલી મહિલાને ભારે મારકુટ થઇ હોઇ હોસ્પિટલમાં દાખલ થઇ હતી, ઇજાના નિશાન પણ જોઇ શકાય છે

રાજકોટ તા. ૭: દૂધ સાગર રોડ પર રહેતો અને અગાઉ દારૂ, હત્યાની કોશિષ, ગેરકાયદેસર હથીયાર રાખવા સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા નામચીન ઇમ્તિયાઝ ઉર્ફ લાલો ભીખાભાઇ રાઉમા નામના શખ્સે ગત રાત્રે ત્રણ સાગ્રીતો સાથે મળી રિધ્ધી સિધ્ધી સોસાયટી ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતી ૨૮ વર્ષની મેમણ પરિણીતાના ઘરમાં ઘુસી જઇ 'મારે તારી સાથે સુવુ છે' તેમ કહી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતાં અને તેના સાગ્રીતોએ આ મહિલાને મારકુટ કરતાં ચકચાર મચી ગઇ છે. મહિલાને પલંગ સાથે બાંધીને દૂષ્કર્મ કરવાનો પ્રયાસ થયો હતો. પણ ભારે ઝપાઝપીમાં પલંગ તૂટી જતાં આ નામીચો અને સાગ્રીતો ભાગી ગયા હતાં. મહિલા પોલીસે ગુનો દાખલ કરી આ તમામની શોધખોળ આદરી છે.

ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતી ૨૮ વર્ષની પરિણીતા મોડી રાત્રે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને પોતાને ઇમ્તિયાઝ ઉર્ફ લાલો, શહેઝાદ, સોહિલ મહમદ મેમણ અને એક જાડીયા શખ્સે ઘરમાં ઘુસી મારકુટ કર્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે થોરાળા પોલીસને જાણ કરી હતી. આ મામલે પીએસઆઇ એન. બી. ડાંગર અને એમ. વી. ગઢવીએ મેમણ પરિણીતાની ફરિયાદ પરથી ઇમ્તિયાઝ ઉર્ફ લાલો રાઉમા, શહેઝાદ, સોહિલ મેમણ અને એક જાડીયા સામે આઇપીસી ૩૫૪ (ક), ૪૫૨, ૩૨૩, ૧૪૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

ભોગ બનેલા મહિલાએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે પોતાને છેલ્લા એકાદ મહિનાથી ઇમ્તિયાઝ ઉર્ફ લાલો પોતાની પાછળ પડી ગયો છે. પોતે ઘરમાંથી કોઇ ચીજવસ્તુ લેવા નીકળે તો પણ હેરાન કરે છે. સતત ધમકી આપતો હોઇ ગભરાઇને પતિને પણ જાણ કરી નહોતી. ગત રાત્રે પતિ રિક્ષાનુ ભાડુ લઇ જસદણ ગયા હોઇ પોતે તથા ત્રણ બાળકો ઘરમાં એકલા હતાં. આ વખતે રાત્રે સાડા નવેક વાગ્યે ઇમ્તિયાઝ ઉર્ફ લાલો અને તેના સાગ્રીતો ઘરમાં ઘુસી ગયા હતાં. ઇમ્તિયાઝે  'મારે તારી સાથે સુવુ છે' તેમ કહી કુર્તો ફાડી નાંખી અડપલા કર્યા હતાં. તેમજ શહેઝાદે લાફા માર્યા હતાં અને ઇમ્તિયાઝે બોથડ પદાર્થથી ડાબા ખભે ઇજા કરી હતી. એ પદાર્થ કદાચ તમંચો હતો. તેના કુંદાથી માર માર્યો હતો. વિગતો જણાવતી વખતે આ મહિલા રિતસર ફફડી ગયા હતાં.

મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે પોતે તાબે ન થતાં અને દેકારો મચાવતાં આ તમામે પોતાને પલંગ સાથે બાંધી દેવા પ્રયાસ કર્યો હતો. ભારે ઝપાઝપી થતાં પલંગ તૂટી ગયો હતો. એ પછી આ બધા ઘરમાં તોડફોડ કરી ભાગી ગયા હતાં. પતિ બહારગામ હોઇ તેને ફોનથી જાણ કરતાં તે આવ્યા હતાં અને પોતાને હોસ્પિટલમાં ખસેડી હતી.

નામચીનની છાપ ધરાવતો ઇમ્તિયાઝ આ વિસ્તારમાં લોકોને સતત ફફડાવતો રહે છે. તે અગાઉ હત્યાની કોશિષ, પોલીસની ફરજમાં રૂકાવટ, ૧૩૭ પેટી દારૂ, ગેરકાયદે હથીયાર અને કાર્ટીસ રાખવાના ગુનામાં તેમજ બીજા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. અગાઉ પાસાની હવા પણ ખાઇ આવ્યો છે. હવે એક પરિણીતાની આબરૂ લૂંટવા પ્રયાસ કરતાં વિસ્તારના રહેવાસીઓ ફફડી ગયા છે. પોલીસ આકરી કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે. (૧૪.૭)

(2:48 pm IST)
  • શિવરાજસિંહ ચૌહાણનો દાવો :મધ્યપ્રદેશમાં ભાજપ લોકસભાની 25 બેઠકો જીતશે : શિવરાજસિંહે કહ્યું કે વિધાનસભા ચૂંટણી પહેલા કરાયેલા વાયદા પુરા નહિ થતા લોકો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવશે અને ચૂંટણીમાં ભાજપને જીતાડશે access_time 1:06 am IST

  • કર્ણાટકમાં કોંગ્રેસમાં કકળાટ યથાવત :વિધાનસભાની કાર્યવાહીમાં કોંગ્રેસના નવ ધારાસભ્યો ગેરહાજર : કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર હાલકડોલક :આ અગાઉ 15મી જાન્યુઆરીએ બે અપક્ષ ધસભ્ય એચ,નાગેશ અને આર,શંકરે મુખ્યમંત્રી કુમારસ્વામી સરકારને સમર્થન પાછું ખેંચ્યું હતું access_time 1:01 am IST

  • વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું સરકારના પ્રયત્નોથી અલગ થલગ પડી ગયું પાકિસ્તાન : સુષ્મા સ્વરાજે કહ્યું કે પાકિસ્તાન વૈશ્વિક સ્તરે જુદું પડ્યું છે ; પાકિસ્તાન વિરુદ્ધ જે કાર્યવાહી થઇ તે મોટી સફળતા છે access_time 12:57 am IST