Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

રાજકોટના બહુચર્ચિત વિશાલ હત્યા કેસમાં આરોપીઓ ઇશાંત જોષી અને અફઝલ બાનવાનો નિર્દોષ-છુટકારો

આરોપીની પ્રેમિકાને હેરાન કરતા માંગરોળ રહેતા આરોપીઓએ વિશાલનું અપહરણ કરી ખંડણી માંગી અપહરણ કરી મારી નાખી ટંકારાની નદીમાં લાશ ફેંકી દીધી હતીઃ સાંયોગિક પુરાવો સાબીત થતો નથીઃ કોર્ટ

રાજકોટઃ ચકચારી વિશાલ હત્યા કેસના બચાવ પક્ષે રોકાયેલા વકીલો પિયુષભાઇ શાહ, રોહીતભાઇ ઘીયા, નિવીદ  પારેખ, હર્ષિલ શાહ, મોહીત ઠાકર વિગેરે દર્શાય છે.

રાજકોટ તા.૭ : રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનની હદમાંથી અપહરણ કરી ખંડણી માંગી અને ખુન કરવાના આરોપસર પકડાયેલ અને જેલમાં રહેલ આરોપીઓ (૧) ઇશાંત ભીખાભાઇ જોષી રહે.માંગરોળ તથા (ર) અફઝલ આરીફભાઇ બાનવા રહે.માંગરોળ સામેનો કેસ ચાલી જતા રાજકોટના એડી. સેશન્સ જ્જશ્રી રાવલે બંને આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામના ફરિયાદી જયંતિભાઇ હસમુખભાઇ ચુડાસમાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં તા.રર-૯-૧રના રોજ ફરિયાદ કરેલ અને ફરિયાદની હકીકતમાં જણાવેલ કે કોઇ અજાણ્યા માણસે મારા મોબાઇલ પર ફોન કરીને એવુ જણાવેલ કે મે ને તુમ્હારે લડકે કો કીડનેપ કર લીયા હૈ, તુમ ૧૦ લાખ દો નહી દોગે તો તુમ્હારે લડકે કી લાશ મીલેગી તે મતલબની ફરિયાદ કરેલ.

ઉપરોકત ફરિયાદના અનુસંધાને માલવીયાનગર પોલીસે અજાણ્યા માણસો વિરૂધ્ધ આઇપીસી કલમ-૩૬૪ (ક) અને ૧૧૪ મુજબ અપહરણ કરી ખંડણી સબંધેની ફરિયાદ દાખલ કરેલ હતો.

ઉપરોકત ગુનો દાખલ થયા બાદ આ કામના આરોપીઓ સેન્ટ્રો કાર સાથે કાલાવાડ રોડ પર ઉભા હતા અને આજ આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ છે તેવી બાતમી મળતા ડીસીબીના પીઆઇશ્રી વી.બી.જાડેજાએ શંકાના આધારે બંને આરોપીઓની ધરપકડ કરેલ અને સેન્ટ્રો કાર અને મોબાઇલ કબ્જે કરેલ અને બંને આરોપીઓને માલવીયાનગર પોલીસને સોંપી આપેલ.

માલવીયાનગર પોલીસ સમક્ષ આરોપીઓએ બનાવની કબુલાત કરેલ અને તેના આધારે તપાસ કરતા ફરિયાદીનો દિકરો વિશાલ જયંતિભાઇ કે જે રાજકોટમાં રહી એમ.એસ.ડબલ્યુનો અભ્યાસ કરતો હતો અને તે આ કામના આરોપી ઇશાંત ભીખાભાઇ જોષી તથા તેની પ્રેમિકા સાથે સબંધ હતો અને તેની પ્રેમીકાને આ કામના ફરિયાદીનો દિકરો વિશાલ જયંતીભાઇ ચુડાસમા હેરાન કરતો હોય જેથી બંને આરોપીઓએ આ કામના ભોગ બનનારને ખંડણી માંગવાના તેમજ મોત નિપજાવવાના ઇરાદે કાવત્રુ ઘડી બંને આરોપીઓ માંગરોળથી રાજકોટ આવેલ અને આ કામ પુરૂ કરવા આ કામના આરોપી ઇશાંતે રમણીકભાઇ પાસેથી સેન્ટ્રો કાર ખરીદી અને તા.રર-૯-૧રના રોજ આ કામના આરોપી ઇશાંતે તેના મોબાઇલ નંબર ઉપરથી ફરિયાદીના દિકરા વિશાલને મોબાઇલ પર સંપર્ક કરી જણાવેલ કે મે ગાડી લીધેલ છે. ફરવા જવાનુ છે તેવુ જણાવી વિશાલને કે.કે.વી. હોલ પાસે રાજકોટ બોલાવેલ જેથી આ કામના ફરિયાદીના દિકરો વિશાલ આરોપીઓની પાસે આવતા આ કામના આરોપીઓ વિશાલને લઇ જઇ સેન્ટ્રો ગાડીમાં બેસાડી રાજકોટથી ગોંડલ પર લઇ ગયેલ પરંતુ ગોંડલ પર વાહનની અવર-જવર ચાલુ હોય આરોપીઓને મોકો મળેલ નહી અને ત્યાંથી ટંકારા તરફ લઇ જઇને ગળેટુપો દઇને વિશાલની હત્યા કરી પુલ નીચે નદીમાં ફેંકી દીધો હતો.

જેથી આરોપીઓ વિરૂધ્ધ આઇપીસી કલમ-૩૦ર, ૩૬૪ (ક), ર૦૧, ૧ર૦(બી) મુજબનો ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરેલ અને ચાર્જશીટ ફાઇલ કરેલ.

આ કામમાં સેશન્સ કમીટ લઇ અદાલતમાં ચાલવા ઉપર આવતા બંને આરોપીઓ વિરૂધ્ધ સેશન્સ અદાલતે ત્હોમતનામુ ફરમાવેલ હતુ.

આ કામમાં બચાવપક્ષે રોકાયેલા એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ તેમજ રોહીતભાઇ ઘીયાએ રજુઆત કરેલ કે, આ કામમાં જે કોલ ડીટેલ્સ રજુ થયેલ છે તે પુરાવાના કાયદા મુજબ પુરવાર થયેલ નથી અને ફરિયાદ પક્ષે લાસ્ટ શીન ટુ ગેધરનો પુરાવો રજુ કરેલ છે તે પુરાવો બનાવ બન્યા બાદ દોઢ વર્ષ પછીનો પુરાવો છે. આ સાહેદ પોલીસમેન છે અને દોઢ વર્ષ સુધી મૌન છે જે શંકાસ્પદ છે.

પોલીસના કેસ મુજબ આરોપીઓએ દોરી વડે ગળેટુપો આપેલાનો કેસ છે જે સમગ્ર હકીકત જોતા વિરોધાભાષ છે. આરોપીઓ પાસેથી કોઇ રીકવરી-ડીસ્કવરી કરવામાં આવેલ નથી અને ડીસીબીના પીઆઇશ્રી દ્વારા શંકાના આધારે આરોપીઓની ધરપકડ કરેલ છે જે સમગ્ર કાર્યવાહી શંકાસ્પદ છે.

આમ ઉપરોકત વિગતે પુરાવાની ચેન પુરવાર થતી નથી. કોલ ડીટેલ્સ યોગ્ય રીતે રજુ કરવામાં આવેલ નથી તેમજ ખંડણીનો કોઇ પુરાવો નથી. સમગ્ર હકીકતને ધ્યાનમાં લઇ રાજકોટના એડી. સેશન્સ જ્જશ્રી રાવલે બંને આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી નં. (૧) ઇશાંત ભીખાભાઇ જોષી વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીવીદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા, આનંદભાઇ રાધનપુરા, હર્ષિલભાઇ શાહ, વિજયભાઇ પટગીર, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા તેમજ આરોપી નં.(ર) અફઝલ આરીફભાઇ બાનવા વતી રોહીતભાઇ, ચેતનભાઇ ચભાડીયા રોકાયા હતા.

(3:43 pm IST)