Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ગંજીવાડાના નાકે 'હિટ એન્ડ રન': કોળી યુવાન અજય રાઠોડનું મોત

સવારના પ્હોરમાં કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો

રાજકોટ તા. ૭: ભાવનગર રોડ પર ગંજીવાડાના નાકે સવારના પ્હોરમાં હિટ એન્ડ રનના બનાવમાં કોળી યુવાનનું મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ સવારે છ થી સાડા છની વચ્ચે ગંજીવાડાના નાકે એક યુવાનને કોઇ વાહનનો ચાલક ઉલાળીને ભાગી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં થોરાળાના પી.એસ.આઇ. જાદવ તથા કોન્સ. રોહિતભાઇએ પહોંચી જરૂરી તપાસ કરી હતી. મૃતક યુવાન ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાછળ અંબિકા સોસાયટી-૪માં રહેતો અજયભાઇ કિશોરભાઇ રાઠોડ (કોળી) (ઉ.૩૮) હોવાનું ખુલતાં તેના પરિવારજનોને જાણ કરાઇ હતી.

પોલીસે મૃતકના માતા ઉમીબેન કિશોરભાઇ રાઠોડ (ઉ.૬૦)ની ફરિયાદ પરથી અકસ્માત સર્જી ભાગી ગયેલા અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. મૃતક યુવાન અજય ચાર ભાઇમાં ત્રીજો અને કુંવારો હતો તેમજ છૂટક મજૂરી કરતો હતો. અન્ય ભાઇઓના નામ મુકેશભાઇ, નિતીનભાઇ અને અમિતભાઇ છે. યુવાન કંધોતરના મોતથી માતા સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. સવારે અજયભાઇ કામ સબબ નીકળ્યો હતો અને કોઇ વાહનવાળો ઉલાળીને ભાગી ગયો હતો.

(12:45 pm IST)