Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પટેલ યુવાન પાસે ૪ લાખની ઉઘરાણી કરનારા ૩ વ્યાજખોરો સામે ગુનો

વ્યાજખોરીની ૧૪મી ફરીયાદઃ અન્ય, વિશાલ અને અતુલની શોધખોળ

રાજકોટ તા. ૭ : શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝૂંબેશ શરૂ કરાઇ છે અને ગઇકાલે બી ડીવીઝન પોલીસે પટેલ યુવાનની ફરીયાદ પરથી ત્રણ વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યો છે વ્યાજખોરી ઝૂંબેશમાં ફરીયાદનો આંક ૧૪ થયો છે.

મળતી વિગત મુજબ પડધરીના ખજુરી ગામે રહેતા હાલ રાજકોટ મોરબી રોડ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી શેરી નં.૧માં રહેતા હરેશભાઇ પરસોતમભાઇ મુગલપરા (ઉ.ર૮) એ બી ડીવીઝન પોલીસ મથકમાં ગોવિંદ બાગ શાકમાર્કેટ પાસેનો અજય લોહાણા, કુવાડવા રોડ અલ્કાપાર્કનો વિશાલ કોટડીયા અને આર્યનગર શેરી નં.૬નો અતુલ અણદાણી સામે ફરીયાદ નોંધાવી છે. હરેશભાઇ પટેલે ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે ખેતી કામ કરે છે. તે અગાઉ આરોપી અજય પાસે કિક્રેટના સટ્ટામાં પૈસા હારી ગયા હતા. જેથી તેણે વિશાલ અને અતુલ પાસેથી કટકે કટકે રૂ.૪ લાખ ઉંચા વ્યાજે લીધા હતા જેના બદલામાં આરોપીઓએ કોરા ચેક લખાવી લીધા હતા બાદમાં ત્રણેય શખ્સેએ પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. આ  બાદથી  બળજબરીથી આરોપીઓએ ચેક  બેંકમાં નાખી  ગાળો દઇ ધમકી આપી હતી હાલ પોલીસે આ અંગે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. કે.કે.પરમારે તપાસ આદરી છે.

(3:57 pm IST)