Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

રમાબેન માવાણીની સ્ટેની અરજી નામંજૂર

માજી સાંસદે પતિ રામજીભાઇ માવાણીને વકિલ તરીકે રાખીને સિવિલ કોર્ટમાં 'સ્ટે' માંગ્યો હતો : કે. સી. ચેમ્બરના બીજા માળે આવેલી મિલ્કતમાં લીલાબેન અને દિલીપભાઇએ પ્રવેશ ન કરવા સ્ટે માંગેલો

રાજકોટ તા. ૭: માજી સાંસદ શ્રીમતિ રમાબેન રામજીભાઇ માવાણીએ રાજકોટના કવિ નાનાલાલ માર્ગ પર આવેલી કે. સી. ચેમ્બર નામના કોમર્શિયલ બિલ્ડીંગના બીજા માળ પરથી ૧૮૦૩-૦૦ ચો.ફુટ કારપેટ એરિયા પુરતી મર્યાદિત મિલ્કત સને ૨૦૧૦ના અરસમાં રાજકોટ નાગરિક બેંક પાસેથી ખરીદી હતી. આ જગ્યા સી.એ.ના કલાસીસ ચલાવવા સુખસાગર ઇન્સ્ટીટ્યુટને ભાડેથી આપી હતી. આ મિલ્કતમાં પ્રતિવાદીઓ પ્રવેશ કરે કે કરાવે નહિ તે માટેના સ્ટેની અરજી રમાબેને કરી હતી. આ અરજી સિવિલ કોર્ટએ નામંજુર કરી છે.

કે. સી. ચેમ્બરના બીજા અને ત્રીજા માળ પર આવેલી બધી મળીને કુલ ૨૬૦૦ ચો. ફુટ ટેરેસ એરિયા રાજકોટના રહિશ શ્રીમતિ લીલાબેન છગનભાઇ રાઠોડ અને દિલીપભાઇ કાનજીભાઇ રાઠોડે રાજકોટ નાગરિક સહકારી બેંક પાસેથી ટેન્ડર ભરી કાયદેસર અવેજની રકમ ચુકવીને રજીસ્ટર્ડ વેંચાણ દસ્તાવેજથી ૨૯-૬-૧૭ના રોજ વેંચાણ રાખી બંને માળની ટેરેસનો કબ્જો સંભાળ્યો હતો. ત્યારબાદ ઓકટોબર, નવેમ્બર-૨૦૧૭માં ટેરેસના માલિકોએ ગ્લોબલ હ્યુમન રાઇટ્સ કાઉન્સીલની માનવ અધિકાર તથા મહિલાઓના અધિકારની પ્રવૃતિ ચલાવવા બીજા માળની ટેરેસ પર ફેબ્રીકેશન  વર્ક કરાવી સ્મિેન્ટ શીટથી રૂફીંગ કરી બારી-દરવાજા ફીટ કરી વાપરવા યોગ્ય બનાવતાં વાદી તરીકે માજી સાંસદ રમાબેન માવાણીએ તેમના પતિ માજી સાંસદ રામજીભાઇ માવાણીને વકિલ તરીકે રાખી પ્રતિવાદીઓ લીલાબેન રાઠોડ અને દિલીપભાઇ રાઠોડ વિરૂધ્ધ આ ટેરેસમાં રૂફીંગ કરેલી જગ્યાએ લીલાબેન અને દિલીપભાઇ કે લીલાબેનના પતિ સી. કે. રાઠોડને પ્રવેશ કરવા કોઇ હક્ક, સત્તા કે અધિકાર નથી. તેમ ઠરાવી આપવા રાજકોટની સિનીયર સિવિલ કોર્ટમાં દિવાની દાવો દાખલ કરી આ લોકો તેમાં પ્રવેશ કરે કે કરાવે નહિ તેવી કામચલાઉ મનાઇ હુકમ (સ્ટે)ની માંગણી કરી હતી.

આ દાવામાં લીલાબેન અને દિલીપભાઇ વતી એડવોકેટ કે. બી. રાઠોડ રોકાયા હતાં. તેઓની રજૂઆતો અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ થતાં નામદાર કોર્ટ દ્વારા ચકાસણી અને ચર્ચા કરીને પ્રતિવાદીઓનો બીજા માળની ટેરેસનો કબ્જો અને માલિકી હોવાનું પ્રથમ દર્શનીય જણાઇ આવે છે તેમ કહી બંને પક્ષકારોના વકિલોની દલિલો સાંભળી બંને પક્ષકારો તરફથી રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓ રજૂઆતોને ધ્યાને રાખી ૧૪મા અધિક સિનીયર સિવિલ જજશ્રી કે. ડી. પરમારે તા. ૩-૨-૧૮ના રોજ મનાઇ હુકમની અરજી પર હુકમ કરી વાદી શ્રીમતી રમાબેન માવાણીની સ્ટેની માંગણી નામંજૂર યાને કે રદ કરેલ છે.

પ્રતિવાદીના વકિલ તરફથી રજૂઆત થઇ હતી કે રમાબેન માવણીએ પોતાના જ માલિકી અને કબ્જા ભોગવટાના રેકર્ડ પરના દસ્તાવેજી પુરાવાથી તદ્દન વિપરીત, ખોટી અને બનાવટી હકિકતો-રજૂઆતો કરીને પ્રતિવાદીઓના કાયદેસરના માલિકી અને કબ્જા તથા ભોગવટાના બીજા માળની ટેરેસની જગ્યાનો કબ્જો હડપ કરી પડાવી લેવા તદ્દન ખોટી અરજી કરેલ છે તેથી આવા કેસમાં સ્ટે યાને કે મનાઇ હુકમ મળી શકે નહિ. કારણ કે પ્રતિવાદીઓએ આ ટેરસની જગ્યા પોતાની માલિકી, કબ્જા ભોગવટાની છે તે બતાવવા  રેકર્ડ પર પ્રથમ દર્શનીય માનવાલાયક દસ્તાવેી પુરાવો રજૂ કર્યો હતો.

(3:58 pm IST)