Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

બક્ષીપંચ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને ધંધા - રોજગાર માટે રૂ.૨૪૫ લાખની ફાળવણી

પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા બક્ષીપંચ નિગમના ૩૩ જિલ્લાના અધિકારીઓને માર્ગદર્શન આપતા નરેન્દ્રભાઈ સોલંકી : બક્ષીપંચ સમાજને મળતા વિવિધ લાભોની વિસ્તૃત જાણકારી માટે આગામી દિવસોમાં જિલ્લાવાઈઝ સેમીનાર યોજાશે : દેવભૂમિ દ્વારકાથી પ્રારંભ

રાજકોટ, તા. ૭ : રાજયના ૩૩ જિલ્લાના બક્ષીપંચ સમાજના તમામ ૧૪૬ જ્ઞાતિને ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા વિવિધ લાભો મળે તે માટે બક્ષીપંચ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ)ના અધ્યક્ષસ્થાને અને નાયબ નિયામક અધિક્ષક કે. જી. વણજારાની ઉપસ્થિતિમાં રાજયના ૩૩ જીલ્લાના સમાજ કલ્યાણ અધિકારીઓની એક બેઠક ગાંધીનગર ખાતે મળી હતી.

આ અંતર્ગત માહિતી આપતા બક્ષીપંચ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ)એ જણાવ્યુ હતું કે બક્ષીપંચ સમાજના ઉત્કર્ષ માટે રૂ.૨૪૫ લાખની ગ્રાન્ટ ફાળવી બક્ષીપંચ સમાજની પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે અને પછાત વર્ગના વિકાસની તત્પરતા, નૂતન આયોજનો, અભિગમો તથા તેનું નિર્ણાયકતા અને નિડરતા સાથેનું અમલીકરણ, બક્ષીપંચ સમાજના પ્રશ્નો અને તેના પ્રત્યેની સજાગતા અને તેના નિવારણ માટેના સનિષ્ઠ સંવેદનાભર્યા પ્રયાસોને લીધે પ્રજાએ વિકાસ કૂચને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે અને રાજયના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી આરૂઢ થયા છે ત્યારે રાજયનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ બોર્ડના ચેરમેન તરીકે નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ) એ જવાબદારી સંભાળ્યા બાદ ગાંધીનગર ખાતે બક્ષીપંચ નિગમના ૩૩ જિલ્લાના અધિકારીઓ સાથે પ્રથમ સમીક્ષા બેઠક યોજી હતી.

આ અંતર્ગત વધુ માહિતી આપતા નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ)એ જણાવ્યુ હતું કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી જનહિત માટેની સંકલ્પબદ્ધ સરકાર બની છે અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં પારદર્શકતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાને ધ્યેયમંત્ર બનાવી વિકાસ અને જનસુખાકારીનો સતત વિસ્તારવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે બક્ષીપંચ સમાજના ૩૩ જિલ્લાના અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં બક્ષીપંચ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, ધંધા - રોજગાર, વિવિધ પ્રશ્નો અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

અંતમાં નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યુ હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ સાથે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર કાર્યરત છે ત્યારે બક્ષીપંચ સમાજને મળતા વિવિધ લાભોની વિસ્તૃત જાણકારી મળે અને સામાજીક સમરસતા થાય તે માટે આગામી દિવસોમાં જિલ્લાવાઈઝ સેમીનારોનું આયોજન કરવામાં આવશે. જેનો પ્રારંભ દેવભૂમિ દ્વારકાથી કરવામાં આવશે ત્યારબાદ વડોદરા, સુરત, અમરેલી સહિતના જીલ્લાઓમાં તબક્કાવાર સેમીનાર યોજાશે. આ સમીક્ષા બેઠકમાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ બોર્ડના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને તેમજ નાયબ નિયામક અધિક્ષક કે. જી. વણજારા તેમજ નિગમના મેનેજીંગ ડીરેકટરો સહિતના સાથે આ બેઠકમાં બક્ષીપંચ વિકાસ નિગમના ૩૩ જીલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:59 pm IST)