Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પાણીના મુદ્દાથી રાજકીય 'પ્રવાહ' બદલવાનો કોંગ્રેસનો ઇરાદો

સરકારના કારણે જળસંકટ સર્જાયાનો સીધો આરોપ મુકી રાજય વ્યાપી આંદોલન જગાવવાની રણનીતિ

રાજકોટ, તા., ૭: ગુજરાત માટે જીવાદોરી તરીકે જાણીતા બનેલા નર્મદા ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે પાણી ઓછુ આવતા તેની સીધી અસર રાજયની પાણી વિતરણ વ્યવસ્થા પર પડી છે. સરકારે પાણીની અછત સામે બાથ ભીડવાની તૈયારી કરી છે. બીજી તરફ રાજયના મુખ્ય વિપક્ષ કોંગ્રેસે પાણીના મુદ્દાથી ગુજરાતનો રાજકીય પ્રવાહ બદલવાનો ઇરાદો રાખ્યો છે. પાણીને મુદ્દો બનાવી વિધાનસભાની અંદર અને બહાર સરકારને ભીડવવાની રણનીતી તૈયાર થઇ રહી છે.

ભુતકાળમાં પાણીના નામે અનેક આંદોલનો થયા છે. પાણીએ તમામ સજીવને સ્પર્શતો મુદ્દો હોવાથી પાણીના આંદોલનને ઝડપથી વેગ મળી શકે છે. પાણીના નામે સહેલાઇથી રાજકારણ કરી શકાય છે. ગુજરાતમાં તોળાતુ જળસંકટ સરકાર સર્જીત હોવાનો કોંગ્રેસે સીધો આરોપ લગાવી દીધો છે. જયારે ભાજપે નર્મદા યોજનામાં કોંગ્રેસની નકારાત્મક ભુમીકા રહયાનો વળતો પ્રહાર કર્યો છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ૮૦ જેટલી બેઠકો મેળવીને મજબુત વિપક્ષ તરીકે ઉપસેલ કોંગ્રેસ હવે લોકસભાની ચુંટણી ધ્યાને રાખીને વિરોધનો કોઇ મુદ્દો જતો કરવા માંગતી નથી. પાણીના મુદ્દાને સરકારની નિષ્ફળતા ગણાવી લોકલાગણીને ચોક્કસ દિશા આપવાનો પ્રયાસ થશે. પાણીના નામે શાસક અને વિપક્ષે અત્યારથી જ એકબીજા પર આક્ષેપોની રેલમછેલ શરૂ કરી દીધી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવકતા હિમાંશુ પટેલે રૂપાણી સરકારને પાણી વગરની ગણાવી જળસંકટ માટે જવાબદાર સરકાર સામે રાજયવ્યાપી સત્યાગ્રહ ચલાવવાની જાહેરાત કરી છે. ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ ફટકારતા જણાવેલ કે કુદરતી સંભવીત જળસંકટના સંદર્ભમાં કોંગ્રેસ ગેલમાં આવી જઇને વિકૃત માનસીકતા વ્યકત કરે છે. રર વર્ષ સુધીના નર્મદા યોજના પરના કોંગ્રેસ સંકટને ભાજપે દુર કરેલ છે. કોંગ્રેસને નર્મદા યોજના કે ખેડુતો વિશે બોલવાનો અધિકાર જ નથી.

(3:39 pm IST)