Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

જામનગરના નામચીન ઇકબાલ ઉર્ફ બાઠીયા પર રાજકોટમાં તેના મિત્રના પુત્રએ જ ફિલ્મી ઢબે આંતરી ફાયરીંગ કર્યા

વાહન લે-વેંચનો ધંધાર્થી મિત્ર ઇકબાલભાઇને દારૂ પીવડાવતો હોઇ તે તેના પુત્ર સાદીકને ન ગમતાં ડખ્ખો થયો'તોઃ બે માસ પહેલા સાદીક અને તેના મિત્રો પર બાઠીયાએ ફાયરીંગ કરતાં મનદુઃખ ચાલતુ'તું: એ ગુનામાં ગત સાંજે રાજકોટ જેલમાંથી છૂટી મિત્રો સાથે કારમાં જામનગર જવા નીકળ્યો ત્યાં જ ઘંટેશ્વર પાસે ઢાળી દેવા ભડાકા કરાયા પણ બચી ગયોઃ ત્રણ કારમાં ભાગેલા સાદીક બુચડ, રજાક ઉર્ફ સોપારી, હુશેન, અમીન નોટીયાર અને ૮ અજાણ્યા શખ્સોને શોધવા રાત્રે જ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટૂકડીઓ જામનગર દોડી ગઇ

 

જેના પર ફાયરીંગ થયા તે ઇકબાલ ઉર્ફ બાઠીયો (છેલ્લે), તે જે કારમાં રાજકોટ જેલથી છુટી જામનગર જતો હતો તે બીએમડબલ્યુ કાર તથા બનાવ સ્થળે એડી. ડીસીપી હર્ષદ મહેતા અને ક્રાઇમ બ્રાંચના અીધકારીઓ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭: જામનગરનો નામચીન પઠાણ શખ્સ ફાયરીંગના ગુનામાં રાજકોટની જેલમાંથી ગત સાંજે છૂટ્યો તે સાથે જ તેની કારને મંગળવારે રાત્રે રાજકોટના જામનગર રોડ ઘંટેશ્વર નજીક નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર જામનગરના જ બારેક શખ્સોએ આંતરી ધડાડધ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. જો કે આ શખ્સનો બચાવ થયો હતો. પોલીસે કાવત્રુ રચી, ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરવા સબબ ગુનો નોંધ્યો હતો. આરોપીઓને ઝડપી લેવા રાત્રે જ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમો જામનગર તરફ તોડી ગઇ હતી. જેને ઢાળી દેવા ભડાકા કરાયા તે પઠાણ શખ્સ તેના મિત્રને દારૂ પીવડાવતો હોઇ જે બાબત મિત્રના પુત્રને પસંદ ન હોઇ જેથી તેની સાથે બે માસ પહેલા ઝઘડો થતાં આ પઠાણ શખ્સે તેના પર ફાયરીંગ કર્યા હતાં. એ ગુનામાં તે જેલમાં હતો.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે 'મુસ્તાક', નાગેશ્વર રોડ ગોમતીપુર જામનગર ખાતે રહેતાં ઇકબાલ ઉર્ફ બાઠીયો ઉમરભાઇ નાયક (પઠાણ) (ઉ.૪૧) નામના વાહન-લે વેંચના ધંધાર્થીની ફરિયાદ પરથી જામનગરના જ સાદીક અબ્દુલભાઇ ઉર્ફ અભલભાઇ બુશડ, રજાક ઉર્ફ સોપારી દાઉદભાઇ ચાવડા, હુશેન દાઉદભાઇ ચાવડા, અમીન નોટીયાર અને સાથેના આઠ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૦૭, ૧૨૦-બી, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪૧, ૪૨૭,  આર્મ્સ એકટની કલમ ૨૫ (૧-બી), એ-૨૭ મુજબ ગુનો નોંધ્યો છે.

ઇકબાલ ઉર્ફ બાઠીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું જામનગરમાં નદીના પટમાં નાયક ઓટો નામે ઓફિસ રાખી જુના ટુ-વ્હીલર અને કારની લે વેંચ કરુ છું.  મારી પત્નિનું નામ રજીયા છે. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મારા પિતા ઉમરભાઇ અને માતા શકીનાબેન તથા દાદી હવાબાઇ નિવૃત જીવન ગાળે છે. અમે બે ભાઇ છીએ, જેમાં હું મોટો છું. નાનો મુસ્તાક રિક્ષા ચલાવે છે. અબ્દુલ ઉર્ફ અભલ બુચડ (વશીલાવાળા) મારો મિત્ર છે અને અમે અવાર-નવાર સાથે દારૂ પીતા હતાં. આ બાબતે અબ્દુલભાઇના દિકરા સાદીક (રહે. જામનગર શરૂ સેકશન રોડ)ને ગમતું નહોતું. આ કારણે તેણે બે મહિના પહેલા મને ફોન કરી ગાળો દીધી હતી. આ બાબતે મેં તેના પિતા અબ્દુલભાઇને વાત કરતાં તે (સાદીક) ફરી ઉશ્કેરાયો હતો અને મારા ઘરે તેના મિત્રો સાથે આવતાં મેં ઉશ્કેરાઇને તેના પર ફાયરીંગ કરતાં તેના મિત્રો અમીન નોતીયાર અને બાપુડીને ઇજા થઇ હતી.

આ ડખ્ખામાં તેણે મારા વિરૂધ્ધ જામનગર સીટી-બી ડિવીઝમાં ફરિયાદ કરતાં હું એ ગુનામાં રાજકોટ જેલમાં હતો. મંગળવારે સાંજે સવા સાતેક વાગ્યે હું આ ગુનામાં જામીન પર છુટ્યો હતો. મને તેડવા માટે મારા મિત્ર હુશેન ઇબ્રાહીમભાઇ ખફી, મહેબુબ બોદુભાઇ ખફી (રહે. બંને જામનગર) બીએમડબલ્યુ કાર એમએચ૦૪ ઇએન-૨૭૨૭ લઇને આવ્યા હતાં. રાજકોટ જેલથી જામનગર જવા અમે રવાના થયા હતાં. કાર મહેબુબ ચલાવતો હતો. હું પાછળ બેઠો હતો. સવા આઠેક વાગ્યે માધાપર ચોકડીએ પહોંચ્યા ત્યારે આગળ સ્વીફટ ડિઝાયર કાર નં. ૫૦૮૮ આવી હતી. તેની આગળ એક આઇ-૨૦ હતી. સ્વીફટ કાર સાદીકની હોઇ હું ઓળખી ગયેલ અને હુશેને સાદીકને એ કાર ચલાવતાં પણ જોયો હતો. એ કારમાં બીજા ત્રણેક શખ્સો પણ હતાં.

આઇ ૨૦ કારમાં પણ ચારેક શખ્સો હતો. આ બંને કારથી અમારી કારનો પીછો શરૂ થયો હતો. જેથી મેં હુશેનભાઇને કહેલ કે સાદીક અને તેના માણસો છે, ધ્યાન રાખજો અને ગાડી ભગાડો. આથી અમે ઘંટેશ્વર ગામ પાસે નવા ૧૫૦ રીંગ રોડથી થોડે આગળ પહોંચ્યા ત્યાં ત્રીજી એસયુવી કાર ૮૭૯૨ આવેલ અને તેમાં પણ ત્રણ-ચાર શખ્સો બેઠા હોઇ એ કારના ચાલકે અમારી કારની સાથે તેની કાર દોડાવી ચાલુ કારમાંથી જ એક શખ્સે અમારી કાર પર ફાયરીંગ શરૂ કર્યા હતાં. મેં મહેબૂબને કાર ભગાડવાનું કહેલ. પણ ટ્રાફિક હોઇ એસયુવી કારના ચાલકે પોતાની કાર અમારી કાર આડે ઉભી રાખી દીધી હતી. આગળ બેઠેલા શખ્સે અમારી કારમાંથી ફાયરીંગ કર્યુ હતું. હું નીચે બેસી ગયો હતો. ત્યાં તક જોઇ મહેબૂબે કાર ભગાવી મુકી હતી. હુશેને જોતાં આ ફાયરીંગ રજાક ઉર્ફ સોપારી અને રજાકના ભાઇ હુશેને કર્યાની ખબર પડી હતી. એસયુવી કાર અમીન નોતીયાર ચલાવતો હતો. અમે બચવા માટે કાર પડધરી સુધી ભગાડી હતી. જેથી હુમલાખોરો અમારા સુધી પહોંચી શકયા નહોતાં. પડધરીની શેરીઓ-ગલીઓમાં થઇ નીકળી ગયા બાદ પોલીસનો સંપર્ક કરતાં રાજકોટ સીટી પોલીસની હદ હોઇ અમે બધા ગાંધીગ્રામ પોલીસ મથકે આવ્યા હતાં.

બે માસ પહેલા મારા મિત્ર અબ્દુલભાઇના પુત્ર અને તેના મિત્રો પર મેં ફાયરીંગ કર્યા હોઇ તેનો ખાર રાખી મને મારી નાંખવાના ઇરાદે અબ્દુલભાઇના પુત્ર સાદીક અને તેના મિત્રોએ કાવત્રુ ઘડી અમારી કારનો પીછો કરી આંતરી ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

એડી. ડીસીપી હર્ષદ મહેતાની રાહબરીમાં ગાંધીગ્રામના ઇન્ચાર્જ પી.આઇ. એમ. ડી. ચંદ્રાવાડીયા, ભાનુભાઇ મિંયાત્રા અને રશ્મીનભાઇ પટેલે ગુનો નોંધ્યો હતો. રાત્રે જ ટોળકીને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટૂકડીઓ જામનગર પહોંચી હતી. પણ કોઇ હાથ આવ્યું નહોતું.

ફરીયાદી તથા આરોપીઓ બધાનો ગુનાહીત ઈતિહાસ

પોલીસના કહેવા મુજબ ફરિયાદી અને આરોપીઓ અગાઉ ૩૦૨,૩૦૭ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાઇ ચુકયા છે.  તેમજ પાસા/તડીપાર જેવા અટકાયતી પગલાઓ પણ લેવાયા હતા. સંપૂર્ણ બનાવ અંગત અદાવતના કારણે બનેલ છે અને કોઈને કોઈપણ પ્રકારની ઈજા થયેલ નથી.

(11:50 am IST)