Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ગોંડલ મગફળી અગ્નિકાંડમાં છ શખ્સો પાંચ દિવસના રિમાન્ડ પરઃ ગોલમાલ અંગે તપાસ

મગફળી ખરાબ આવતી'તી કે કોઇ ગોડાઉનમાંથી કાઢી જતુ હતુ કે કેમ ? તે અંગે છએય શખ્સોની પુછતાછઃ સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી દ્વારા પત્રકારોને માહિતી આપવામાં ઠાગાઠૈયા

રાજકોટ તા.૬ : ગોંડલના ર૮ કરોડના મગફળી અગ્નિકાંડમાં સીઆઇડી ક્રાઇમે બેદરકારી દાખવનાર ગોડાઉન માલીક અને ગોડાઉન મેનેજર તથા વેલ્ડર સહિત છ શખ્સોને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે. સીઆઇડી ક્રાઇમની ટીમે મગફળીના જથ્થાની ગોલમાલ અંગે તપાસ હાથ ધરી છે. 

ગોંડલના રામરાજય કોટેક્ષ મીલના ગોડાઉનમાં ગત મંગળવારે ર૮ કરોડની મગફળીના જથ્થામાં આગની ઘટનામાં બેદરકારી દાખવનાર અને આ કારસ્તાન છુપાવનાર  વેલ્ડર ઉમેશ કિરીટભાઇ મહેતા, તેના કારીગરો રણવીર બાલુભાઇ વિસાણી, કમલેશગીરી ધીરજગીરી ગૌસ્વામી, મિલન દેવીદાસભાઇ ગોંડલીયા તેમજ ગોડાઉનના માલીકના પુત્ર દિનેશભાઇ સેલાણી અને તેના ગોડાઉન મેનેજર  મયુર ભુરૂભા ડાભીની સીઆઇડી ક્રાઇમ ટીમે ધરપકડ કરી હતી.

પકડાયેલ ઉકત છએય શખ્સોને સીઆઇડી ક્રાઇમની ટીમે ગોંડલ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે તમામ આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. સીઆઇડી ક્રાઇમની ટીમે આ ગોડાઉનમાં મગફળીનો જથ્થો ખરાબ આવતો હતો કે કેમ ? તેમજ આ ગોડાઉનમાંથી મગફળીનો જથ્થો કોઇ કાઢી જતુ હતુ કે કેમ ? તે અંગે પકડાયેલ શખ્સોની પુછતાછ હાથ ધરાઇ છે.

દરમિયાન મગફળી અગ્નિકાંડના મામલે માહિતી આપવામાં સીઆઇડી ક્રાઇમ અધિકારીઓ ઠાગાઠૈયાની નીતિ અપનાવતા પત્રકારોમાં રોષ ફેલાયો છે. ગઇકાલે પણ સીઆઇડી ક્રાઇમના અધિકારી દ્વારા કચરીએ  અપમાનજનક વર્તન કરાયુ હતુ. તેમજ આજ સવારથી સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપીને પત્રકારો દ્વારા માહિતી મેળવવા સતત ફોન કરાયા હોવા છતાં ફોન રીસીવ ન કરતા હોવાની અને પત્રકારોને માહિતીથી અલિપ્ત રખાતા હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગે સીઆઇડીના ડીઆઇજીનું પણ ધ્યાન દોરવામાં આવી છે.

(4:06 pm IST)