Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

કચરા પેટી કૌભાંડમાં સેનેટરી ઇન્સ્પેકટરને ફરજીયાત નિવૃત કરતા મ્યુ.કમિશ્નર

ર૦૧૧માં એસ.આઇ.જેન્તીલાલ વાઝા સામે કચરાપેટી ખરીદીમાં ગેરરીતીનાં આક્ષેપો સાથે ફરીયાદ થયેલઃ ખાતાકીય તપાસમાં આક્ષેપો સાબીત થતા કમિશ્નરે ફરજીયાત નિવૃત કરી દીધા

રાજકોટ, તા., ૭: મ્યુ. કોર્પોરેશનમાં બહુચર્ચીત કચરાપેટી કૌભાંડ પ્રકરણમાં જવાબદાર સેનેટરી ઇન્સ્પેકટરને ફરજીયાત નિવૃત કરી દેવાનો હુકમ મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ કર્યો છે.

તા.૩ ફેબ્રુઆરીએ મ્યુ. કમિશ્નરશ્રી પાનીએ કરેલા આ હુકમમાં જણાવાયું છે કે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સેનેટરી ઇન્સ્પેકટર  જેન્તીલાલ કે. વાઝા ફરજમાં હતા તે દરમિયાન સ્ટીલ ગાર્બેજ કન્ટેનર (મોટી કચરાપેટી) ખરીદીમાં ગેરરીતી સબબ જાગૃત નાગરીક ભરતભાઇ તન્નાએ જે તે વખતે ફરીયાદ કરી હતી.

આ ફરીયાદ અંગે જેન્તીલાલ વાઝાને ૧૬ ડિસેમ્બર ર૦૧૧ના કારણદર્શક નોટીસ અપાયેલ. ત્યાર બાદ ૧૮ જુલાઇએ ર૦૧રમાં તેમની સામે ચાર્જશીટ દાખલ થયેલ અને ૪ સપ્ટેમ્બર ર૦૧ર માં ખાતાકીય તપાસ શરૂ કરી ર૦૧૩ માં તપાસનો અહેવાલ રજુ થયા બાદ ૧૯ મે ર૦૧૬માં તેઓને શિક્ષા અંગેની નોટીસ ફટકારાયેલ.

દરમિયાન ગુજરાત રાજય સેવા (શિસ્ત-અપીલ) નિયમ-૧૯૭૧ અન્વયે શ્રી વાઝાને શિક્ષા ફરમાવતા અગાઉ જે શિક્ષા નોટીસ અપાયેલ જે અન્વયે તેઓએ કરેલ રજુઆતને ધ્યાને લઇ કમિશ્નરશ્રીને મળેલ સત્તાની રૂએ ગુજરાત રાજય સેવા (શિસ્ત-અપીલ) નિયમ-૧૯૭૧ના પ્રકરણના નિયમ ર (૩) હેઠળ જેન્તીલાલ કે.વાઝાને ફરજીયાત નિવૃત કરવા અને કચેરીનું કોઇ લેણુ હોય તો વસુલ કરવાનો હુકમ કરાયો છે.

(4:10 pm IST)