Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

શનિવારે શ્રીજી ગૌશાળામાં ઉજવાશે ફૂલફાગ હોરી ઉત્સવ

વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી (કડી, અમદાવાદ)ના સાનિધ્યમાં કિર્તનકારો હોરી- ધમાર રસીયાની રમઝટ બોલાવશે

રાજકોટ,તા.૭: શહેરની ઉત્તર ભાગોળે જામનગર હાઈવે પર સાકાર ગૌતિર્થ શ્રીજી ગૌશાળા ગૌસેવા અને ગૌમૂત્ર ચિકિત્સાની આહલેકના કારણે પ્રસિધ્ધ છે. એમા વિહરતી ૧૮૦૦ ગૌમાતાઓના ધીંગા અને તંદુરસ્ત ગૌસમુહને કારણે ગૌપ્રેમી સમાજનું માનીતુ સ્થાન બની રહી છે. અહીં નિત્યનુતન કાર્યક્રમ- ઉત્સવોના આયોજન થકી ગૌપ્રેમી સમાજને ગાય સાથે જોડાવા અર્હર્નીશ પ્રયાસો થઈ રહયા છે.

 

પુષ્ટી માર્ગીય સંપ્રદાયની રીતી પ્રમાણે માગ સુદી પંચમી એટલે કે વસંત પંચમી વસંતના આગમાન સાથે શ્રી રાધા- કૃષ્ણના વિશુધ્ધ સ્નેહથી છલકતો ૪૦- દિવસનો મદન ઉત્સવ જેને ખેલના દિવસો કહેવામાં આવે છે. વસંતપંચમીથી હોરી પડવા સુધી પ્રભુ નિત્ય હોરીખેલ મનાવે છે. વળી આ સંપ્રદાયમાં વ્રજની હોરીનું વિશેષ મહાત્મય સ્વીકારાયે છે. વ્રજની હોરીની વાત આવે એટલે વ્રજના લોકમુખે ગવાતા હોરી ધમાર રસીયા કિર્તનોનું અચુક સ્મરણ આવે. આ દિવસોમાં અષ્ટછાપ કિર્તનકારો સહિત વ્રજભાષાના લોકભકત કવિઓના રસીયા વિવિધ શાસ્ત્રીય રાગોમાં મંદિરોમાં ઠાકોરજી સન્મુખ ગાન કરવાનો એક અનોખો અને સર્વત્રીક પ્રકાર સંપ્રદાયમાં પ્રચલીત છે. વળી આ ૪૦- દિવસોમાં ગામે- ગામ કિર્તન સમાજ અને મંડળીઓના માધ્યમથી અનેક પ્રકારની હોરીરસ ભકિત અભિવ્યકત કરવામાં આવે છે.

આગામી તા.૧૦ને શનિવારની સાંજે ૬ વાગ્યાથી શ્રીજી ગૌશાળા ખાતે પ્રખર વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રફી (કડી- અમદાવાદ)ના સાનિધ્યમાં ફૂલ-ફાગ હોરી- ધમાર રસીયાનો દિવ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે.

આ અંતગર્ત શનિવારની સાંજે ૬ વાગ્યાથી જ શ્રીજી ગૌશાળા ખાતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પ્રસિધ્ધમ કિર્તનકારોના મધુર કંઠે હોરી- ધમાર- રસીયાના રસપૂર્ણ કિર્તનોની રમઝટ શ્રવણ કરવાનો દિવ્ય અવસર માણવા ગૌપ્રેમી ભાવુકોને સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

આ અંગે વધુ માહિતી માટે  પ્રભુદાસભાઈ તન્ના મો.૯૮૨૫૪ ૧૮૯૦૦, રમેશભાઈ ઠકકર મો.૯૯૦૯૯ ૭૧૧૧૬, જયંતિભાઈ નગદીયા મો.૯૪૨૭૪ ૨૯૦૦૧, ચંદુભાઈ રાયચુરા મો.૯૮૯૮૨ ૪૧૧૯૦, વિનુભાઈ ડેલાવાળા મો.૯૪૨૮૨ ૦૦૧૮૧ અને ભુપેન્દ્રભાઈ છાટબાર મો.૯૩૭૬૭ ૩૩૦૩૩ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શ્રીજી ગૌશાળાના આગેવાનો સર્વેશ્રી વિનુભાઈ ડેલાવાડા, રમેશભાઈ ઠકકર, ભુપેન્દ્રભાઈ છાંટબાર અને બીપીનભાઇ સેજપાલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૪)

ફૂલફાગ હોરી એટલે શું?

રાજકોટ : પુષ્ટી સંપ્રદાયની હવેલીઓ તેમજ વ્રજમંડલમાં અનેકવિધિ હોરી મનાવવાના પ્રકારો પ્રચલીત છે. જેમાં અબીર- ગુલાલ- કેસર- કુમકુમ જેવા સુકા રંગ દ્રવ્યોથી નિત્ય પ્રભુને ખેલવવા ઉપરાંત એક વિશેષ પ્રકારે ગુલાલ- કેસર- કુમકુમને અરગજા અને ચોવા જેવા અત્તર દ્રવ્યો મિશ્રીત જલમાં ઘોળી ભીની હોરી ખેલવાનો પણ વ્રજનો એક અનોખો પ્રકાર છે અને રંગની અને વસંતની વાત આવે એછટલે આપોઆપ વસંતમાં ખીલતી અફાટ વનરાજીમાં કોળતા વિવિધ પ્રકારના રંગબેરંગી પુષ્પોની અચુક ચર્ચા આવે જે પ્રભુને અત્યંત પ્રિય છે અને એટલે જ વ્રજમાં વિવિધ પ્રકારના રંગબેરંગી સુગંધીત પુષ્પોની પત્તીઓ થકી પણ હોરી ખેલવવાના પ્રકારને ''ફૂલફાગ હોરી'' કહેવામાં આવે છે. બસ આવી જ એક ફૂગફાગ હોરી તા.૧૦ને શનિવારે સાંજે૬ વાગ્યાથી પ્રખર અને પરમ વિદ્વદ એવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી- અમદાવાદ)ના દિવ્ય સાનિધ્યમાં મનાવતા હોરીરસ રંગે ભીંજવા- ભીંજાવા સાથે પૂ.શ્રીના ભાવપૂર્ણ વચનામૃતોના આનંદ રસથી સરાબોર થવા નિમંત્રણ અપાયું છે.

(1:45 pm IST)