Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

તિજોરી તળિયા ઝાટક?

કોર્પોરેશનના કેટલા બિલો પેન્ડીંગ? બંછાનિધી પાનીએ યાદી મંગાવી

બેફામ ખર્ચાઓ ઉપર લગામ મૂકવા કમ્મર કસતા મ્યુ. કમિશ્નર

રાજકોટ તા. ૭ : મ્યુ. કોર્પોરેશનમાં છેલ્લા કેટલાક મહીનાઓથી આર્થિક તંગીના અનેક નિર્દેશો મળી રહ્યા છે. કેમકે ૨૬મી જાન્યુઆરીએ લાખેણી સંગીત સંધ્યા નહી યોજવા તંત્રએ નિર્ણય લેવો પડયો હતો. દરમિયાન હવે કોર્પોરેશન કોન્ટ્રાકટરોને બિલ ચુકવવામાં પણ નાણાભીડ અનુભવી રહ્યાની ફરિયાદ મ્યુ. કમિશ્નર સુધી પહોંચતા તેઓ આ મુદ્દો રિવ્યુ મીટીંગમાં ઉઠાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

કોર્પોરેશનના અધિકારી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ આજે મળેલી કોર્પોરેશનની રિવ્યુ મીટીંગમાં કોર્પોરેશનના અસંખ્ય બિલો પેન્ડીંગ હોવાની ફરીયાદની ચર્ચા નિકળતા મ્યુ. કમિશ્નરશ્રીએ અધિકારીઓને કડક સુચના આપી હતી કે આ બિલો પેન્ડીંગ છે તેનું કારણ શું? કેટલા બિલો પેન્ડીંગ છે તેની યાદી તૈયાર કરીને કમિશ્નરશ્રીને આપવા અધિકારીઓને સુચનાઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આમ, મ્યુ. કોર્પોરેશનમાં અસંખ્ય બિલો પેન્ડીંગ રહેવાથી તંત્રની આબરૂને પણ ઠેસ પહોંચી રહી છે. કેમકે કોન્ટ્રાકટરોના બિલો મંજુર નહી થતા તંત્રની તિજોરી તળિયા ઝાટક હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.(૨૧.૩૩)

(3:43 pm IST)