Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ગઇકાલે ટ્રેન હેઠળ કપાયેલો યુવાન સનાતન પાર્કનો હિરેન ડાભી હતો

માનસિક બિમારીથી કંટાળી નાડોદા રજપૂત યુવાને આપઘાત કર્યાનું ખુલ્યું: બે બહેનનો એક જ ભાઇ હતોઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૭: ગઇકાલે બપોરે કોઠારીયા સોલવન્ટ રેલ્વે ફાટક પાસે અજાણ્યો યુવાન ટ્રેન હેઠળ કપાઇ ગયો હતો. તેના હાથ પર ઓમ ત્રોફાવેલો હોવા સહિતની બાબતો અને મૃતદેહના ફોટોગ્રાફ અખબારમાં પ્રસિધ્ધ થતાં આ યુવાનની ઓળખ થઇ છે. તે ગોંડલ રોડ પીરવાડી સામે સનાતન પાર્કમાં પાલવ સ્કૂલ સામે રહેતો હિરેન હરેશભાઇ ડાભી (ઉ.૨૧) નામનો નાડોદા રજપૂત યુવાન હોવાનું અને માનસિક બિમારીને કારણે આપઘાત કર્યાનું ખુલ્યું છે.

આજીડેમ પોલીસ મથકના રાજેશભાઇ મેર વધુ તપાસ કરે છે. ગઇકાલે યુવાન કપાઇ ગયાની જાણ થતાં હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. અખબારમાં સમાચાર વાંચી તેના સગા હોસ્પિટલે પહોંચ્યા હતાં અને મૃતદેહ ઓળખાયો હતો. આપઘાત કરનાર હીરેન બે બહેનનો એક જ ભાઇ હતો અને માનસિક બિમાર હોઇ તેની દવા ચલાુ હતી. તેની બહેનોના નામ હિમાંશીબેન અને દર્શનાબેન છે. પોતે વચેટ હતો. પિતા સેન્ટીંગ કામની મજૂરી કરે છે. હીરેન ગઇકાલે સવારે સાડા નવેક વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો. શોધખોળ કરતાં પરિવારજનોને તેનો મૃતદેહ જ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(12:44 pm IST)